બાબરા એટલે અર્જુનના પુત્ર બભ્રુવાહનની રાજધાની, અહીં સ્‍વયંભુ શિવલિંગ મળી આવ્યું હતું, જાણો તેના વિષે.

0
1504

દ્રૌપદી સિવાય અર્જુને શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા, નાગકન્યા ઉલૂપી અને મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા. સુભદ્રાથી અભિમન્યુ, ઉલૂપીથી ઈડાવાન અને ચિત્રાંગદાથી બભ્રુવાહન નામના અર્જુનના પુત્રો હતા. અને એની રાજધાની સૌરાષ્ટ્રમાં…?! ખરેખર તો તેનો ઉછેર મોસાળ માં મણીપુર નાનાને ઘરે થયેલો. લોક વાયકા અને તર્કને કાયમી બારમે ચંદ્ર…!

બાબરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાનો તાલુકો છે. બાબરા આ તાલુકાનું વહીવટી મથક છે. બાબરા અર્જુનના પુત્ર બભ્રુવાહનની રાજધાની હોવાનું કહેવાય છે. બભ્રુવાહનનો કુંડ અહીં આવેલો છે અને કાળુભાર નદીનું ઉદ્ગમ સ્થાન અહીંથી છે.

બ્રિટિશ શાસન સમયે બાબરા કાઠિયાવાડ એજન્સીનું થાણું હતું. બાબરા પર વાળા કાઠીઓ શાસન કરતા હતાં. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામેથી જતા થોરખાણ, રોડ પર આવેલ. ગરણી-પાનસડા ગામ વચ્‍ચે, આવેલ સ્‍વયંભુશ્રી ગરણેશ્વર મહાદેવનું અનેરૂ મંદિર પ્રાકૃતિક સૌદર્ય સાથે ભકતજનોનું મન હરી લેનાર છે.

આ અંગે લોકવાયકા મુજબ ગરણી પાનસડા ગામનાં લુહારની ગાય ગૌધણમાં ચારો ચરવા માટે ગામની બાજુમાં જંગલમાં જતી હતી અને સાંજે ગામમાં ઘેર પાછી ફરે ત્‍યારે ગોવાળ જયાં ગાયને દોહવા બેસે તો આંચળમાં દુધ ન હોય. આમ વારંવાર થવાથી લુહાર મહાજને ગોવાળને ઠપકો આપ્‍યો કે, અલ્‍યા તુ ગાયને દોહી લેતો લાગે છે.

આવા વેણસાંભળી ગોવાળે બીજે દિવસે ગાયનું ખાસ ધ્‍યાન રાખ્‍યુ તો ગાય જંગલમાં ચારો ચરીને ત્‍યાં આવેલ રાફડા પર ઉભી રહી અને ચારેય આંચળમાંથી દુધની ધારા વહેવા લાગી, આ દૃશ્‍ય નિહાળ્‍યા બાદ ગોવાળે વાત ગામ લોકોના કાને નાખતા રાફડાનું ખોદકામ કરાયુ ત્‍યારે સ્‍વયંભુ દેવાધિદેવનું પ્રાગટય થયું એટલે કે શિવલિંગ નીકળ્યું.

જોગાનુંજોગ બાજુમાંજ ગરણી ગામ આવેલું હોવાથી શ્રી ગરણેશ્વર મહાદેવ નામે પ્રખ્‍યાત થયું. મંદિરની આજુ-બાજુ ગીચ ઝાડી-ઝાડવા હોવાથી રાષ્‍ટ્રીય પક્ષી મોરની સંખ્‍યા પણ ઘણી મોટી છે, કુદરતી સૌદર્ય, મોર અને બીજા પક્ષીઓનાં ટહુકા અને કલરવથી વાતાવરણ મનોહર લાગે છે.

ઘણા વડીલોનું કહેવું છે કે, મંદિરની પાસે આવેલી નદીનાં કાઠા પર જુનુ ગરણી ગામ હતુ, ત્‍યાં ડટણ સો પટણ થયેલ ટીંબો છે. બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ “પાંડવકુંડ” તરીકે ઓળખાય છે. અહીં નીલકંઠ મહાદેવનું મંદિર ૫ણ છે, જે લોકઆસ્‍થાનું કેન્‍દ્ર છે.

વાચેલી નોંધના આધારે મુલાકાત.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)

તસવીરો ગૂગલના સૌજન્યથી.