આત્મેશ્ચર મહાદેવ : કુદરતના ખોળે શાંત વિસ્તારમાં આવેલું છે મહાદેવનું આ ધામ, જાણો ત્યાં જવાનો રસ્તો.

0
510

જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં ઈંદ્રેશ્ચર મહાદેવનું પૌરાણિક મંદિર ગીરનાર પર્વતમાળા ની તળેટીમાં છે અને એ ડુંગર પર સરસ મજાનું આત્મેશ્ચર મહાદેવ નું મંદિર છે. નરસિંહ મહેતાએ શિવ આરાધના આ ઈંદ્રેશ્ચર મહાદેવ સમક્ષ કરી હતી તેવી પણ એક માન્યતા છે.

દોલતપરા છોડો એટલે તરતજ જંગલનો વિસ્તાર પ્રારંભ થઈ જાય. વર્ષો પહેલાં ઈંદ્રેશ્ચર ના દરવાજા ની ડાબી બાજુ થી અમે આત્મેશ્ચર જતા. રાજકોટ રોડ પરનાં ઈંદ્રેશ્ચર થી પહાડો ભ્રમણ દ્વારા આત્મેશ્ચર થઈ ઈંટવા જવાય અને ત્યાંથી ભવનાથ તળેટીમાં રુપાયતન ઉતરી જવાય!

અમારે પણ આ યાત્રા કરવી હતી એટલે પૂત્ર કારમાં ઈંદ્રેશ્ચર ફોરેસ્ટ ચોકી સુધી મુકી ગયો. હવે ફોરેસ્ટ ચોકીમાં નોંધ કરાવવી પડે છે અને તમારે એજ નાકે છ પહેલાં પાછું ફરવું પડે છે. એટલે આત્મેશ્ચર થી ઈંટવા થઈ તળેટી જઈ ના શકાય.

ફોરેસ્ટ ખાતાએ હવે સરસ કેડી આત્મેશ્ચર સુધી જવા બનાવી છે. ચારે બાજુ જંગલ વચ્ચે સાંકડી કેડી અને આપણી અને પ્રકૃતિ વચ્ચે કોઈ જ નહીં. નીરવ શાંતિ અને ધીમે ધીમે ડુંગર ચડો. ઈશ્ચરની આપોઆપ પ્રતીતિ થવા લાગે.

આ ફોરેસ્ટ નાકાથીજ હવે સીંહ દર્શન પણ ફોરેસ્ટ ખાતું કરાવે છે. મારા સાથે આવેલા કાયમી સાથી દેવાંગે ઓચીંતું કહ્યું. કેમેરા તૈયાર રાખજો. સીંહની હુક સંભળાય છે. અમને હુક સંભળાયે રાખી પણ અમારી કેડી પર મહારાજે દર્શન ના દીધાં.

રસ્તા માં આવતાં ઝરણા માંથી પસાર થઈ જવું પડે. પાણીના ખાડાઓ ભર્યા હતા ને લેંઘાની નાડી જેવો પાતળો જલ પ્રવાહ વહેતો હતો!

આત્મેશ્ચર અને પાસેજ રહેલ માતાજીની કુટીરે દર્શન કર્યા. આ કેરાળાનાં માતાજી વર્ષોથી આ જગ્યા એ સાધના કરે છે.

ફરી ઊતરવાનું તો ઈંદ્રેશ્ચર નાકેજ હતું. ઉતર્યા ને રીક્ષા દ્વારા આઝાદ ચોક થઈ હાટકેશ્વર દાદાની આર્તીએ પહોંચ્યા. ફરી રીક્ષા દ્વારા ઘેર પહોંચતાં રાતના આઠ વાગી ચૂક્યા હતા. આમ બપોરે અઢી વાગ્યે પ્રારંભ થયેલ સોમવારી શિવ યાત્રા છેક રાતે પૂર્ણ થઈ.

– સાભાર છાયા જગદીશચંદ્ર (ગામ ગાથા ગ્રુપ)