જેને વારંવાર ગુસ્સો આવે છે તેમણે સંત તુકારામના જીવનનો આ પ્રસંગ જરૂર વાંચવો જોઈએ.

0
1405

મધ્યકાલીન સંતોમાં તુકારામજીનું નામ ખૂબ આદરથી લેવામાં આવે છે. 17 મી સદીના ભારતીય મહાપુરુષોમાં અગ્રણી સંત તુકારામનો જન્મ મહારાષ્ટ્રમાં પુણે નજીક દેહુ ગામમાં થયો હતો. આજે પણ મહારાષ્ટ્રના લોકો પર સંત તુકારામની અમર છાપ જોવા મળે છે. સંત કબીરની જેમ તુકારામજીએ પણ સમાજ સમક્ષ ગૃહસ્થના રૂપમાં સંત જીવન જીવવાનો ઉત્તમ દાખલો રજુ કર્યો હતો.

આજે આપણે એક પ્રસંગ દ્વારા જાણીશું કે સંત તુકારામે પોતાના એક ગુસ્સાવાળા શિષ્યને સમજાવવા માટે કઈ યુક્તિ અપનાવી હતી, જેના કારણે તે શિષ્યનો સ્વભાવ બદલાઈ ગયો અને તે દરેક સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો.

સંત તુકારામ પારિવારિક જવાબદારીઓ અને જીવનના ઉતાર-ચઢાવ વચ્ચે પણ સંપૂર્ણ રીતે શાંત, સંતુલિત અને ખુશ રહેતા હતા. સંજોગો ગમે તેટલા વિકટ હોય અને બીજાના વર્તનમાં ઉતાર-ચઢાવ આવે, પણ તુકારામજી ક્યારેય ધીરજ, સંયમ અને શાંતિના માર્ગથી હટ્યા ન હતા. તેમના ઘણા શિષ્યો હતા.

તેમાંથી એક શિષ્ય થોડા ગુસ્સાવાળા સ્વભાવના હતા. તે જ્યારે પણ ગામમાં જતા ત્યારે તે ગુરુના ઉપદેશને લોકો સુધી પહોંચાડતા. પણ, તે લોકોની ભૂલો અને દોષો પર ગુસ્સે થઈ જતા હતા. લોકોની ખરાબીઓ અને દોષોથી તરત ઉત્તેજિત થઈ જવું એ તેમનો સ્વભાવ હતો. પણ તુકારામજીનો સંયમ જોઈને તેમને આશ્ચર્ય થતું.

એકવાર તેમણે પૂછ્યું, “ગુરુદેવ, તમે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં પણ આટલા શાંત અને સંયમિત કેવી રીતે રહો છો? કૃપા કરીને મને પણ આનું રહસ્ય જણાવો.”

તુકારામજીએ દુ:ખી થઈને કહ્યું, “તને જવાબ મળી જશે પુત્ર, પણ આ સમયે હું જે જોઈ રહ્યો છું તે જાણવું તરા માટે વધુ મહત્વનું છે.

શિષ્યએ પૂછ્યું, “શું ગુરુદેવ”?

સંત તુકારામે દુઃખી થતા કહ્યું, “7 દિવસ પછી તું દુનિયા છોડીને જતો રહેશે.”

ગુરુના મોઢેથી આવી વાત સાંભળીને તે શિષ્ય સ્તબ્ધ થઈ ગયા. જો કોઈ બીજાએ કહ્યું હોત તો કદાચ તેમણે વિશ્વાસ ન કર્યો હોત, પરંતુ પોતે સંત તુકારામના મુખમાંથી નીકળેલી આ વાત કેવી રીતે નકારી શકે. અંતિમ સમય આવી ગયો એ જાણીને શિષ્ય પોતાના ઘરે ગયા અને નવું જીવન શરૂ કર્યું. હવે તે શિષ્ય બધા સાથે પ્રેમથી રહેવા લાગ્યા. ભૂતકાળના વર્તન માટે માફી માંગીને તે પોતાના પરિવાર અને મિત્રો સાથે પ્રેમ અને વિનમ્રતાથી વર્તન કરવા લાગ્યા.

તે આખો દિવસ ભગવાનનું ધ્યાન કરતા અને લોકોને તેમના દુ:ખમાં ઉપયોગી થાય એવી વાતો કહેતા. તે ઈચ્છતા હતા કે દરેકનું મન હળવું થઈ જાય અને તેના લીધે કોઈને દુઃખ ન પહોંચે. હવે તેમના સ્વભાવમાં ક્રોધ અને આવેશનો કોઈ છાંટો નહોતો. આ રીતે તે અંદરથી અને બહારથી સંપૂર્ણ શાંતિ અને પ્રેમથી ભરાઈ ગયા.

સાતમા દિવસે તે ગુરુ તુકારામજીને મળવા ગયા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, “ગુરુદેવ, આશીર્વાદ આપો. હવે આ દેહમાંથી હું તમારા દર્શન કરી શકીશ નહિ.”

તુકારામજીએ તેમના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને તેને ખભાથી પકડીને કહ્યું, “દીકરા, લાંબુ જીવન જીવ. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે.

ગુરુના મુખેથી આવા આશીર્વાદ સાંભળીને શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે સંત તુકારામજીએ તેમને પૂછ્યું, “સારું, હવે મને જણાવ કે આ સાત દિવસ તમે કેવી રીતે પસાર કર્યા? તને કેટલા લોકોની ભૂલો પર ગુસ્સો આપ્યો? કોની સાથે ઝ-ઘ-ડો કર્યો?

શિષ્યએ કહ્યું, “આ દિવસોમાં મેં કોઈની સાથે વિવાદ નથી કર્યો, બધાને પ્રેમથી મળ્યો અને ભગવાનની પૂજામાં સમય પસાર કર્યો.”

તુકારામજી હસ્યા અને બોલ્યા, “દીકરા, તેં પૂછ્યું હતું ને કે મારા શાંત વ્યવહારનું રહસ્ય શું છે? આ 7 દિવસમાં તારી સાથે જે થયું તે તેનો જવાબ છે. હંમેશા બધા સાથે પ્રેમભર્યું વર્તન કરવું, કોઈપણ નકારાત્મક અને નકામી વાતો પર ધ્યાન ન આપો. ભગવાનની પૂજા કરો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.

શિષ્યને સંત તુકારામની વાત સમજાઈ ગઈ અને એ પછી તેમનો સ્વભાવ પણ કાયમ બદલાઈ ગયો.

લાઈફ મેનેજમેન્ટ : આપણી આસપાસ એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે આપણને આપણા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. તેમના પર ધ્યાન ન આપો. અર્જુનની જેમ પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો અને મનમાં ભગવાન પ્રત્યે આસ્થા રાખો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે ચોક્કસપણે તમારા વર્તનમાં પરિવર્તન લાવી શકો છો અને તમે તમારા લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકો છો.