ભીમ અગિયારસ ગઈ… જેઠ માસ પુરો થયો અને મેઘરાજાનો ધોરી મહિનો અષાઢ શરૂ થયો, કચ્છી માડું નાં નવ વર્ષ અને ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાજી ની અષાઢી બીજની રથયાત્રા આવી. અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે.
વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.
ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,
સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,
રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય
કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.
અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે. (આ વરસે અષાઢી બીજ નાં દિવસે સોમવાર હતો)
અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ
દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.
સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ
ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.
ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ
વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.
સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ
જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.
અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે. અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે. અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.
અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ
તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.
શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ
અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.
અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોય તો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય (લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)
અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ
ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.
અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ
પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.
અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ
દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.
અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.
– સંકલિત માહિતી
(સાભાર સંજય મોરવાડીયા, અમર કથાઓ ગ્રુપ)