એક સંતે પ્રસાદના લાડુ પર ચોંટેલી કીડીઓ સાથે જે કર્યું તે સામાન્ય લોકોને ચકિત કરી દેનારું છે.

0
2342

એકવાર એક સંત વૃંદાવન ગયા. શ્રીકૃષ્ણના દર્શન થઇ ગયા પછી થોડાક દિવસ ત્યાં ફર્યા. જ્યારે પાછા આવવાની ઇચ્છા થઇ ત્યારે વિચાર્યું કે, ભગવાનને ભોગ લગાવીને થોડો પ્રસાદ લઈને પાછો જઉ. સાંજે થોડા લાડુ ખરીદી અને પાછા મંદિર દર્શન કરવા ગયા. ભગવાનને પ્રસાદ ચઢાવ્યો અને પાછા આવીને આશ્રમમાં સુઈ ગયા.

બીજે દિવસે સવારે ટ્રેન પકડવાની હતી. સવારે ટ્રેન વૃંદાવનથી ઉપડી. હજુ પટના પહોંચવામાં સમય લાગે એમ હોવાથી તેમને વિચાર્યું કે ભૂખ લાગી છે મારે થોડું જમી લેવું જોઈએ. એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યાં તેઓ હાથ-પગ ધોઈને ઈશ્વરને યાદ કરીને થોડો પ્રસાદ જમવા બેઠા. જેવો તેમણે ભોગના લાડુનો ડબ્બો ખોલ્યો તો જોયુ કે લાડુ પર તો કીડીઓ લાગી ગઈ છે. તેમણે કીડીઓ હટાવીને એક બે લાડુ તો ખાધા અને બાકીના લાડુ પ્રસાદમાં આપી દઇશ એમ વિચારીને મૂકી દીધા.

થોડીવાર પછી તેમને લાડુ પર ચોંટેલી કીડીઓની ચિંતા થવા લાગી. તેમના મનમાં કરુણાભાવ જાગ્યો અને તેઓ વિચારવા લાગ્યા કે, આ કીડીઓ છેક વૃંદાવનથી લાડુ સાથે આવેલી છે. મારા કારણે બિચારી કેટલે દુર સુધી આવી ગઈ. તેઓ કેટલી ભાગ્યશાળી હશે કે તેમનો જન્મ વૃંદાવનમાં થયો છે. પણ મારા કારણે તેઓ અહીં આવી ગઈ.

ખબર નહી તેમને ત્યાં પાછા પહોંચતા કેટલા જન્મ લેવા પડશે. ખબર નહીં વૃંદાવનની માટી તેમને પાછી મળશે કે નહીં. આ મારાથી કેટલું મોટું પાપ થઇ ગયુ. મેં એમને વૃંદાવન છોડાવી દીધુ. તરત તેમણે વિચાર્યું કે, મારે આ કીડીઓને લઇને પાછા જવું જોઈએ.

તેમણે બધી કીડીઓને ડબ્બામાં સાચવીને પાછી મુકી અને પછી પરત વૃંદાવનની ટ્રેન પકડી લીધી. તે દુકાનની પાસે પહોંચ્યા જ્યાંથી તેમણે પ્રસાદ લીધો હતો. ડબ્બો નીચે રાખી તે કીડીઓને ધ્યાનથી નીચે મૂકવા લાગ્યા. પછી તેમણે બે હાથ જોડીને કીડીઓની માફી માગી અને કહ્યું કે, “મારા નસીબમાં એવું નથી કે હું વૃંદાવનમાં રહી શકુ. પણ મને અધિકાર પણ નથી કે હું કોઈને વૃંદાવન છોડાવી શકુ.” દુકાનદારે આ બધું જ દ્રશ્ય જોયું અને તે સંત પાસે આવ્યો. તેણે કહ્યું, મહારાજ જો કીડીઓ લાગી ગઇ હોય તો કોઇ વાંધો નહિ, હું તમને બીજા લાડુ આપી દઉં.

સંત એ કીધું, ના ભાઈ. આ મીઠાઈમાં મને કોઈ વાંધો નથી, પણ મારાથી મોટું પાપ થતું થતું રહી ગયુ. બસ આ હું તેનું જ પ્રાયશ્ચિત કરું છું. દુકાનદારે જ્યારે આખી વાત સાંભળી તો તે સંતના પગમાં પડ્યો અને એકદમ ભાવુક થઈ ગયો અને સંતની આંખોમાં પણ આંસુ આવી ગયા.

આ વાત ભાવની છે.

આ વાત સંતના કરુણામયી મનની છે.

આ વાત દરેક જીવમાં રહેલા ઇશ્વરની છે.

આ વાત વૃંદાવનની છે.

આ વાત નટવર નંદલાલની છે.

આ વાત મારા કૃષ્ણની છે.

સમજો તો બધું જ છે અને જો ના સમજાય તો બસ પાગલપણું છે.

જય શ્રી કૃષ્ણ.

(ક્યાંક વાચેલા માંથી)

– સાભાર મનથી મન સુધી.