અર્જુન દ્રૌપદી કરતાં સુભદ્રાને કેમ વધારે પ્રેમ કરતો હતો, તે બંનેના લગ્ન કઈ રીતે શક્ય થયા, વાંચો આખી સ્ટોરી.

0
1030

બલરામ અર્જુન અને સુભદ્રાના લગ્ન માટે રાજી કેમ ન હતા, શ્રી કૃષ્ણએ કઈ રીતે કરી બંનેની મદદ, જાણો વિસ્તારથી.

મહાભારતમાં અર્જુનની ચાર પત્નીઓનો ઉલ્લેખ છે – દ્રૌપદી, ઉલુપી, ચિત્રાંગદા અને સુભદ્રા. ચાર પત્નીઓમાં અર્જુન પોતાની બે પત્નીઓ દ્રૌપદી અને સુભદ્રા સાથે રહેતો હતો. સુભદ્રા કૃષ્ણની બહેન હતી. ભગવાન કૃષ્ણએ અર્જુનના સારથિની ભૂમિકા ભજવી હતી.

જ્યારે અર્જુન દ્રોણાચાર્ય પાસેથી દીક્ષા લઈ રહ્યા હતા, તે દરમિયાન અર્જુનની મુલાકાત ગદા સાથે થઈ. ગદા અવારનવાર સુભદ્રાની વાતો કરતો હતો. તે તેની પિતરાઈ બહેન સુભદ્રાના દેખાવ અને સુંદરતાની પ્રશંસા કરતો હતો. સુભદ્રાના સ્વરૂપ અને બુદ્ધિના વખાણ સાંભળીને અર્જુન સુભદ્રાના પ્રેમમાં પડી ગયા. અર્જુને સુભદ્રાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું વિચાર્યું.

પરંતુ આ દરમિયાન અર્જુને સ્વયંવરમાં દ્રૌપદી સાથે લગ્ન કર્યા. પછી અર્જુન માતા કુંતીને કહે છે કે હું કાંઈ લાવ્યો છું, તો કુંતી જોયા મુક્યા વગર કહી દે છે કે જે કાંઈ લાવ્યો હોય તે બધા ભાઈઓમાં વહેંચી દે. પછી દ્રૌપદી પાંડવો સાથે રહેવા લાગે છે.

યુધિષ્ઠિર અને દ્રૌપદીના સાથે રહેતી વખતે, અર્જુનથી પત્નીની ભાગીદારીનો નિયમ તૂટે છે, જેના પછી તેને 12 વર્ષની લાંબી તીર્થયાત્રા પર જવું પડ્યું. આ તીર્થયાત્રા દરમિયાન અર્જુનની મુલાકાત નાગા રાજકુમારી ઉલુપી સાથે થઈ. નાગા રાજકુમારીએ અર્જુનને ધ-મ-કી આપી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે, તો તે તેને ક્યારેય જવા દેશે નહીં.

અર્જુને લગ્નની સંમતિ આપી અને પછી તેમને ઇરવીન નામનું સંતાન થયું. આ પછી અર્જુન મણિપુરની રાજકુમારી ચિત્રાંગદાના સંપર્કમાં આવ્યો. મણિપુરના રાજાએ તેની પુત્રીના લગ્ન અર્જુન સાથે કરવા માટે મંજૂરી આપી. પરંતુ રાજાની એક શરત હતી કે જે પણ બાળક જન્મશે તે મણિપુરમાં જ રહેશે. અર્જુનની પત્ની અને પુત્ર બભ્રુવાહન બંને મણિપુરમાં જ રહ્યા. જ્યારે અર્જુને તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો. અર્જુન દ્વારકા પહોંચ્યો જ્યાં તે શ્રી કૃષ્ણને મળવાના હતા. અર્જુનને પણ પોતાના વર્ષો જૂના પ્રેમ સુભદ્રાને શોધવાની ઈચ્છા હતી.

અર્જુન યતિનું રૂપ ધારણ કરીને દ્વારકા પહોંચ્યો. જો કે અર્જુનને કોઈએ ઓળખ્યા ન હતા, પરંતુ શ્રી કૃષ્ણ સમજી ગયા કે અર્જુન પહોંચી ગયો છે. તે તરત જ પોતાના નજીકના મિત્રને મળવા નીકળી ગયા.

અર્જુન એક વડના ઝાડની નીચે ધ્યાન કરી રહ્યો હતો, ત્યારે અર્જુને પોતાના મિત્ર અને ગુરુ શ્રી કૃષ્ણને પોતાની તરફ આવતા જોયા. કૃષ્ણ કંઈ બોલે તે પહેલાં અર્જને કહ્યું, “મારા મનમાં શું ચાલી રહ્યું છે તે તમે જાણો છો, શું તમે તેની સાથે લગ્ન કરવામાં મારી મદદ નહિ કરો જેને હું પ્રેમ કરું છું?” શ્રી કૃષ્ણ જાણતા હતા કે અર્જુન અને સુભદ્રાના લગ્નમાં સૌથી મોટો અવરોધ ભાઈ બલરામ હશે. કૌરવો સાથેની મિત્રતા જોઈને બલરામ ઈચ્છતા હતા કે સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે થાય.

શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હું તારી મુલાકાત સુભદ્રા સાથે કરાવીશ. જો સુભદ્રા પણ તને પ્રેમ કરતી હોય તો હું તમને બંનેને ભાગીને લગ્ન કરવામાં મદદ કરીશ. અર્જુને કહ્યું કે શું તે ધિક્કારપાત્ર કૃત્ય નથી. તો કૃષ્ણએ જવાબ આપ્યો કે, જો સુભદ્રા તેની સંમતિ આપે તો ક્ષત્રિયોમાં પોતાની પત્નીનું હરણ કરવું સ્વીકાર્ય છે. એવું આયોજન કરવામાં આવ્યું હતું કે અર્જુન યતિ તરીકે રહેશે અને કૃષ્ણ બલરામને તેની સાથે મળવા માટે લાવશે.

બલરામે અર્જુનને ઓળખ્યો નહિ અને સંન્યાસી તરીકે તેની પ્રશંસા કરવા લાગ્યા. બલરામે તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. જો કે, અર્જુને એમ કહીને ના પાડી દીધી કે તેમણે કોઈપણ માનવ વસવાટમાં પ્રવેશ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તે પ્રકૃતિના આશ્રયમાં જ રહી શકે છે. તેથી બલરામે કહ્યું કે તમે અમારી બહેન સુભદ્રાના મહેલ પાસેના બગીચામાં રહી શકો છો. આથી અર્જુને તરત જ આ માટે હા પાડી દીધી અને અર્જુન સુભદ્રાના બગીચામાં એક ઝાડ નીચે રહેવા પહોંચી ગયા.

સુભદ્રાએ પાંડવોની બહાદુરીની ઘણી વાર્તાઓ સાંભળી હતી. તેણે અર્જુનની ધનુર્વિદ્યાની ચર્ચા પણ સાંભળી હતી. તે અર્જુનને મળવા આતુર હતી. જ્યારે સુભદ્રાને ખબર પડી કે એક સાધુ તેના બગીચામાં આવ્યા છે, ત્યારે તે તેમને મળવા પહોંચી ગઈ.

સુભદ્રાએ સૌથી પહેલા પાંડવોના રાજ્ય ઈન્દ્રપ્રસ્થ વિશે પૂછ્યું. આ પછી સીધું અર્જુન વિશે પૂછ્યું. સુભદ્રાએ સાધુને કહ્યું કે મેં સાંભળ્યું છે કે અર્જુન ખૂબ બહાદુર અને ગુણવાન છે, શું તમે મને તેના વિશે વધુ જણાવશો? પોતાની પ્રશંસા સાંભળીને અર્જુન થોડા શરમાઈ ગયા પણ પછી તેમણે સુભદ્રાને તમામ યુદ્ધો અને તેમાં પાંડવોની જીત વિશે જણાવ્યું. એક દિવસ સુભદ્રાએ ઋષિને પૂછ્યું કે, શું તમે મારું મન વાંચી શકો છો? શું તમે કહી શકો છો કે મને અર્જુન સાથે પ્રેમ થઈ ગયો છે. શું મને તેનો પ્રેમ મળી શકશે?

અર્જુન વર્ષોથી આ શબ્દો સાંભળવા માંગતો હતો. અર્જુને તરત જ પોતાની ઓળખ સુભદ્રાને આપી. આ દરમિયાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા. તેઓ આ જોઈને ખુશ થયા પણ તેમને ફરી યાદ અપાવ્યું કે બંને જણ ભાગીને લગ્ન કરી શકે છે. કૃષ્ણએ કહ્યું, હું તમને મારો રથ આપીશ, સુભદ્રા દરરોજ રૂદ્ર મંદિરમાં દર્શન કરવા જાય છે, ત્યાંથી તમે તેને તમારી સાથે ઈન્દ્રપ્રસ્થ લઈ જજો.

બધું યોજના મુજબ ચાલી રહ્યું હતું પરંતુ સુભદ્રાની સાથે કેટલાક અંગરક્ષકોએ અર્જુનને ઓળખી લીધો અને બધાને ચેતાવી દીધા. જ્યારે બલરામે સાંભળ્યું કે તેની બહેનનું હરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ સમગ્ર ઇન્દ્રપ્રસ્થ અને પાંડવ રાજ્યનો નાશ કરવા માંગતા હતા. ત્યારે શ્રીકૃષ્ણએ બલરામને કહ્યું કે, આમાં ક્ષત્રિય ધર્મની વિરુદ્ધ કંઈ નથી. આખરે બલરામે આ લગ્નને મંજૂરી આપી દીધી.

ઈન્દ્રપ્રસ્થ પહોંચીને અર્જુન સુભદ્રા તરફ વળ્યો અને કહ્યું, તું દ્રૌપદી વિશે જણાતી જ હશે અને તને એ પણ ખબર હશે કે તેણે કહ્યું છે કે જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી કોઈ પાંડવ પત્ની ઈન્દ્રપ્રસ્થમાં રહી શકે નહીં. જો દ્રૌપદી તેની મંજૂરી આપે તો જ આપણે સાથે રહી શકીએ.

સુભદ્રા દ્રૌપદીને મળી. તે સાદા વસ્ત્રોમાં પહોંચી અને કહ્યું, હું સુભદ્રા છું, હું એક ગોવાળ છું અને કૃષ્ણની સાવકી બહેન છું. દ્રૌપદીને શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. દ્રૌપદી તરત જ સુભદ્રાને ભેટી પડી. થોડા દિવસો પછી જ્યારે બંને સારા મિત્રો બન્યા, ત્યારે સુભદ્રાએ અર્જુન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ સાંભળીને દ્રૌપદી સ્તબ્ધ થઈ ગઈ પરંતુ દ્રૌપદી સમજી ગઈ કે અર્જુનનું સુખ સુભદ્રા સાથે રહેવામાં છે. આ પછી દ્રૌપદીએ અર્જુન અને સુભદ્રાને પોતાના આશીર્વાદ આપ્યા અને બંને સાથે રહેવા લાગ્યા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.