બાળપણના મિત્ર માટે ખરાબ વિચારવું કેટલું ભારે પડી શકે છે, તે આ નાનકડી સ્ટોરી પરથી સમજો.

0
966

બે મહિલા મિત્ર હોય છે, જેમાં એકનું નામ આશા અને બીજીનું નામ લતા હોય છે. આશા આર્થિક રીતે ખૂબ સદ્ધર અને ધન-દોલત વાળી હતી, જ્યારે લતા મધ્યમ વર્ગની હતી. બંને બાળપણની મિત્ર હતી. આશા હંમેશા પોતાને ઉંચી અને સામે વાળાને નીચા દેખાડવાનો પ્રયાસ કરતી હતી. તે બીજાનું સારું તો વિચારતી ન હતી, પણ બીજાના વિષે ખરાબ જરૂર વિચારતી હતી.

બંનેની ઉંમર થઇ ગઈ હતી બંનેના દીકરા-દીકરી પરણી ગયા હતા. હવે થયું એવું કે લતાની તબિયત ખરાબ રહેવા લાગી. આશા તેના હાલચાલ પૂછતી રહેતી હતી. એક દિવસ આશા લતાના ઘરે ગઈ અને વ્યંગ કરે એ રીતે બોલવા લાગી કે, ‘તને કાંઈક થઈ તો નહીં જાય ને, તું મને છોડીને જતી તો નહીં રહેને!’

લતાને તેના સ્વભાવ વિષે ખબર હતી કે, આ સ્ત્રી કોઈ દિવસ સારા વિચાર રાખતી નથી એટલે તેણે આશાની વાતનું ખોટું ન લગાડ્યું. પણ લતાના દીકરાની વહુને આ વાત ગમી નહીં. એટલે તેણીએ લતાને જણાવ્યું કે, તમે આશા માસી સાથે થોડું ઓછું બોલવાનું રાખો. આવા સમયે આવું બોલતું હશે? પણ લતાએ તેને સમજાવી કે તેનો સ્વભાવ જ એવો છે. તેમાં ખોટું લગાવવાની કોઈ જરૂર નથી.

પ્રતીકાત્મક ફોટો

થોડા દિવસો પછી આશાની દીકરીનો લતા પર ફોન આવ્યો. તેણીએ એકદમ સ્વસ્થ અને પોતાના શરીરની એકદમ કાળજી રાખનારી આશાએ અચાનક દુનિયામાંથી વિદાય લીધી એવા સમાચાર આપ્યા. લતાએ અને તેના આખા પરિવારે આશાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

બોધ : ક્યારેય પણ કોઈનું ખરાબ વિચારવું નહીં. શું ખબર ભગવાન વિચારતા હોય કે, આ બીજા માટે હંમેશા ખરાબ જ વિચારે છે તો તેને એવા જ પરિણામ આપીએ. એટલા માટે હમેશા બીજાં માટે સારું જ વિચારો. શું ખબર તમારા ખરાબ વિચારોને લીધે તમારી હાલત પણ આશા જેવી થઈ જાય.

– દીપક મેટકર.