પ્રભુદાસ નિવૃત થઈને શહેરમાં સ્થિર થયા. પણ એક દિકરો મામલતદાર તરીકે વતનના ગામમાં નિમાયો.. એટલે તેને મળવા આવ્યા..
આખી બજારમાં ફર્યા.. વતનનું જુનું નવું રૂપ જોતા જોતા.. પોતે જ્યાં ભણતા, તે નિશાળ તરફ ગયા.. થોડીવાર ઉભા રહી ચારે તરફ નિરીક્ષણ કર્યું..
એની નજર દરવાજાથી થોડે દુર, ચાની કેબીન તરફ ગઈ.. સફેદ દાઢીવાળા વૃધ્ધને જોયો.. જરા યાદ કર્યું.. અરે આ તો અસરફ લાગે છે.. અસરફ પણ ઓળખી ગયો.. સામે ચાલીને આવ્યો ..” અરે.. પરભુ.. યાર.. તું અહીં ક્યાંથી..?”
બન્ને સાતમા ધોરણ સુધી સાથે ભણતા.. અસરફ આગળ ના ભણ્યો.. રેકડીની મજુરીમાં લાગી ગયો..પ્રભુદાસ ઓફીસર થયા..
અસરફે ચા બનાવી બે યે પીધી… ઘણી.. બધી વાતો કરી.. અસરફના બે ય દિકરા જુદા છે.. ને મજુરીમાં ઘર માંડ માંડ ચલાવે છે. અસરફથી હવે મજુરી થાતી નથી.. એટલે આ ભંગાર જેવી કેબીનમાંથી ગુજારો કાઢે છે..
એને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ.. પણ અસરફ મારી પાસેથી કંઈ રોકડ તો લેશે નહીં..
ઘરે આવીને એણે દિકરાને વાત કરી..
બીજે દિવસે પટાવાળાએ કેબીને આવીને કહ્યું.. ”તમને મામલતદાર સાહેબ બોલાવે છે..”
અસરફ ગયો. . સામે બેસાડી, મામલતદારે કહ્યું..” જુઓ ચાચા, તમારી કેબીન રસ્તા પર છે. દબાણ ઉપાડવાની ઝુંબેશ છે.. તમે મારા બાપુજી સાથે ભણતા એટલે બોલાવ્યા.. તમે આમાં સહી કરી દો.. વૃધ્ધો માટે આ યોજના આવી છે.. તમને નવી કેબીન અને સરસામાન મળશે.. ચા, દુધ, ખાંડ માટે રોકડા પાંચ હજાર મળશે.. બેંક લોન આપશે.. એટલે કેબીન કાયદેસર ગણાશે.. કોઈ હટાવશે નહીં.. ત્રણ મહિના પછી મહિને એકસોનો હપ્તો બેંકમાં ભરવાનો..”
અસરફે સહીઓ કરી દીધી..
બીજે દિવસે માણસો આવીને નવી કેબીન મુકી ગયા.. બધો નવો સરસામાન આવી ગયો.. પ્લાસ્ટીકના નવા છ નાના સ્ટુલ પણ આવ્યા..
સાંજે મામલતદારે આવીને ચાવી સોંપી, ને પાંચ હજાર રોકડા આપ્યા.. “ચાચા, હવે નિરાંતે ધંધો કરો..”
બીજી સવારે અસરફે જોયું.. જુની કેબીન ઉપડી ગઈ છે..
ચારેક મહિના થયા.. બેંકમાંથી કાગળ કે કોઈ માણસ આવ્યો નહીં.. તે સામેથી તપાસ કરવા ગયો.. મેનેજરે કહ્યું.. “આવી કોઈ લોન અમે આપી નથી.“
મામલતદાર ઓફીસે ગયો.. પુછ્યું.. જવાબ મળ્યો.. “ચાચા, એવી તો કોઈ યોજના ન હોતી.. ને એ સાહેબની તો બદલી થઈ ગઈ..”
એ બહાર આવ્યો.. હાથ ઉંચા કર્યા.. “યા ખુદા.. મારા દોસ્તે મને શરમ ના થાય.. એટલે દિકરા પાસે નાટક કરાવીને મદદ કરી.. પરવરદિગાર.. ઐસા યાર સબકો મીલે..”
(સાભાર જયંતીલાલ ચૌહાણ, અમર કથાઓ ગ્રુપ)