શાંત ચિત્તે વાંચી, વાગોળીને આત્મ ચિંતન કરવા માટે મજબુર કરતો લેખ અને કવિતા એટલે “દિકરી.”

0
448

રચના અને લેખ : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર,વઢિયાર)

દિકરી અને દિકરી ના બાપના હૈયાને એના ભાવજગતને સમજવા કાં દિકરી થઈ અવતરવુ પડે અને કાં દિકરીના બાપ બનવુ પડે. આ ઘટના ના ઘટે ત્યાં સુધી દિકરી અને દિકરી નો બાપ ના સમજી શકાય. જેમ મા ના ગુણનુ, રૂપનુ શબ્દચિત્ર કે વર્ણન હજુ સુધી કોઈ કવિત્વ કે સાહિત્ય પૂર્ણ કરી શક્યું નથી એમ દિકરી માટે પણ નેતિ નેતિ જ લખવું પડે. હા તમારી ઊર્મિઓને, લાગણીઓને, દિકરી પ્રત્યેના તમારા ભાવને તમે શબ્દોથી વ્યક્ત કરો એ અલગ વાત છે.

સોનોગ્રાફીની શોધ અને આપણે સૌએ દિકરીઓને ક્રૂર રીતેમા રીનાખવાનો કરેલ પાપનો કામો કદાચ એના માટે આપણાને માફ કરવાની ત્રેવડ ત્રિલોકના નાથ પાસે પણ નઈ હોય. સમગ્ર સૃષ્ટિતત્વના,સંસારત્વના ચક્રને ચૂંથવાની જે ચેષ્ટા માનવ જગતે કરી છે એના માટે હવે એની પાસે પસ્તાવાનો પણ સમય નથી.

જગતને શાંતિ જગતનું ભરણપોષણ અને આપણા સૌને ઘાટ મા જ આપી શકે અને મા બનાવવા તમારે પહેલા દિકરી જોઈએ.

તમારી દિકરીને સામે વાળા દિકરી તરીકે સાચવે એવી અપેક્ષા રાખવાવાળા મા-બાપે પોતાના ત્યાં આવતી કોઈની દિકરીને દિકરી તરીકે પ્રસ્તુત કરવાનું પરમ ઉદાહરણ પૂરું પાડીને ન્યાય તોળવો પડશે.

એક બીજી બાજુ છે કે,અઢાર વરહ તરીકે જતન કરીને જાળવેલી દિકરી જ્યારે એની મુગ્ધાઅવસ્થામાં સારું શું કે ખરાબ શું એવો નિર્ણય કરવાની જેની કોઈ જ ક્ષમતા નથી હોતી જે એક એની શારીરિક,માનસિક અવસ્થાનું કુદરતે મુકેલી વ્યવસ્થાનું પરિણામ છે ત્યારે એ અવસ્થાએ મા-બાપ આ નાજુક પળને સાચવી લે નહી તો એ દિકરી એના આવેગોમાં તણાઈને જ્યારે કોઈની સાથે ન કરવાનું કરી બેસે ત્યારે જે પીડા બાપ ભોગવે છે તેનું શાબ્દિક ચિત્રણ ન થઈ શકે.કદાચ ઘણા બધા કારણોમાં દિકરીને પેટમાંજ પતાવી દેવાનુ આ એક કારણ પણ હોઈ શકે ?

દિકરી ને કરિયાવર કરવો પડશે. દહેજ આપવુ પડશે દિકરી ની ભ્રુણહ તયા નું આ પણ એક કારણ છે, ત્યારે હું રાજપુત છું,એક લેખક,કવિ,લોકસાહિત્યકાર અને શિક્ષક છું ત્યારે આ કુ-રિવાજ મારા સમાજમાં સૌથી વધારે હતો અને છે.

ત્યારે મિત્રો આજે સમય,વિચારધારા અને વિજ્ઞાને ખૂબ પલટો લીધો છે સમયના ચક્ર સાથે આપણું જોડાણ નહી હોય તો એ ચક્ર આપણાને પી સીનાખશે. તમારા ઉમદા અને સંસ્કૃતિસભર સંસ્કારોની સાથે તમારે બદલાતા જગત સાથે પણ જોડાઈ રહેવું પડશે નહી તો કાળચક્ર આપણાને ફેંકી દેશે.

આપણા ત્યાં કેટલાક ધર્મો અને જાતિઓમાં પાંચ,સાત કે દસ સંતાનો મે જોયા છે.તેમાં દિકરીઓ પણ છે.તેમના સરળ અને સમય સાથેના સામાજિક બંધારણો ને કારણે એ સમાજે સૌથી ઓછી ભ્રુણહ તયા ઓ કરી છે.સમાજનું લેવલ જેમ ઊંચું તેમ ભ્રુણહ તયા નું પ્રમાણ ઊંચું છે. જે વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. ઘણીવાર દિકરા કે દિકરી ને આપવામાં આવતી વધુ પડતી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમતી મે જોઈ છે.તમારા વધારે પડતા લાડકોડ એને માટે જીવલેણ ન બને એ જોજો.

આજે વિવિધ ક્ષેત્રોમાં ટોપટેન આવતા સમૂહમાં પચાસ ટકા દીકરીઓ હોય છે. જે એના અભ્યાસ સિવાય ઘરકામમાં પણ મદદ કરતી હોય છે બીજીબાજુ દીકરો મા ને વધારે વ્હાલો હોય અને દિકરી બાપને વધારે વ્હાલી હોય છે એ માટે કદાચ મા એ સહેવા પડતા મેણા ટોણા કુળ દિપકની પરિવાર રાખતો અપેક્ષા વગેરે ઘણુ છે એ એક આખા વિષયની ફરી ક્યારેક ચર્ચા કરીશું.

પણ….તમને સામાન્ય લાગતી આજની કુટુંબ વ્યવસ્થા એ ખરેખર સામાન્ય નથી ખૂબ વિચારજો કારણ તમે હવે નહી વિચારો તો વિચારવાનો સમય પણ તમારી પાસે નઈ રહે હા…આવનારા પચીસ વર્ષમાં નવી પેઢીને નણદ શું હોય, ભાભુ કોને કહેવાય, મોટા બાપુ શુ હોય, ભાભી, કાકી, વડસાસુ, ભત્રીજા, ભાણેજડા, કાકા, કાકી કશું જ ખબર નહી હોય.

એક ખાનગી વાત કહુ….આપણા ત્યાં પહેલા કોઈ દિકરી ભાગતી નહોતી કારણ સંયુક્ત પરિવારના ઘેરામાં જયાં ઘણીબધી ભાભીઓ, ભાઈ, કાકા, ભત્રીજા, દાદા, દાદી આ આખાય માહોલમાં એ ક્યારે અઢાર વર્ષની થઈ જાય એની ખબર એને ખુદને કે પરિવારને પણ નહોતી પડતી.

દોસ્તો…આવનારો સમય તમને ભયમાં જીવાડશે કારણ એક જ દિકરાની ફેશનમાં આજે કોઈ જ સલામત નથી.

આ બધાનો એક જ ઉપાય છે દિકરી….

અને મારી સંવેદના મે આ દિકરીના કાવ્ય દ્ધારા વ્યક્ત કરી છે. આમ તો દિકરી પર મે ઘણી કવિતાઓ, ગીતો લખ્યા છે એમાંની આ એક કવિતા છે.

મારે સાત બહેનો છે અને મને આર્થિક, સામાજિક કે કોઈ મુશ્કેલી ક્યારેય નથી નડી હા… રજાઓમાં બધી બહેનો, ભાણેજડા, જમાઈઓ બધા મારે ત્યાં આવે અને પચાસેક જણનો મેળાવડો એક મહિના સુધી જામે એની એનર્જી આખુ વરસ મળે છે. આટલા બહોળા પરિવારમાં પ્રસંગો, સુખદુઃખની નાની મોટી તકલીફોમાં બધા આવી મળે ત્યારે જે હૂંફ મળે છે એ અદકેરી હોય છે.

આવો વૃક્ષની સાથે એક દિકરી પણ…વાવીએ

બાપુનુ ડૂસકુ……

પહેર્યું પાનેતરને દિકરી થઈ પારકી, વેળા વસમી વ્હાલપને હંફાવે,

નેહના સીંચીને નીર ઉઝરેલા છોડવાને, કોઈ આવી મૂળ સોતો ઉખાડે,

ત્યારે એક ડૂસકાને બાપુ દબાવે….

વાડીએથી થાકીને આવેલા બાપુને,પ્યા લો પાણીનો દિકરી એક પાતી,

ઉતરતો થાકલોને ઘેરાતી આંખડી, નથી કિંમત પ્યાલાની અંકાતી,

બાપુના રૂદીયામાં ચાલતા ઈ શ્વાસને સમજી લો દિકરી ચલાવે,

ત્યારે એક ડૂસકાને બાપુ દબાવે,

સુખની છોળોમાં ભલે ઉછરતી લાડલી, કોઈ વાવડ પિયરીયાથી આવે,

ઢળતા ઘઉં સોનાના મુકી મિઠુડી, એક શ્વાસે પિયરીયામાં આવે,

જાતને મૂકી દો તમે દિકરીના ખોળીયે, ત્યારે આ વાત સમજાયે,

ત્યારે એક ડૂસકાને બાપુ દબાવે,

ખેતર, વાડી ને ખળે કાળી મજૂરી કરી, ભઈલા ની સંપત વધારે,

થાતાં ઓરમણા જયાં બાપુની ડેલીએ, ખાલી થાપા કંકુના બે મારે,

ડુંગર સમ ભાર એના રૂદીયા પર મેલીને આંગણ બાપુનુ વટાવે,

ત્યારે એક ડૂસકાને બાપુ દબાવે,

“શંકર” શબ્દોથીને કોઈ ‘દી ન લેખાશે, બાપ અને દિકરી નો નાતો,

સઘળા સમર્પણને મૂકી દયો એક કોર,

એવી ગરવી છે દિકરી ની વાતો,

જાણવો જ હોય જેને વ્હાલપના વીરડાને ઈ આંગણિયે દિકરીને લાવે,

ત્યારે એક ડૂસકાને બાપુ દબાવે.

– શંકરસિંહ સિંધવ (ફોટા પ્રતિકાત્મક છે)