“નિરાંતનો શ્વાસ” : વાંચો બાપ વગરની દીકરીની સમજદારીની લઘુ કથા.

0
1056

નિરાંતનો શ્વાસ :

જમકુ પહેલેથી જ માંદા જેવી હતી. પણ મગન કામઢો હતો, એટલે એ એકલો મજુરી કરી તાણી તુસીને ઘર ચલાવતો. જમકુને પારકા કામે જવા દેતો નહીં.

લાભુ કામ કરવા જેવડી થઈ એટલે બાપ-દિકરી બેય મજુરીએ જવા માંડ્યા. ઘરમાં પાંચ પૈસા ભેગા પણ થયા.

મગન અચાનક ગુ જરી ગયો. એકલી જુવાન દિકરીને મજુરીએ મોકલાય નહીં. ઓળખીતા ખેડુ લાભુ સાથે જમકુને પણ કામે બોલાવતા, અને એ થોડું ઓછું કામ કરે તોય ચલાવી લેતા. એમ મા દિકરીનો ગુજારો ચાલવા લાગ્યો.

પણ સીમના કામનો ભાર જમકુનું શરીર ઉપાડી શક્યું નહીં, એ વધારે માંદી પડી. સરકારી દવાખાને નિદાન થયું કે ક્ષય રોગ છે. એનું કામે જવાનું બંધ થયું, સાથોસાથ લાભુ પણ એની દેખરેખ રાખવા ઘરે રોકાવા માંડી. આવક બંધ થઈ, થોડીઘણી બચત હતી તે ઘસાવા લાગી.

સરકારી સહાય મળવી ચાલુ થઈ, પણ એટલી રકમથી ઘર થોડું ચાલે. પાડોશીઓ મદદ કરવાના ઈરાદે નાના મોટા કામને બહાને લાભુને બોલાવતા, અને થોડા પૈસા આપતા. વધઘટ ખાવાનું પણ આપતા.

જમકુએ લાભુની સગાઈ માટે સમાજમાં વાત વહેતી મુકી. બે માંગા પણ આવ્યા, પણ લાભુને મુરતિયા ના ગમ્યા.

આજે એક માંગાવાળા જોવા આવવાના હતા.

જમકુએ લાભુને પાસે બેસાડી સમજાવી.. “તું ભલે દેખાવડી છો. પણ આપણે ગરીબ છીએ. ને હું હવે ક્યારે મ રુંતે કહેવાય નહીં. આજે આવવાવાળા પૈસે ટકે સુખી છે, મુરતિયો જરા ઠીક ના લાગે તોય ના પાડતી નહીં. તું ઘરબારવાળી થઈ જા, પછી મને કાંઈ ચીંતા ના રહે.”

લાભુ કાંઈ ના બોલી. એની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.

“દિકરી, તારે જે કહેવું હોય તે કહી દે. મનમાં ભાર રાખતી નહીં.”

લાભુ બોલી.. “બા, દેવા ભગતના વિનોદ સાથે હું ભાગી જવાની હતી. પણ તું વધારે માંદી પડી એટલે એણે જ ના પાડી કે ‘માને માંદી મુકીને ભાગી ના જવાય. એ સાજી થઈ જાય પછી લગ્ન કરી લઈશુ.’ એને શહેરમાં સરકારી નોકરી મળી છે. તારા દવાદારુ સરખા કરવા, એ દર મહિને એના પગારમાંથી છાનામાના મને રુપિયા આપે છે. મારે બીજે સગાઈ નથી કરવી. તને સારું નહીં થાય તો એ પછી મને લઈ જશે.”

દેવા ભગત બીજી ગ્નાતિના સરળ માણસ હતા. વિનોદ સારો છોકરો હતો. જમકુ એને ઓળખતી હતી.

લાભુ નીચું જોઈને બેઠી હતી. જાણે જમકુના જવાબની રાહ જોતી ના હોય.

જમકુએ કહ્યું.. “તો જેવી તારી મરજી. ભગવાને ધાર્યું હોય, તેમ જ થાય. પણ ગામમાં ખોટી વાતો થાય તેમ હળતા મળતા નહીં. દવા મંગાવવાને બહાને એને અહીં ઘરે જ આવવાનું કહેજે. મેં એને ઘણા મહિનાથી જોયો નથી. જા, મેમાન આવશે એને હું જવાબ આપી દઈશ.”

માં દિકરી બેયે નિરાંતનો શ્વાસ લીધો.

– જયંતીલાલ ચૌહાણ ૭-૯-૨૧

પ્રતીકાત્મક ફોટા