મકાન વિહોણા કુટુંબની સરકારી યોજના માટે કરેલી અરજીની સ્ટોરી ઘણી રસપ્રદ છે, વાંચજો જરૂર.

0
1350

લઘુકથા – અરજી ગોટે ચડી :

ગામમાં મકાન વિહોણા કુટુંબોને ઘરથાળના પ્લોટ આપવાની યોજના આવી હતી. અરજણને પોતાનું ઘર હતું નહીં. તલાટી સાહેબને પુછી જોયું,

“મને મળે કે નહીં?”

“હા મળે.. ગુરુવારે ચારેક વાગે આવજે.. તારી અરજી તૈયાર કરી દઈશ.” તલાટીએ પોતાની કામગીરીની યાદી તપાસી નવરાશનો સમય આપ્યો.

અરજણ દુધનો લોટો અને કાગળીયાની થેલી લઈને ગયો. આ થેલી એટલે એની ઘર-ઓફીસ. ગમે તે કાગળ આવે તેમાં જ મુકવાનો. કંઈ જરુર પડે એટલે એક થેલી જ ફેંદવાની.

થેલી તલાટીને આપી ”લ્યો સાહેબ.. જોઈએ ઈ ગોતી લ્યો.”

ને દુધનો લોટો પટાવાળાને આપ્યો. ચા બનાવવા.

ઘરના દુધની રગડા જેવી ચા પીયને તલાટીએ અરજી ભરવાનું ચાલુ કર્યું. અરજણની સહીઓ લીધી. બે-પાંચ કાગળીયા ટાંચણીથી જોડ્યા.

“લે અરજણ.. તારી અરજી તૈયાર..” એમ કહી ટેબલના ખુણે મુકી.. “જા.. હવે તું છુટો..”

“જો જો હો સાહેબ.. મારી અરજી આડેસવળે ના જાય.. કે ગોટે ના ચડી જાય..” એણે ભાર દઈને ભલામણ કરી.

“તું એની ચીંતા કર મા ”

એ હાલતો થયો.. ત્યાં તલાટીને યાદ આવ્યું..

“એલા અરજણ.. પરમ દિવસે તારો છોકરો લોટો ભરીને ખીરું આપી ગયો હતો. બળી ખાવાની બહુ મજા પડી. ભેંસ કેદી વિયાણી? શું આવ્યું?“

“સોમવારે પાડો આવ્યો… એટલે જ અરજી સરખી રાખવાનું કહું છું.”

“પણ.. એલા અરજી અને પાડાને શું લેવાદેવા?“

રોનકી અરજણ બોલ્યો.. ”એમાં એમ થયું કે.. નાનકાને ત્યાં એક દિકરી છે.. ને સુવાવડ આવે તેમ હતું.. ને અમારી ભેંસ વિયાંય તેમ હતી..

અમારી માંએ પાણીયારે બે જોડ દિવા કરી, વહુ માટે દિકરાની.. ને ભેંસ માટે પાાડીની.. માનતા કરી હતી..

પણ બેયમાં ઉંધું થયું.. વહુને દિકરી આવી.. ને ભેંસને પાડો…ઉપર ભગવાનની ઓફીસમાં ય અરજી આડાસવળી થઈને ગોટે ચડી..

ને તમારા ખાતાની ઓફીસમાં મારી પ્લોટની અરજી આડાસવળી ગોટે ચડે.. ને જમીનના પ્લોટને બદલે.. એકાદું વાદળાનું બટકું સરકાર આપી ના દ્યે… એની બીકે કહેવું પડે છે.. સાહેબ…”

– જયંતીલાલ ચૌહાણ ૧૨-૧૦-૨૦