અર્જુને મહાભારત યુદ્ધમાં યુધિષ્ઠિરને મારવા માટે કેમ ઉપાડી હતી તલવાર?

0
242

એવું તે શું થયું મહાભારતના યુદ્ધમાં કે મોટા ભાઈ યુધિષ્ઠિરને મારવા માટે અર્જુને ઉઠાવવી પડી હતી તલવાર?

મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત ‘મહાભારત’ એક ઘણો જ વિસ્તૃત ગ્રંથ છે જેમાં અસંખ્ય વાર્તાઓ છે. સામાન્ય લોકો તેમાંથી અનેક વાર્તાઓ અને પ્રસંગોથી માહિતગર છે પરંતુ ઘણાથી અજાણ પણ છે. આજે અમે તમને મહાભારતનો એક એવો પ્રસંગ જણાવીશું, જેમાં અર્જુને તેના મોટા ભાઈ યુધિષ્ઠિરને મારવા માટે હથીયાર ઉપાડ્યા હતા. આવો જાણીએ ખરેખર અર્જુને એવું કેમ કર્યું અને તેનું પરિણામ શું આવ્યું?

મહાભારત કાળની આ કથા આપણને એ સમયની યાદ અપાવે છે, જયારે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. તે યુદ્ધનો 17 મો દિવસ હતો અને રાજકુમાર યુધિષ્ઠિર અને કર્ણ વચ્ચે યુદ્ધ થઇ રહ્યું હતું. બધાને આ યુદ્ધ સાથે ઘણી આશાઓ હતી. એવામાં શસ્ત્ર વિદ્યામાં કુશળ રહેલા કર્ણએ યુધિષ્ઠિર ઉપર એક જોરદાર હુમલો કર્યો.

એક પછી એક કરીને કર્ણના બધા પ્રહાર યુધિષ્ઠિર ઉપર ભારે પડતા ગયા, અને તે ખરાબ રીતે ઘાયલ થઇ ગયા. હવે કર્ણ પાસે એક તક હતી કે તે યુધિષ્ઠિરને મારીને પાંડવોને નબળા પાડી દે, પરંતુ આ તક તેણે હાથમાંથી છોડી દીધી. ખરેખર કેમ? કર્ણએ યુધિષ્ઠિર ઉપર માત્ર એટલા માટે પ્રહાર ન કર્યો, કેમ કે તેણે પાંડવોની માતા કુંતીને એ વચન આપ્યું હતું કે, ભલે કાંઈ પણ થઇ જાય તે તેના કોઈ પણ પુત્રને સંપૂર્ણ મારી નહિ નાખે. અને એ કારણ હતું કે ન ઇચ્છતા હોવા છતાં પણ કર્ણએ યુધિષ્ઠિરને જીવતા જ જવા દીધા.

જયારે અનુજ નકુલ અને સહદેવે પોતાના મોટા ભાઈ રાજકુમાર યુધિષ્ઠિરની આ હાલત જોઈ, તો તરત જ તેમને તંબુમાં લઇ ગયા, જ્યાં તેમની પાટા-પીંડીની તમામ વ્યવસ્થા કરવામાં આવી. જયારે ત્રણે ભાઈ તંબુમાં હતા તો બીજા બે ભાઈ અર્જુન અને ભીમ હજુ પણ યુદ્ધમાં દુશ્મનોની સેના સામે સંઘર્ષ કરી રહ્યા હતા. અચાનક જ અર્જુનને રાજકુમાર યુધિષ્ઠિરની ગેરહાજરીનો અનુભવ થયો અને તેમણે ભીમને તેના વિષે પૂછ્યું. ત્યારે ભીમે જણાવ્યું કે, કઈ રીતે કર્ણ અને યુધિષ્ઠિર વચ્ચે થયેલા યુદ્ધમાં ભાઈ યુધિષ્ઠિર ઘાયલ થઇ ગયા અને તેમને આરામ કરવા માટે લઇ જવામાં આવ્યા છે.

ત્યારે ભીમે અર્જુનને કહ્યું કે તે દુશ્મનને એકલા જ સાંભળી લેશે, અને અર્જુનને આગ્રહ કર્યો કે ભાઈ યુધિષ્ઠિર પાસે જાય અને તેમના આરોગ્યની સંભાળ લે. આજ્ઞા અનુસાર રાજકુમાર અર્જુન તે તંબુ તરફ જતા રહ્યા, જ્યાં યુધિષ્ઠિર ઘાયલ અવસ્થામાં પીડા સામે ઝઝૂમી રહ્યા હતા. તંબુમાં સુતેલા યુધિષ્ઠિરે અચાનક જ તેના અનુજને તેની તરફ આવતા જોયા. અર્જુનને જોઈ તેના આનંદનો પાર ન રહ્યો. તે સમજી ગયા કે માનો કે ન માનો અર્જુન યુદ્ધમાં કર્ણ ઉપર વિજય પ્રાપ્ત કરી તેની પાસે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે.

તે મનમાં ને મનમાં ઘણો ગૌરવ અનુભવી રહ્યા હતા કે તેમની આ હાલત માટે જવાબદાર વ્યક્તિને તેમના અનુજે દંડ આપી દીધો છે, અને જરૂર અર્જુને કર્ણને મારી નાખ્યો હશે. પરંતુ યુધિષ્ઠિર સત્યથી અજાણ હતા. તંબુમાં પ્રવેશ કરતા જ અર્જુને મોટા ભાઈને પ્રણામ કર્યા અને તેમને તેમના સ્વાસ્થ્ય વિષે પૂછ્યું. પરંતુ તેનાથી વધુ તો યુધિષ્ઠિર તે વાત સાંભળવા માટે ઉત્તેજિત થઇ રહ્યા હતા કે, અર્જુને કર્ણને માર્યો કે નહિ? પછી રાજકુમાર અર્જુન દ્વારા ત્યાં આવવાનું સાચું કારણ રજુ કરી દીધું.

તેમણે જણાવ્યું કે, કેવી રીતે ભીમે તેમના ઘાયલ થવાના સમાચાર આપ્યા, ત્યાર પછી તે દોડતા દોડતા તેમની સ્થિતિ જાણવા માટે આવી ગયા. અર્જુનના મુખે સત્ય સાંભળતા જ યુધિષ્ઠિર પોતાનો મિજાજ ગુમાવી બેઠા. તે સત્ય તેમની ભાવનાઓને નુકશાન પહોંચાડી રહ્યું હતું.

તેમને એવો અનુભવ થયો જાણે કે કોઈ તેમના સન્માનને તીરની જેમ ચીરતું જઈ રહ્યું હોય. તે ઘણા ગુસ્સે થઇ ગયા અને કહ્યું, તું અહિયાં માત્ર મારા ઘા વિષે પૂછવા આવ્યો છે કે પછી તેને વધુ ખોતરવા આવ્યો છે? તું કેવા પ્રકારનો અનુજ છો, જે હજુ સુધી તેના મોટા ભાઈના અપમાનનો બદલો ન લઇ શક્યો.’ યુધિષ્ઠિરના આ કડવા વચનો સાંભળી અર્જુન શરમ અનુભવવા લાગ્યા હતા, પરંતુ યુધિષ્ઠિરનો ગુસ્સો શાંત થઇ રહ્યો ન હતો.

તે આગળ બોલ્યા, ‘જો તું મારા માટે આટલું પણ કરવામાં અસમર્થ છો, તો તારા આ ગાંડીવ અસ્ત્રનો કોઈ લાભ નથી. ઉતારીને ફેંકી દે તેને. પોતાના પ્રિય ગાંડીવ અસ્ત્રની નિંદા સાંભળતા જ અર્જુનના મુખ ઉપર રહેલા નિરાશા વાળા ભાવ એક ક્ષણમાં જ ગુસ્સામાં બદલાઈ ગયા. તે સંસારમાં કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની નિંદા સાંભળી શકે છે, પરંતુ તેના ગાંડીવ વિષે કોઈ એક પણ શબ્દ કહે, તો તેને સહન કરી શકતા ન હતા.

આમ તો તે અર્જુન દ્વારા લેવામાં આવેલા એક વચનનો ભાગ હતો. તે વચન મુજબ કોઈ પણ પોતાના કે પારકા વ્યક્તિ જો તેના પવિત્ર અને પ્રિય ગાંડીવ અસ્ત્ર વિષે ખરાબ વાત કરે, તો તે તેનું માથું ધડથી અલગ કરી દેશે. એ કારણ હતું કે યુધિષ્ઠિર દ્વારા ગાંડીવની નિંદા કરતા જ અર્જુને બીજી જ ક્ષણે તેનું ગાંડીવ ઉપાડ્યું અને ગુસ્સાથી ભરેલી આંખોથી યુધિષ્ઠિરને મારવા માટે આગળ વધ્યા.

ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં પહોંચ્યા અને અર્જુનના આવા વર્તનને જોઇને તેને અટકી જવાની આજ્ઞા આપી. શ્રીકૃષ્ણ રાજકુમાર અર્જુનનું આ રૂપ જોઇને ઘણા અચંબિત થયા. તે સમજી ન શક્યા હતા કે ખરેખર એવી કઈ વાત બની ગઈ જે અર્જુન તેના પ્રિય ભાઈ યુધિષ્ઠિરનો જીવ લેવા માટે તૈયાર થઇ ગયા.

ત્યાર પછી અર્જુને તેમને ઘટનાનો સાર જણાવ્યો, અને પછી કૃષ્ણ સમજી ગયા કે ખરેખર વાત શું હતી? તે સમયે ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો અને કહ્યું, ‘હે અર્જુન, હું તારા પોતાના ગાંડીવના સંદર્ભમાં લેવામાં આવેલા વચનનું સન્માન કરું છું.

વચન મુજબ તારા મોટા ભાઈને મારી નાખવાનો તને પૂરો હક્ક છે, પરંતુ ધાર્મિક સંદર્ભોમાં તે પાપ છે.’ પરંતુ બીજી તરફ અર્જુન પણ તેના વચનથી મજબુર હતા. તેની મનોદશાને ઊંડાણથી સમજીને શ્રીકૃષ્ણ બોલ્યા, ‘અર્જુન, જો તારે તારું વચન પૂરું કરવું છે, તો તેનો એક બીજો રસ્તો પણ છે. માનવામાં આવે છે કે પોતાનાથી મોટાનો અનાદર કરવો તેને મૃત્યુ દંડ આપવા સમાન હોય છે. જો અત્યારે તું તારા મોટા ભાઈનું અપમાન કરે તો તારું વચન પૂરું થઇ જશે.

શ્રીકૃષ્ણની આજ્ઞા અનુસાર અર્જુને બીજી જ ક્ષણે યુધિષ્ઠિરનો તિરસ્કાર કર્યો. પોતાના દ્વારા કરવામાં આવેલા પોતાના ભાઈના આ અનાદરને અર્જુન સહન ન કરી શક્યા, અને આ વખતે પોતાનો જ જીવ લેવા માટે તેમણે તલવાર ઉપાડી લીધી. પરંતુ ભગવાન કૃષ્ણએ તેને એમ કરવા ન દીધા. તેમણે અર્જુનને જણાવ્યું કે, પોતાના જીવનનો અંત કરવો એટલે કે આત્મહત્યા કરવી શાસ્ત્રોમાં અધર્મ માનવામાં આવે છે. અને પાંડવો દ્વારા અધર્મના રસ્તા ઉપર ચાલવું એક મોટું પાપ અને અન્યાય સાબિત થશે. એટલા માટે તેણે ધર્મનો રસ્તો પસંદ કરવો જોઈએ.

પછી શ્રીકૃષ્ણએ કહ્યું કે આત્મપ્રસંશા એ આત્મઘાત સમાન છે. એટલા માટે તું બીજા સામે પોતાની વીરતાની ખુલીને પ્રસંશા કર, જેથી તારું વચન પૂરું થઇ જાય. શ્રીકૃષ્ણના આ વચનો સાંભળીને ધીમે ધીમે રાજકુમાર અર્જુનનો ગુસ્સો શાંત થયો અને તેમણે પોતાના માથા ઉપર રાખેલી તલવારને નીચે ઉતારીને ફેંકી દીધી. આ રીતે ભગવાન કૃષ્ણના નિર્દેશોથી રાજકુમાર અર્જુનનું વચન પૂરું થયું, અને સાથે જ તે કોઈ પણ પ્રકારના અધર્મ કરવાથી બચી ગયા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.