વાયરા ઝેરી વાય માનવતા ઠેબે મેલી રે,
આયલ હવે આવને વેલી રે….
જગ સ્વાર્થ માં અંધ બન્યુ છે,
સ્નેહના નાતા તૂટયા રે…
પ્રેમી પરિજન પ્રેમને ચુક્યા,
હવે બસ એક તુ બેલી રે,
આયલ હવે આવને વેલી રે….
વૈદ વેચાયો ધરમ ભૂલીને,
ચોર કોટવાળને દંડે રે,
સતામાં ચકચૂર થયા છે,
માનવતા ઠેબે મેલી રે,
આયલ હવે આવને વેલી રે….
દિકરા આજે દેવ મટી ગ્યા,
માવતરને ફિટકારે રે,
માયાની એવી લાય લાગી છે,
પાટુ રહ્યા સઘળા ઝેલી રે,
આયલ હવે આવને વેલી રે….
ખેડુને ખાટકી કાપવા લાગ્યા,
ધરતી મા કોપાણી રે,
સજ્જન સઘળા સુન થયા છે,
હરામીની ઉપડી હેલી રે,
આયલ હવે આવને વેલી રે….
દેવત સઘળુ ડુકતુ તે’દી,
આયલ તુ થઈ ઉભી રે,
અસુરને આઈ કઈંક ઉથાપ્યા,
મચાવી રણમાં એલી રે,
આયલ હવે આવને વેલી રે….
“શંકર” સિંધોઈ સાદ કરે છે,
વહમી વેળે આવજે રે,
આશરો હવે એક આયલનો,
બીજી બધી વાતની વેલી રે,
આયલ હવે આવને વેલી રે….
રચના : શંકરસિંહ સિંધવ {- સાભાર શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ)}