દીકરા-વહુ હોવા છતાં વૃદ્ધ દંપતી એકલા ફરી રહ્યા હતા, કારણ જાણશો તો જીવનનો પાઠ શીખવા મળશે.

0
1216

વૃદ્ધ પતિ પત્નીનો આ કિસ્સો જીવનનું સત્ય સમજાવે છે, થોડો સમય કાઢીને અચૂક વાંચજો.

ગઈકાલે દિલ્હીથી ગોવાની ફ્લાઈટમાં એક સરદારજીને મળ્યો. તેમની સાથે તેમની પત્ની પણ હતી. સરદારજીની ઉંમર 80 વર્ષની આસપાસ હશે. મેં ઉંમર વિશે પૂછ્યું નહીં, પણ તેમના પત્ની પણ 75 વર્ષ વટાવી જ ગયા હશે. ઉંમરની કુદરતી અસરને બાદ કરીએ તો બંને જણા લગભગ ફિટ હતા.

સરદારજીના પત્ની બારી તરફ બેઠા હતા, સરદારજી વચ્ચે હતા અને હું કોર્નરની સીટ પર હતો. ફ્લાઈટ ઉપડી કે તરત જ સરદારજીના પત્નીએ ખાવાની વસ્તુઓ કાઢી અને સરદારજી તરફ ધરી. સરદારજી ધ્રૂજતા હાથે ધીમે ધીમે જમવા લાગ્યા. પછી જ્યારે ફ્લાઇટમાં ભોજન પીરસવાનું શરૂ થયું, ત્યારે તેઓએ રાજમા-ચાવલનો ઓર્ડર આપ્યો.

બંને ખૂબ આરામથી રાજમા-ચાવલ ખાતા રહ્યા. ખબર નહીં મેં શું કામ પાસ્તા મંગાવ્યા. મારી સાથે ઘણીવાર એવું બને છે કે, હું જે પણ ઓર્ડર કરું છું ત્યારે મને લાગે છે કે સામેની વ્યક્તિએ મારા કરતાં વધુ સારો ઓર્ડર આપ્યો છે.

હવે ઠંડા પીણાનો વારો હતો. મેં પીવા માટે કોકનો ઓર્ડર આપ્યો. મેં મારા કેનનું ઢાંકણું ખોલ્યું અને ધીમે ધીમે પીવાનું શરૂ કર્યું. સરદારજીએ કોઈક જ્યુસ લીધું હતું. જમ્યા બાદ જ્યારે તેમણે જ્યુસની બોટલનું ઢાંકણું ખોલવાનું શરૂ કર્યું તો તેમનાથી ઢાંકણું ખુલ્યું નહીં.

સરદારજી ધ્રૂજતા હાથે તેને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું સતત તેમની સામે જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે તેમને ઢાંકણ ખોલવામાં મુશ્કેલી પડી રહી છે, તેથી મેં તેમને નમ્રતાપૂર્વક કહ્યું, લાવો હું ખોલી આપું.

સરદારજીએ મારી સામે જોયું, પછી હસતાં હસતાં કહ્યું, દીકરા, આ ઢાંકણ તો મારે જ ખોલવું પડશે.

પ્રતીકાત્મક ફોટો

મેં કશું પૂછ્યું નહીં, પણ સવાલ ભરેલી આંખોથી તેમની સામે જોયું. આ જોઈને સરદારજીએ આગળ કહ્યું, દીકરા, આજે તું ખોલી દઈશ. પણ બીજી વખતે કોણ ખોલશે? તેથી જ મારે મારી જાતે આ ઢાંકણ ખોલવું જોઈએ.

સરદારજીના પત્ની પણ સરદારજી તરફ જોઈ રહ્યા હતા. જ્યુસની બોટલનું ઢાંકણ હજુ ખુલ્યું ન હતું. પરંતુ સરદારજીએ જીદ પકડી અને ઘણી વખત પ્રયત્ન કર્યા પછી આખરે ઢાંકણ ખોલ્યું. પછી બંને પતિ-પત્ની આરામથી જ્યુસ પીવા લાગ્યા.

દિલ્હીથી ગોવાની આ ફ્લાઈટમાં મેં જીવનનો એક પાઠ શીખ્યો. સરદારજીએ મને કહ્યું કે, તેમણે આ નિયમ બનાવ્યો છે કે તે પોતાનું બધું કામ પોતે જ કરશે. ઘરમાં બાળકો છે, આખો પરિવાર છે. દરેક વ્યક્તિ સાથે રહે છે. પરંતુ તેમની રોજિંદી જરૂરિયાતો માટે તેઓ માત્ર પોતાની પત્નીની મદદ લે છે, બીજા કોઈની નહીં. તેઓ બંને એકબીજાની જરૂરિયાતોને સમજે છે.

સરદારજીએ મને કહ્યું કે, પોતાનું કામ શક્ય એટલું જાતે જ કરવું જોઈએ. એકવાર હું કામ કરવાનું બંધ કરી દઉં અને બીજાઓ પર નિર્ભર થઈ જાઉં, તો દીકરા સમજી લે કે હું પથારી પર જ પડી જઈશ. ત્યારે મન હંમેશા એવું જ કહેશે કે આ કામ આમની પાસે કરાવી લઉં, આ કામ પેલા પાસે કરાવી લઉં. પછી તો ચાલવા માટે પણ બીજાનો સહારો લેવો પડશે. ત્યારે ચાલતી વખતે પગ કંપી જાય છે, જમતી વખતે પણ હાથ ધ્રૂજે છે, પણ જ્યાં સુધી આપણે આત્મનિર્ભર રહી શકીએ ત્યાં સુધી આપણે એમ જ રહેવું જોઈએ.

તેમણે આગળ વાત કરતા કહ્યું, અમે ગોવા જઈ રહ્યા છીએ, ત્યાં બે દિવસ રોકાઈશું. અમે મહિનામાં એક કે બે વાર આ રીતે ફરવા જઈએ છીએ. દીકરા-વહુ કહે છે કે એકલા રહેવું મુશ્કેલ રહેશે, પણ તેમને કોણ સમજાવે કે જ્યારે અમે હરવા-ફરવાનું બંધ કરીને ઘરમાં પુરાઈ જઈશું ત્યારે મુશ્કેલી થશે.

આખી જિંદગી ખુબ કામ કર્યું. હવે બધા દીકરાઓને કારોબાર સોંપીને મહિનાના પૈસા નક્કી કર્યા. અને અમે બંને એની મદદથી આરામથી ફરતા હોઈએ છીએ. એજન્ટો જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ બુક કરાવે છે. ટેક્સી ઘરે પહોંચી જાય છે. પાછા આવીએ ત્યારે એરપોર્ટ પર પણ ટેક્સી આવી જાય છે.

હોટેલમાં કોઈ સમસ્યા થતી નથી. આરોગ્ય, ઉંમર અનુસાર બધું એકદમ ઠીક છે. કેટલીકવાર જ્યુસની બોટલ ખુલતી નથી. પણ જો થોડું બળ લગાવું, તો તે પણ ખુલી જાય છે.

મિત્રો, આ દંપતીને જોઈ મારી આંખો પહોળી રહી ગઈ. મેં આ ફ્લાઇટમાં મારા લેપટોપ પર કોઈ ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું. પણ અહીં મેં જીવનની ફિલ્મ જ જોઈ લીધી. એક એવી ફિલ્મ જેમાં જીવન જીવવાનો સંદેશ છુપાયેલો હતો.

તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર રહો. શક્ય હોય ત્યાં સુધી પોતાનું કામ જાતે જ કરો.