અન્નપૂર્ણા રામબાઇ માઁ : દુકાળમાં માઁ-બાપ વગરના થયેલા બાળકોના માઁ બન્યા હતા રામબાઇ માઁ.

0
618

ભલે જશા આતા ભલે ! આમ બારોટ વાંટાવદરના અજાજુડ આયર જશા પટેલને બિરદવી રહ્યા છે . ડેલીમાં હેકડાઠઠ ડાયરો જામ્યો છે. આજ વાંટાવદર આયર પટેલ જશા આતાનાં રૂપસુંદર દીકરી રામબાઇનાં આણાત આવ્યાં છે. જશા પટેલની ડેલી ગોકુળિયાની જેમ ગાજી રહી છે. ત્યાં તો શેરિયુમાં ગોકીરો બોલતો આવે છે, હજી ડેલીમાથી ડોકા તાણે ત્યાં તો આભમાથી ઇંદ્ર મારાજના ઘરની અપ્સરા ઊતરી આવી હોય એવી રંભા સરખી ભરચક ઘરેણે ભાંગી પડતી જુવાન બાઇ ડાઢાળા ને મૂછાળા આયરોના ડાયરા વચ્ચે આવીને ઊભી રહી !

ડાયરો આખો હબક ખાઇ ગયો. જશા પટેલને ધરતી મારગ આપે તો સમાઇ જવા જેટલી ભોંઠપણ થઇ પડી. “અરે દીકરી રામબાઇ ! તુ આ ડાયરામાં આમ ઉઘાડે છોગ? આ શું? ખાનદાનનું છોરૂ ઊઠીને? તારાં સાસરીયાંની લાજ મરજાદ છોડી દીધી?

હા બાપુ ! લાજ તો ભગવાન રાખશે એની રહેશે .” રામબાઇનો રૂપાની ઘંટડી રોકો અવાજ ડાયરા વચ્ચે રણકી ઊઠ્યો. પણ રામબાઇને તેડવા આવેલ સાસરીયાંઓની આંખમાં મૂછના ખુણાખૂતી ગયા .

અરરરર ! આ દોઢસેં ડાઢાળા-મૂછાળા વચ્ચે આ બાઇ ઉઘાડે છોગ હાલી આવી? આ કોનુ ઘર સાંધે?

સાસરાપક્ષના માણસોની આંખમાં લો હીના ટશિયા ફુટ્યા. રામબાઇની ભોડી મરડી ના ખવા હાથમાં સળવળાટ ઊપડ્યા. સૌ રામબાઇની પાછળ નજર કરે ત્યાં કરૂવરૂ કરતા કાગોલીયાં જેવાં દુકાળિયાં છોકરાંનું ટોળુ હાલ્યું આવે. એની પાછળ ગામના અલમસ્ત જુવાનડા ખંભે ડાંગુ તોળીતોળીને આવી રહ્યા છે.
કોઇને કાંઇ સમજાણું નહિ.

હજી જશા પટેલ રામબાઇને જવાબ આપે તે પહેલાં જનક રાજાના દરબારમાં દિગંબર રૂપે સતી ગર્ગી ગાજે એમ ગાજી ઊઠ્યા :”મરજાદ છોડી આ દુકાળિયાંમાં બેઠેલા મોરલીધર મા’રાજુ સાટુ. આમ જુઓ બાપુ ! આ નવ સ્ત્ર નાગોડિયાં છોકરાંનાં માથાં વધેરી નાખ્યા આ જુવાનડાઓએ. એમનુ જોર માતું ન હોય તો જાય નહિ માળિયાના મિયાણા ઉપર ! આ નોધારાં , નમાયાં , નબાપાં દુકાળિયાં માથે ત્રમજુટ લાકડિયું શું લેવાને વરસાવે છે?

જશા પટેલ દીકરીના દિલની વાત કળી ગયા. ઓગણોતેરિયો જાણીતો બનેલ સંવત ૧૮૬૯ નો ભારે દુકાળ પડેલો. રામબાઇએ કહ્યું તેમ ભગવાન રાખે તેની જ લાજ રહે તેવું હતું. મા-બાપ વિયાંને રઝળતાં મેલીને હાલી નીકળેલાં. ધાણીફૂટ મરકીમાં જેનાં મા -બાપ ફાટી પડ્યાં એનાં છોકરાં રઝળી ભીખીને જેને ચપટી ચણ મળતાં રહ્યાં તે જીવતાં રહેતાં ને પડતાં , આખડતાં ઠેર ઠેર ટોળા રૂપે ભટકતા રહ્યાં. ભટકવાની તેવડ ખૂટતાં રાન રાન એમનાં મડદાંને કાગડાં , કૂતરાં ને ગીધડાં ઠોલતાં રહેતાં. આવાં દુકાળિયાં બાળકોનાં ટોળાં શહેર – ગામડાંમાં ઘૂસવા જાતાં ને લોકો એને મારી તગડી મૂકતાં.

રામબાઇની રૂડપ તો એ જન્મી ત્યારથી ચંદ્રની કળાની જેમ વધતી હતી . આવ્યા-ગયાના આદર આતિથ્યમાં અને ભૂખ્યાં-દુખ્યાંની ચાકરીમાં રામબાઇને એકધારી પરોવાઇ રહેલી જોઇ એનાં મા-બાપની એક આંખ ઠરતી અને બીજી આંખમાં વેદનાના દોરા બંધાઇ જતા કે આ દીકરી સાસરવાસે કેમ બંધાશે?

માવતર રામબાઇને ‘મારો રામ’ કહીને બોલાવતાં. જશા પટેલને ત્યાં ભૂખ્યાં-દુખીયાંની સદાય ભીડ લાગેલી રહેતી. અન્નનું ક્ષુધાર્થી એકેય કદી પાછું ન વળતું. એમાં ઓગણોતેરો ત્રાટક્યો, રાંકાટનો રાફડો ફાટ્યો. મોટા માંધાતાને ત્યાંથી જાકારા દેવાવા માડ્યાં ત્યારે વાટાંવદરનુ શું ગજું?

ગામે નક્કી કર્યુ કે બની શકે તો કોઇને ટંક બપોર મૂઠી ચણ નીરીને તગડી મૂકવા. રામબાઇનો જીવ કળીએ કળીએ કપાવા મંડ્યો , પણ આભ ફાટે ત્યા થીગડું ક્યાં મા રે?

દુકાળિયાં છોકરાંના ટોળાં પરાણે ગામમાં ઘૂસવા માંડ્યા. જાય ક્યાં? જીવ છુટે તો આશા છુટે ને? એટલે ગામલોક બળ વાપરવા માંડ્યા. પણ રામબાઇથી છાનાં છાનાં. એમાં આવતાં-જતાં રામબાઇને ખબર પડી ગઇ કે દુકાળિયાંને તો રોટલાને બદલે લાકડીયું ને પાણા નીરે છે, એટલે એનો આતમો અવળો થઇ ઊઠ્યો. મનમાં ઘણા હલુંબા ઊપડે પણ અસ્ત્રીની જાત. અજવાળી તોય રાત. પણ ખર ખબર રાખવા માંડ્યાં.

બરાબર આણું વળાવવાને ટાણે જ લાકડીયું દુકાળિયાં ભૂલકાં મા થે વરસતી હોવાનુ સાંભળ્યું, સાસરવાસે જવાની તૈયારીમાં પડેલ રામબાઇને અંગે અંગે ઝાળું ઊઠિયું. એ જ રૂપ શણગારે ગામને પાધર પહોંચી. હાકોટો કર્યો :”ખબરદાર જો કોઇને મા થે લાકડી વીંઝી છે તો !” એમ કહેતી-કને રામબાઇ દુકાળિયાં ભૂલકાંની આડી જઇને ઊભી રહી. રામબાઇને કાગોલીયાં વળગી પડ્યા. જેના આંસુ સુકાઇ ગયાં છે ને વેદનાની વાચા માત્રા દીનતામાં-રાંકાઇમાંજ રહી ગઇ છે એવાં ભૂલકાં ચિત્કાર કરી ઊઠ્યાં. રામબાઇએ જોયું તો કોઇનાં માથાં ફૂટી ગયાં છે, કોઇના પાંસળાં ભાંગી ગયાં છે, લો હીઝાણ કરી મે લ્યાં છે.

“અરરરરર !” રામબાઇથી એટલું જ બોલાણું. મનમાં થયું કે અટાણે એને બચાવી લઇને ચપટી ચણ નીરીશ, પછી આવતીકાલે એનું કોણ? અને આવતીકાલે હું તો હઇશ ઝાકઝમાળ મેડીના રંગતમાં ! પણષઆનું કોણ? ખોટી દયા શું દેખાડવી જો આ નમાયાંની મા ન બની શકું તો? બાણ લાગી ગયાં. પ્રાણ વીંધાઇ ગયાં. એ લોહીઝાણ દુકાળીયાંનું ટોળું લઇને રામબાઇ બાપના ડાયરામાં ઊભારહ્યાં, પણ એના રૂપમાંથી બીજાં જ તેજ નીતરતાં હતાં.

રામબાઇને હબડાવવાની કોઇની હિંમત ન હાલી. જશા પટેલે દીકરીના મુખ ઉપર ગુલાલને બદલે ભભૂત ઊડતી ભાળી, ખળભળી ગયા. બોલ્યા :”દીકરા રામ ! આવું કરાતું હશે? તે કીધું હોત તો આ દુકાળીયાંને ખવરાવી-પીવરાવીને રજા આપત, પણ આમ તારા સાસરીયાં સામે ઉઘાડે મોઢે અવાય બેટા? આપણા કુળની આબરૂને માથે શગ ચડાવવી છે !

બાપુ ! મને થાય છે કે મારાં સગાં ભાંડરૂની આ દશા થાય તો ગામ લાકડીયું જ મા રે ને ! તયેં આ નોધારાનું કોઇ આધાર નહિ?” “દુકાળનો દરિયો ડોવાતો હોય એમાં આપણું તે કેટલુંક ગજું બેટા રામ !”

“બાપુ ! મોરલીધરે ગોવર્ધન પર્વત એકલા ક્યાં તોળ્યો’તો? સો આયરોએ લાકડિયુંનો ટેકો આપ્યો તયેં ઇંદ્ર મારા’જે હારી ખાધુંને !

જેને રુદીયે રામ વસે એ સૌ થોડો થોડો ભાર ઉપાડી લ્યે તો આભને પડતો અટકાવી શકે ”

“એ વાતું થાય મારા રામ ! આ કાંઇ આટલાં જ દુકાળીયાં થોડાં છે? એનો તો સમદર ઊમટ્યો છે ”

“એમને તગાશે નહિ તો ડૂબી તો જવાશેને બાપુ ! મને એ દરિયામાં ડૂબી જવાની રજા આપો .”

“આ તું શું બોલશ ?”

“હું સાચું કહું છું બાપુ ! મારું મન હવે આ ઘરેણાંગાંઠા મા રાચતું નથી. આ ટાબરડાંને લો હી-પ રૂના શણગાર ને મારે સોનાં-રૂપાં પહેરવા એમ ને?”

“પણ આપણે આ છોકરાંને ખવરાવી-પીવરાવીને, કપડાં સીવરાવીને રજા દઇએ, પછી તારે શું વાંધો છે?”

“બાપુ ! આ છોકરાં રોટલાને કે લૂગડાંને નથી ગોતતા, પણ એની માને ગોતે છે. મારે એની મા થાવું છે.”

“હેં ?”

“હા , મારે એની મા થાવું છે. મને રજા આપો. બેય પખે રાજીથઇને રજા આપો. મોરલીધર તમારું ભલું કરશે. અને હવે મને સંસાર સાપ જેવો રૂંવે રૂંવે ડંખ દેવા લાગશે .

“પણ આપણી આબરૂ ?”

“મીરાંબાઇએ એના બેય પખાંની આબરૂ બગાડેલી કે વધારેલી? મને હવે આ મડદાલ માં મોરલીધરનાં દર્શન થાય છે બાપુ !

“ડાયરો આખો સજ્જડ થઇ ગયો છે. કોઇ ન બોલે કે ન ચાલે. ડાયરાએ અણદીઠ્યુ ને અણસાંભળ્યું નજરો નજર ભાળ્યું. એક આયરની દીકરી આણું વળાવાને દિવસે જ રંગમહેલમાં રમવાના ભર્યા ભર્યા કોડને બદલે દુકાળીયાંની મા થવાના કોડ પૂરા કરવા માવતર પાસે આરજુ કરી રહી હતી. માણસુર આતા કહે : “પણ બેટા ! આ કંગાળુંને રોજ રોજ કોણ રોટલા ખવરાવશે? ક્યાંથી કાઢીશ તુ?”

“મારે થોડા કાઢવા છે? મોરલીધર કાઢશે. જે દી રામ રૂઠશે તે દી તો હુંયે આ કંગાળ માયલી એક હોઇશ ને બાપુ !

“બાપનુ હૈયું હાથ ન રહ્યુ. ઠુઠવો મૂ કે એમ રોવાઇ ગયું. ડાયરાની આંખો ભીની થઇ ગઇ. ઓરડામાંથી છાતીફાટ રોવાના અવાજ ઊઠ્યા. રામબાઇ ઓરડે માની પાસે ગઇ. માએ તો કમાડની આડે રહીને આ બધુ સાંભળેલું. આણાત દીકરીને દુકાળીયાંની મા બનવા દેવાની હામ ન ભીડી શકી. ભાંગી ગઇ.

રામબાઇ અંગેથી એક પછી એક ઘરેણા ઉતારતી મા સામે ઢગલો કરતી ગઇ. માથી અસહ્ય બનતાં દીકરીને બથ ભરી ગઇ.પ ણ માએ દીકરીમાં કોઇ અનેરી ટાઢક અનુભવી. માનાં સંતપ્ત શરીરમાં અનેરી શાતા વળવા લાગી. ભરજોબને દીકરી જાણે પોતાની મા હોય એવી વત્સલતા અનુભવી. માના આંસુનો દરીયો ઠલવાતો અટકી ગયો.

બેટા રામ ! બેટા રામ ! મા મારી મા ! એમ કહેતાં રામબાઇની મા ઢળી પડ્યાં. માને સાંત્વન આપી બેય પખાંની રજા લઇ દુ:ખમાંથી ઉપજેલી કરૂણતાયે દીપતી રામબાઇ ચાલી નીકળી. મોરલીધર જાણે રામબાઇ રૂપે અવતર્યા. એક હાથમાં રામસાગર ને બીજા હાથમાં ભિક્ષાપાત્ર લઇ રામબાઇ દુકાળીયાંનાં ટોળાંને ચાલી નીકળી. ગામે ગામ એની કરુણા રામના સાગર વડે રેલાઇ રહી છે. દુકાળીયાં બાળકોના ટોળાં વધતા જાય છે ને લોકોના હદયમાં પડેલો રામ પણ વધતો જાય છે. જોગણના વેશે જોબનનાં રૂપનાં રખવાળાં કરવાનુ કામ કેટલુ કઠીન છે તેનો અનુભવ પણ રામ ભોગવી રહ્યા છે.

દુકાળ તરી પાર ઊતરવા જેટલું ભટકાઇ તેટંલુ રામબાઇ કંકાલોનાં ટોળાંને લઇને ભટક્યાં. અજબ હતી આ ઇશ્વરની સવારી. રાંકાટની-દુકાળીયાંની સેનાની સરદારી એક રૂપવતી રમા ભિખારણ બનીને મારી મારી ફરતી હતી. ના , એ વાટે માનવતાનો પ્રવાહ દિલે દિલે ફરી વળતો હતો. પ્રુથ્વી પરની કઠોરતાને કરુણાથી ભીંજવતો હતો અને એ જ્યોત વવાણીયા ગામે ઠહેરી અનાથોના આશ્રમ રૂપે. લોકોએ રામબાઇના ચરણોમા જે કાઇ મળ્યું તેના ઢગલા કરી દીધા. અનાથોની અન્નપુર્ણા રામબાઇ સંવત ૧૯૩૪માં દેવલોક પામ્યાં. એની સાખ પૂરતો આશ્રમ આજે ય મોરબીના વવાણીયા ગામે ઊભો છે.

જય મુરલીધર જય રામબાઇ મા

– સાભાર નિલેશ ભેંસાણિયા (અમર કથાઓ ગ્રુપ)