બાડી ચકીની આ વાર્તામાં આજ્ઞાપાલનની શીખ મળે છે, તમારા બાળકોને જરૂરથી સંભળાવજો.

0
516

જુની વાર્તાઓ – બાડી ચકી :

– નટવરભાઈ રાવળદેવ થરા

એક હતી ચકી ને એક હતો ચકો. ચકીને ઈંડાં મુકવાનો સમય નજીક આવ્યો એટલે ચકાને કહ્યું, ચકા માળો બનાવો પરંતુ ચકાએ ધ્યાન પર ના લીધું. એમાંને એમાં બે ત્રણ દિવસ વીતી ગયા. છેવટે ચકીને ઈંડાં મુકવાનું થયું એટલે ચકાએ કહ્યું, ચાલ મારી સાથે. બન્ને ઉંડતાં ઉંડતાં એક રાજમહેલમાં આવ્યાં. રાજમહેલની ભીંતમાં એક ગોખલું હતું ત્યાં આવીને ચકાએ કહ્યું, આ ગોખલામાં ઈંડાં મુક. ચકીએ ગોખલામાં ઈંડાં મુક્યાં.

આ ગોખલાથી થોડે જ દૂર રાણીનો પલંગ રહેતો હતો એટલે રાણીને ખબર પડી કે ચકી ચકાએ અહીં રહેઠાણ બનાવ્યું છે. રાણીએ દાસીને કહ્યું કે આ ગોખલા પાસે દરરોજ મુંઠી જુવાર નાખ. ચકી ચકાને તો મજા પડી ગઈ. ઈંડાં સેવાયાં અને બચ્ચાં ચી ચી ચી ચી કરવા લાગ્યાં એટલે રાણીએ દાસીને મુંઠીના બદલે ખોબો ખોબો જુવાર નાખવાનું કહ્યું.

ચકાનો પરિવાર તો ખુશખુશાલ! બચ્ચાંને થોડી પાંખો ફૂટી. ચકી બિમાર પડી. ચકીને મો તનજીક દેખાયું. ચકાએ પુછ્યું, શું વાત છે ચકી? ચકી કહે એક વાત કરવી છે. હું મ રુપછી તમે બીજી ચકી ના કરો તો મારા જીવને શાંતિ મળે.

ચકાએ બીજી ચકી ના કરવાનું વચન આપ્યું. ચકીએ દેહ છોડી દીધો…… ચકીનું શરીર ગોખલામાંથી નીચે પડ્યું.

થોડા સમયમાં થોડાં ચકલાં ભેગાં થયાં ને ચકાને સલાહ આપી કે, તમે આવા રાજમહેલમાં રહો છો એટલે તમારે બીજી ચકી તો કરવી જ પડે.ચકી વગર આ તમારુ ઘર સૂનું સૂનું લાગે છે. સમાજની બહુમતી આગળ ચકાએ વચન ફોક કર્યું.

જંગલમાં એક ભંઠના છાંયડે એક આંખે બાડી ચકી બેઠી હતી ત્યાં ચાર પાંચ ચકલાંએ જોયું. એક ચકાએ કહ્યું, ચકીબેન તમે એકલાં છો? ચકીએ હા કહી એટલે સૌએ કહ્યું, આશરો જોઈએ છે? ચકી સંમત થતાં જ બધાં રાજમહેલે આવીને ચકાને આ નવી ચકીની સોંપણી કરી. ગરીબ બાડી ચકી તો ખુશખુશ!

દરરોજ જુવારનું ભોજન! કેટલો એશોઆરામ! બાડી ચકીને બચ્ચાં ખટકયાં. કાલે ઉઠીને મારેય બચ્ચાં થશે. એ વખતે તો આ બચ્ચાં મોટાં થઈ ગયાં હશે. જુવાર મારાં બચ્ચાંને નહીં ખાવા દે! બસ, બાડી ચકીએ કાવાદાવા શરૂ કરી દીધા. ચકા આગળ બચ્ચાંની નિંદા કરવા લાગી. એક દિવસ તો ચકો બહાર ફરવા ગયો અને ઘેર આવ્યો એટલે ચકી પાંખો ફુલાવીને બેઠી.

ચકાએ ચકીને પુછ્યું, શું થયું?

આ તમારાં બચ્ચાંએ મને એટલી મા રીછે કે ઉઠી શકું એમ પણ નથી. હવે કાં તો હું નહીં કે આ બચ્ચાં નહીં. બે માંથી એકની પસંદગી કરો.

બે ચાર દિવસના કંકાસથી કંટાળીને છેવટે ચકો વગડામાંથી બે ભંઠ લઈ આવ્યો. બચ્ચાં મોં ફાડીને બેઠાં હતાં એ બન્નેના મોંમાં એક એક ભંઠ ચકાએ નાખી દીધો. થોડીવારમાં બન્ને બચ્ચાં તરફડીને દુનિયા છોડી જતા રહ્યા. બાડી ચકીએ બન્નેને નીચે ફેંક્યાં.

રાણીએ તપાસ કરતાં બન્નેની ચાંચમાં ફસાયેલા ભંઠ દેખાયા. રાણીને આ બધી હકીકતનો અણસાર આવી ગયો. નવી બાડી ચકીનાં કારસ્તાન આ તો! દાસીને હુકમ કર્યો, આ ચકી ચકાને ગોખલામાં પેસવા ના દઈશ અને આજથી જુવાર નાખવાનું બંધ.

ચકી ચકો છેવટે ત્યાંથી ભાગી ગયાં.

ચકી ચકા જેવી જ ઘટના રાણીના જીવનમાં બની. રાણીને પણ બે કુંવર થયા. બન્ને બાર ચૌદ વર્ષના થયા ત્યારે રાણી બિમાર પડ્યાં. વૈદો, હકીમોની કોઈ કારી ના લાગી. રાણી રિબાવા લાગ્યાં. એક દિવસ રાજાએ કહ્યું, કંઈ કહેવું છે રાણી?

હા, હું ગયા પછી એના પછી તમે નવી રાણી ના લાવો તો મારો મોક્ષ થાય. મારો જીવ આ બન્ને કુંવરોમાં છે. નવી રાણી આ ફુલ જેવા કુંવરોને કોઈ કાળે નહીં સાચવે એવું મારો આત્મા કહે છે. માટે તમે નવી રાણી નહીં લાવો એવું મને વચન આપો. રાજાએ વચન આપતાં જ રાણી દુનિયા છોડી જતા રહ્યા.

બે એક મહિના વીતી ગયા. નગરના શેઠ, શાહુકારો અને આગેવાનો ભેગા થઈને રાજા પાસે આવ્યા. સૌએ રજુઆત કરી કે, આપણું આ સુખી સમૃદ્ધ રાજ્ય રાણીમા વગર શોભતું નથી. રાજાએ આપેલ વચન સૌને કહ્યું પરંતુ સૌએ ઘણી વિનંતી પછી રાજાને મનાવી લીધા.

રાજા પરણીને આવી રહ્યા હતા. નવી રાણીના માફાની બન્ને બાજુ બે કુંવરો ઘોડા પર સવાર હતા. નવી રાણીની નજર આ બન્ને કુંવર પર પડી. રાણીએ દાસીને પુછ્યું, આ બન્ને બાજુ ઘોડા પર સવાર કિશોરો કોણ છે. દાસીએ કહ્યું કે, જુનાં રાણીમાના કુંવર સાહેબો છે.

નવી રાણીનું કાળજું ચિરાઈ ગયું. મનમાં કંઈક ગાંઠ વાળી લીધી.

રાણી પલંગમાં બેઠી હતી. બન્ને કુંવર ગેડી દડો રમી રહ્યા હતા. નાના કુંવરે દડાને ગેડી મારી. દડો સીધો રાણીના ખોળામાં. આવા પ્રસંગની તો રાહ જોઇને જ બેઠી હતી રાણી. નાનો કુંવર દડો લેવા ગયો. રાણીએ આનાકાની કરી. નાના કુંવરે તો દડો ઝુંટવી લીધો ને એમની મસ્તીમાં મસ્ત થઈને રમવા લાગ્યા.

સાંજે રાણીએ રાજાને ફરિયાદ કરી કે તમારા કુંવરોએ મનેમા રી છે. બીજા દિવસે પણ એ જ ફરિયાદ!

એક દિવસતો પલંગના ગાદલા નીચે સુકા પાપડ ગોઠવીને રાણી ધીમેથી સુઈ ગઈ. રાજાએ આવીને પુછ્યું, શું થયું રાણી? રાણીએ પડખું ફેરવ્યું. પાપડ તુટવાનો અવાજ આવ્યો. રાણીએ કહ્યું, આજે તો તમારા કુંવરોએ મારાં હાડકાં ભાગી નાખ્યાં છે. જુઓ, હાડકાં બરડ બરડ બોલે છે.

રાણીના કહેવા મુજબના કુંવરોના તોફાનોથી રાજા ગુસ્સે થયા. બીજા દિવસે કુવરો જંગલમાં શિ કારમાટે ગયા હતા એ જ વખતે બે કાળા ઘોડા અને કાળાં કપડાં લઈને સૈનિકો દરવાજે ઉભા હતા. જેવા કુંવરો દરવાજા પાસે આવ્યા તો સૈનિકોએ કહ્યું, રાજા સાહેબે તમને બાર વર્ષનો દેશવટો આપ્યો છે. મોટો કુંવર કંઈ કહે એ પહેલાં નાના કુંવરે કહ્યું કે, પિતાજીની આજ્ઞા માથા સાટે. એમાં દલીલ શી! આમ સાવ બિલકુલ નિર્દોષ બન્ને કુંવરોને નવી રાણીની ખોટી ચડામણીથી દેશવટો મળ્યો.

કાળાં કપડાં પહેરી કાળા ઘોડા પર બન્ને કુંવરોએ ઘોડા દોડાવી મુક્યા. સાંજ પડી ગઈ. ઘનઘોર જંગલ હતું એટલે એક વડલાના ઝાડ નીચે બન્નેએ રાત પસાર કરવાનું નક્કી કર્યું. રસ્તામાં જે કંઈ ફળ દેખાયાં તે ખાધાં હતાં એટલે ભુખ તો ઓછી હતી પરંતુ થાક ખુબ લાગેલ હતો. જંગલ હોવાથી પ્રાણીઓની બીક હોવાથી બન્ને ભાઈઓએ વારાફરતી ઉંઘવાનું નક્કી કર્યું. મોટાભાઈ સુઈ ગયા ને નાનો ભાઈ જાગતો બેસી રહ્યો.

બરાબર બારેક વાગ્યાના સમયે હંસ અને હંસલીનું જોડું જે વડ પર બેઠેલ હતું તે વાતે વળગ્યું. હંસે હંસલીને કહ્યું, જો હંસલી! આ વડથી થોડે દૂર ડાબી બાજુ બે આંબાનાં ઝાડ છે. જે ઉંચો આંબો છે એની કેરી એવી ગુણકારી છે કે આજના દિવસે એને જો કોઈ ચૂસે તો એને મોટું રાજ્ય મળે. નાના આંબાની કેરીમાં આજના દિવસે એવો ગુણ છે કે, એ કેરી જે કોઈ ચૂસે તો એને દરરોજ સવારે નાકમાંથી મોતી ઝરે! નાનો કુંવર પક્ષીઓની ભાષા સમજી શકતો હતો.

તરત જ આંબાની શોધ કરીને કેરીઓ તોડી લાવ્યો. નાના કુંવરે વિચાર્યું કે જો ઉંચા આંબાની કેરી હું ચુસીસ તો હું રાજા બનીશ. રાજા બનવાનો અધિકાર તો મોટાભાઈનો કહેવાય એ વિચારીને નાના આંબાની કેરીઓ ચુસી. સાડાબારે મોટાભાઈને જગાડીને નાનાભાઈએ કહ્યું, આ કેરીઓ ચુસી જજો હવે હું ઉંઘી જાઉં છું.

સવારે બન્ને ભાઈએ ઘોડા દોડાવી મુક્યા……

મોટો કુંવર આગળને નાનો પાછળ હતો.

કોઈ નગરનો દરવાજો દેખાયો. એ સજ્જનપુર નગર હતું. ત્યાં ઉભેલ સૈનિકોએ મોટા કુંવરને પકડી લીધો અને રાજ દરબારમાં લઇ ગયા. કુંકુમ તિલક કરીને ગાદીએ બેસાડી દીધો. હકીકત એવી હતી કે આગલા દિવસે ત્યાંના રાજા દુનિયા છોડી જતા રહ્યા હતા. એમનો કોઈ વારસ નહોતો એટલે નગરજનોએ સર્વ સંમતિથી નક્કી કર્યું કે, પૂર્વના દરવાજે સવારે જે કોઈ પહેલો પુરુષ આવે એને રાજા બનાવી દેવો.

આ બધી ધામધૂમમાં નાનાભાઈને મોટાભાઈ ભુલી ગયા. નાનો કુંવર સ્વમાની હતો એટલે રાજ દરબારના બદલે એ તો પ્રજાપતિના ઘેર મહેમાન બની ગયો. રાત્રી રોકાણ કરીને સવારે ઉઠ્યો. ઉઠતાંવેંત છીંક આવતાં જ નાકમાંથી મોતી પડ્યું. નાના કુંવરે ધોઈને પ્રજાપતિને આપીને કહ્યું, તમારા ઘરનું અન્ન ગ્રહણ કર્યું એટલે આ તમારુ. લ્યો, આને વેચીને જે કંઈ લાવવું હોય તે લઈ આવો. પ્રજાપતિને કંઈ ગતાગમ ના પડી એટલે ખાત્રી કરવા ઉપડ્યો એક શેઠની દુકાને.

શેઠે મોતી જોયું ને પછી કહ્યું, ભાઈ તારે જે જોતું હોય તે લઈ જા આના બદલામાં. પ્રજાપતિ તો ખુશ થઈ ગયો. પુરા છ મહિના મહેમાન બનીને રહ્યો નાનો કુંવર. એક દિવસ શેઠે નાના કુંવરને જમવાનું આમંત્રણ આપ્યું. નાના કુંવરે શેઠને ત્યાં જમી લીધું પરંતુ પારખુ શેઠની નજર કુંવર પરથી હટી નઈ. નક્કી કોઈ ભાગ્યશાળી છોકરો છે આ. આગ્રહ કરીને રાત્રી રોકાણ કરાવ્યું. ભાગ્યશાળીની તો સવારમાં ખબર પડી જ ગઈ શેઠને. જેના નાકે મોતી ઝરે એ તો ભાગ્યશાળી જ હોય ને!

શેઠની પુત્રી સાથે નાના કુંવરનાં ઘડીયાં લગ્ન લેવાયાં ને અલગ મકાન પણ રહેવા આપી દીધું. શેઠ સુખી થતા ગયા. આમ ને આમ બાર વરસનાં વહાણાં વાઈ ગયાં! નાનો ભાઈ દરરોજ મોટાભાઈને યાદ કરતો હતો પરંતુ અચાનક આવી પડેલ સુખ સાહ્યબીમાં મોટાભાઈને નાનો ભાઈ આજ સુધી યાદ ના આવ્યો.

એક દિવસ મોટો કુંવર કે જે રાજા છે એ નજીકના રાજયમાંથી પરત ફરી રહ્યો હતો એ વખતે નાનો કુંવર ઘોડા પર બહારગામ જઈ રહ્યો હતો. સામસામે મળતાં જ અનાયાસે બન્નેની નજર ટકરાઈ. મોટો કુંવર નાનાને ઓળખી ગયો. બન્ને ભેટી પડ્યા. મોટા કુંવરે નાના કુંવરને કહ્યું, આટલો સમય ક્યાં હતો?નાના કુંવરે બધી હકીકત વર્ણવી અને કહ્યું કે બાર બાર વર્ષથી ચોરી છુપીથી આ નગરમાં જ છું. તમે રાજા બનીને મને ભુલી ગયા એટલે મેં નક્કી કર્યું કે તમે યાદ ના કરો ત્યાં સુધી રાજ દરબારમાં સામેથી ના જવું.

મોટાભાઈએ ભૂલ બદલ માફી માંગી. બન્નેની આંખમાં હરખનાં આંસુ આવ્યાં. બન્નેએ પિતાજીને યાદ કર્યાં ને કહ્યું કે આપણો દેશવટો પુરો થયો છે એટલે એકવાર આપણે બાપુને મળવા જવું જ જોઈએ.

રથ, માફા ને સૈનિકો સાથે બન્ને ભાઈ ઉપડ્યા મળવા.

આ બાજું બન્ને કુંવરોના માબાપના ખુબ ખરાબ હાલ થઈ ગયા. નવી રાણીના મોહમાં અંધ થઈને રાજા એશોઆરામમાં ડુબી ગયા. રાજ્યસતા નબળી પડી. નજીકના રાજાએ આ કર મણ કરતાં રાજ્ય ખોયું ને ચોરીછૂપીથી રાજા રાણી જીવ બચાવીને ભાગી નિકળ્યાં. બીજે ક્યાંય આશરો ના મળ્યો. ખાવા પીવાના પણ સાંસા પડી ગયા. સમય એવો આવ્યો કે, રસ્તે પરબ માંડીને બેઠાં.

મોટા સરઘસ જેવું જોઈને રાજા રાણી પાણીનું માટલું ભરીને સામે ગયાં. રાણી માથે માટલું છે ને રાજાના હાથમાં લોટો.

દુરથી નાના કુંવરની નજર પિતાજી પર પડી. નાના કુંવરે મોટાભાઈને કહ્યું, મોટાભાઈ! તમે માનો ના માનો પણ પેલા હાથમાં લોટો પકડેલ આપણા પિતાજી છે ને માટલું ઉપાડેલ આપણાં નવાં રાણીમા!

મોટાભાઈએ કહ્યું, એવું ના બને, આપણાં માબાપ આવી હાલતમાં ના હોય! પરંતુ નજીક આવતાં જ સત્ય સામે આવીને ઉભું રહ્યું. બન્ને કુંવરો એમનાં માબાપને ઓળખી ગયા.

બન્નેએ રથમાંથી ઉતરીને દોટ મૂકી. બન્ને ભાઈઓ માબાપને મળ્યા. હરખનાં આંસુ આવી ગયાં. નવી રાણીએ કહ્યું કે મારે લીધે જ આ બધું બન્યું છે. બની શકે તો મને માફ કરો. રાણીએ વિનંતીભર્યા સ્વરે બન્ને કુંવરોની માફી માંગી.

રાજા રાણીએ રાજ્ય કઈ રીતે ગુમાવ્યું એ હકીકત કહી સંભળાવી. મોટા કુંવરના રાજ્યના સૈનિકોની મદદથી ચડાઈ કરીને રાજ્ય પાછું મેળવાયું ને નાના કુવરને એનો રાજા બનાવ્યો.

પિતાજીની વાર્તાઓમાંથી.

– નટવરભાઈ રાવળદેવ થરા (અમર કથાઓ ગ્રુપ)