આન્યોર ગામમાં એક નવી વહુનો પ્રસંગ :
આન્યોર ગામમાં એક નવી વહુ પરણીને આવી. હવે થયું એવું કે થોડા દિવસોમાં એ ઘરની એક ભેંસ અને સાસુની બજરની ડબ્બી ખોવાઈ ગઈ. પેલી વહુને બીક લાગી કે, હમણાં જ પરણીને આવી. બધાને એમ લાગશે કે મારાં પગલાં પડ્યાં એટલે અપશુકન થયું. હવે હું શું કરું?
એટલામાં કોઈએ કહ્યું કે શ્રીનાથજીબાવા સૌના મનોરથો પૂર્ણ કરે છે. એમને પ્રાર્થના કર.
વહુએ મનમાં જ શ્રીજી પ્રાર્થના કરી કે, “હે શ્રીનાથજીબાવા.. હે દેવદમન પ્રભુ.. રક્ષા કરો. બધાને એવું લાગશે કે મારા પગલાં પડ્યાં એટલે આવું અપશુકન થયું. હું આ મુશ્કેલી માંથી બહાર નીકળું એવી કૃપા કરો. બાવા.. હું આપને ૧૦ શેર માખણ અરોગાવીશ”.
શ્રીજીબાવાએ ક્યાંથીયે ભેંસ ગોતીને રાત્રે એ ઘરની ગૌશાળામાં મુકી આવ્યાં, અને સાસુની બજરની ડબ્બી એમનાં ઓશીકા નીચેથી જ મળી ગઈ. બધાને થયું કે આ ખોવાઈ ગયું હતું અને નવી વહુ આવી એનાં પગલાં એટલા સારા છે કે ખોવાયેલું બધું પાછું મળી ગયું.
આપણાં શ્રીજીબાવા પર્વત પર બિરાજમાન થઈ. આવી લીલાઓ કરી ભક્તોનાં મનોરથો પૂર્ણ કરે.
બપોરનો સમય થયો. ઘરનાં બધાં સભ્યો પોત પોતાનાં કાર્યમાં વ્યસ્ત હતાં. એટલામાં વહુને ધીમો ધીમો નૂપુરનો ઝણકાર સંભળાયો. પાછળ વળીને જોયું તો રુમઝુમ રુમઝુમ ચાલતાં શ્રીજીબાવા પધાર્યા છે, અને કહેવા લાગ્યા, “તું વહી ગોપી હે.. જા ને દસ શેર કો મનોરથ કીયો હતો.”
વહુ કહે, “હાં મે વહી ગોપી હું. આપ કૌન?”
મહારાજ બોલ્યા, “મેં વહીં દેવદવમ શ્રીનાથ બાવા હું. તેરો મનોરથ પૂર્ણ કરને આયો હું.”
પેલી વહુ તો એટલી પ્રસન્ન થઈ કે વાત પૂછો માં.. અને કહે, અરે.. બાવા.. હું તો ક્યારની રાહ જોતી હતી કે ૧૦ શેર માખણ ભેગું કરું અને આપને માખન આરોગાવા પર્વત આવું.
મહારાજ કહે, “હું સામેથી આવી ગયો.. હવે આરોગાવ..”
પેલી વહુ મટકી લઈને આવી.. પરંતુ વિચાર આવ્યો કે, આ તો કેટલાક દિવસથી ભેગું કરેલું માખણ છે.. આવું માખણ કેમ આરોગાવું.. અને કહ્યું, “લાલા.. આપ થોડી વાર અહીં બિરાજો.. હું તાજું માખણ લઈ આવું.”
શ્રીજી બિરાજમાન થયાં, અને એ વહુ માખણ લઈને આવી અને પ્રભુને આપવા લાગી.
પ્રભુ કહે, “હું તો હજી સાવ નાનો છું.. મને જાતે આરોગતા નથી આવડતું.”
પેલી વહુએ શ્રીપ્રાણજીવન પુરુષોત્તમને પોતાની ગોદીમાં પધરાવ્યા અને શ્રીહરીએ એ વહુના હાથે માખણ આરોગ્યું.
કેવાં ધન્ય ભાગ્ય એ ગોપીના અને એ વ્રજવાસીઓના.
માટે વૈષ્ણવો શ્રીજી બોલાવી રહ્યા છે,
“ઓ શ્રીનાથજી આવજો તમે.. વાટ જોઈ રહ્યાં.. ક્યારનાં અમે..”.
વ્હાલા ક્યારેક તો આવજો.. દાસ જાણીને દર્શન દેજો..
આ લીલાઓ સાંભળી કે વાંચન કરી આંખોમાં વિરહના આંસુઓ આવે ત્યારે સમજવું કે આજે શ્રીજીએ આપણને યાદ કર્યાં છે.
આજનાં સત્સંગને અહીં વિરામ આપીએ.
સત્સંગ કરતાં રહેજો.
જય શ્રીકૃષ્ણ. જય શ્રીવલ્લભ.
– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)