“જિંદગી શું છે…!!?”
“ઉપ દ્રવ..!!”
પહેલી નજરે માન્યમાં ન આવ્યું એટલે જોડે જઈને મેં ચહેરાથી ઓળખ્યો માણસ ને.
“ઓહ બાપુ તમે..!!?”
નહેરના કિનારા પર બીડીના ઊંડા કસ ખેંચી, ધુમાડો કાઢી મારી તરફ જોયું-નાજોયું કરીને માણસ બોલ્યો;
“હા હું છું…!!”
સામાન્ય માણસને જોઈએ તો સ્વભાવિકપણે એક લયમાં સવાલો પૂછાઈ જાય પરંતુ કોઈનું સપને’ય ના વિચાર્યું હોય એવા માણસને આમ એકલો ઘરથી દૂર એ પણ નહેર જેવી જગ્યા જોડે જોઈને મને મૂંઝવણ થઈ અને સવાલ જ શુ કરવો એ અસમંજસમાં ધીરપ વગર પૂછાઈ ગયું;
“કેમ અહીંયા, આમ અચાનક..!!”
“બસ એમજ આવીને બેઠો છું..!!”
“સારું છે પ્રકૃતિ જોડે આવીને બેસો છો ટાઢક મળે આમ બાપુ..!!”
“સાંભળ્યું તો એવું જ છે એટલે, આવીને બેઠો છું..!!”
મને ખબર છે એ માણસનો કારોબાર બહુ મોટો છે અને એની વ્યસ્તતા એને આમ બેસવા ના દે પરંતુ, આજે કેમ આવીને બેઠો હશે?, એ પ્રશ્ન મને મનમાં ને મનમાં સતત મૂંઝવતો હતો એટલે મારા મનોમસ્તિષ્કને અનુલક્ષીને મારી જીભ વળતી હતી.
“બાપુ..!!”
“હાં..!!”
“પાણીથી કેટલું બધું શક્ય બની ગયું નઈ..!!”
“હાં જીવનની આંટીઘૂંટી એના થકી જ છે..!!”
મને હજુ વિશ્વાસ નહોતો બેસતો હું એ માણસ જોડે આમ બેસીને વાતો કરું છું.
બીડી ફેંકી અચાનક બોલ્યો;
“જળ..!!”
“હા બાપુ..જળ..!!”
“એની મહત્તા ખબર છે તને..!!?”
“હાસ્તો એના થકી આપણે છીએ જ બાકી કશું ના આવે આપણું..!”
માણસ જે પરિસ્થિતિમાં હોય એની લાક્ષણિકતાઓ લગભગ એની વાતોમાં છલકાતી હોય અને બીજાની રોજબરોજની વાતોમાં પણ એની ફિલોસોફી વણાતી જોવા મળે.
ફરી એ માણસ બોલ્યો;
“આનું નામ જળ..!!”
જળ શબ્દ મને પકડાઈ ગયો મનમાં જ તકાજો નીકળી ગયો આની ઇર્ધગીર્ધ જ ક્યાંક ગુમડું હોવું જોઈએ જે આ બાપુને અતિશય દુખાવો કરે છે.
“હા બાપુ.. આનું નામ જળ.. માણસ જીવે અને અંતિમ શ્વાસ લે ત્યાં સુધી આંતરિક અને વ્યવહારુ જીવન એમ બંનેમાં જળને જેટલું સમજીએ એટલું જટિલ બનતું જાય..!!”
“તું નાનો છે હજુ..!!”
“હાસ્તો..હજુ માંડ ,૨૮ થયા…!!”
એ માણસે જાણે મારામાં ખુદને જોયો હોય એમ પોતાની જુવાની ના દ્રશ્યો નજરમાં ભરી દીધા અને એના હોઠે વાત નીકળી;
“બાજુના ગામમાં જ પરણ્યો છું મારી બેન ત્યાં જતી અને એમની બેન મારે ત્યાં આવતી..!!”
“આવતી..!!?”
“માણસ જ નથી રહ્યું તો શું કહું હવે તને..!!”
હવે મને બધું જ સમજાઈ ગયું માણસ આખી પ્રકૃતિ વેંચીને ફરી એના ભાવતાલ કરવા બેઠો છે ને એનું ગજવું ખાલી છે.
આંખોમાં આવેલા ઝળઝળિયાં મારાથી સંતાડવા જરાક મોં આડું કર્યું એટલે મેં તરત કીધું;
“બાપુ…. આજે કોરાણે ના જશો, નીચે ફરી જળ છે અને પ્રવાહ ઊંડો સાથે જોરમાં છે..!!”
વાતને જાણે ટૂંકમાં જ સમજી ગયો હોય એમ માણસે તરત જ મારી સામે
“માતો..!! નામ સાંભળ્યું છે..!!?”
“હાં..!”
“એ હું છું..!!”
“ખબર છે મને… આપને કોણ નથી જાણતું બાર ગાઉ એ જઈને નામ પૂછ્યું હોય તો’ય બાપુ નાનું છોકરું’ય કહી દે..!!”
“નાનું છોકરું’ય ઓળખી લે ને એટલે જ ક્યાંય જઈને રડી નથી શકાતું બેટા…!!”
“બેટા” શબ્દ સાંભળી હું જરાક મારા મનોભાવ ને લાગણીવશ થતાં રોકી ના શક્યો અને વહેણમાં ભળવાનું મન થયું અને મેં સીધો સવાલ કર્યો;
“જિંદગી શુ છે…!!?”
“ઉપ દ્રવ..!!”
“કેમ ઉપદ્રવ બાપુ.!!?”
“જેટલું અનાજ ઉગે છે પેટાળમાં એનાથી બમણું જોડે નિંદામણ ઉગે છે..!!”
“એ નિંદામણનો વારેઘડીએ નાશ કરવો જોઈએ નહિતર જિંદગી ની પેદાશમાં કશું ના ભાળીએ બાપુ..!!”
થોડીકવાર મારી સામે જોઈને માણસ ફરી બોલ્યો;
“ઉંમર કાચી છે પણ વાતો તારી પાકી છે..!!”
આટલું બોલી ફરી થોડુંક કશુંક વિચારીને ફરી બોલ્યો;
“મારી તો આ આયખાની આખી સિઝન એ નિંદામણને સાફ કરતાં-કરતાં નીકળી ગઈ અને છેલ્લે પાક ના ભાળુ ને ત્યારે, ખુદની નજરમાં ઉતરી પડું છું…પણ, આ બધું કહેવું કોને જઈને..!!?”
આટલું બોલી પોતે વાત શરૂ કરી,
બાર ગામના પરાંગણા વચ્ચે મારા બાપને હડસેલી કાઢેલો ત્યારે, મનોમન હાથમાં જળ લઈ નિશ્ચય કરેલો બાજુના ગામનું પાણી નહિ પીઉં જ્યાં સુધી એનું સમ્માન પાછું ના મેળવી લઉં.
ત્યારે, હું નાનો હતો પણ મજબૂત મનોબળમાં મારા બે ભાઈ હતા.
સમય જતાં પરિસ્થિતિઓએ એવો વળાંક લીધો કે મજબુર થઈને મારે એ ગામમાં લગન કરવા હામી ભરવી પડી.
“સાંભળજે હો આ બધું બદલાની આગમાં જ..!!”
“હા, સાંભળું છું બાપુ..!!”
બદલાની આગમાં જીંદગીઓ હોમવા સુધ્ધાનો વિચાર ના કર્યો મેં અને સામે પક્ષે સમય જતાં ફરી એ વાત નીકળતાં મારી બેનને એમણે કાઢી મૂકી
મેં પણ અહીંયાંથી એમની બહેનને ગર્ભવતી હતીને હડસેલી.
આ નિલેશ નો જન્મ ત્યાંનો છે અને ત્રણ વર્ષ એના મામાને ત્યાં જ મોટો થયેલો છે
“હા ઓળખું છું નીલેશભાઈને..!!”
એકદિવસ અચાનક જ વાવડ મળ્યા એ લોકો એમની બહેનને મોકલવા તૈયાર છે સામે પક્ષે મેં પણ મારી બહેનને મોકલવાની તૈયારી બતાવી.
અને બદલાની આગમાં એ લોકોએ મારી બહેન નોભો ગ લીધો
અને અહીંયા મેં નિલેશની મા નો…
આટલું સાંભળી હું ડઘાઈ ગયો કે, આવી’ય જિંદગી હોય છે અને આવા’ય બદલ હોય છે જરીક ગુસ્સામાં
“શુ મળ્યું બાપુ તમને..!!”
કશું જ ના બોલ્યો માણસ
હું તો એય ભૂલી ગયો કે આવા ખૂં ખાર માણસ જોડે હું ગુસ્સામાં વાત કરું છું
“બદલો લઈને મળી ગઈ શાંતિ…!!”
“હા ત્યારે મળેલી પણ, નિલેશ સામે જોઇને મેં જીવવાનું નક્કી કર્યું બાકી એની મા મને કાંઈ દવલી નહોતી..!!”
મારી બેન ખોઈ મેં અને એની ભાભીને પણ….
આટલું બોલીને માણસ ડુસકા સાથે શાંત થયો.
આખો સમાજ જ એક ઉપ દ્રવ છે જે તમારા ખૂલતાં મગજને જકડવાનું કામ કરે છે બાકી શુ પુરુષ જ ઈજ્જતનો ઠેકેદાર છે..!?
એ ના રડી શકે ક્યાંય કોઈની સામે…!!?
યાદ આવે છે આવા તહેવારોમાં બદલામાં ભોંકાઈ ગયેલી બે ઘરોની રાખડીઓ ત્યારે નહેર આવીને બેસું છું
હાથને ટેકે ઘૂંટણ ટેકવી ઉઠવાનું કર્યું ત્યાં હું;
“બાપુ જરા સંભાળીને..!!”
“હવે સંભાળી લીધું બેટા..!!”
હું એ ચાલતા જતા માણસને છેક દેખાય ત્યાં સુધી નજરોમાં ભરતો રહ્યો અને મનોમન વિચારતો રહ્યો જેમણે પોતાના સ્વજન ખોયા છે એ કેવી દશામાં હશે
ભલે આ બાપુની જેમ નહિ પણ ક્યારેક જાણે-અજાણે દુઃખ આપીને આપણે એમને એ તરફ ધકેલતા હોઈએ છીએ.
“નિંદામણ છે તો એને સાફ કરી પાકની લ્હાણી કરીએ”
(મારી કલ્પનાઓમાંથી)
-“રાહી”
Aiden Davies
(સાભાર પઠાન યુસુફખાન, ગ્રામીણ જીવન ગ્રુપ)