થાળીમાં બાફેલી દુધીનું શાક જોઈને સાસુ બોલી મારે નથી ખાવું, તો વહુ બોલી ખાવું જ પડશે, જાણો પછી શું થયું

0
4481

નેહાનું પુરુ ધ્યાન આજે ફોન પર હતું. તેણીએ ઘડિયાળમાં જોયું તો પોતાના દીકરાને શાળાએથી લાવવાનો સમય થઈ ગયો હતો.

એવામાં ફોન વાગ્યો. જોયું તો સસરાનો ફોન હતો. ફોન ઉપાડતા જ નેહાએ પૂછ્યું : પપ્પા, ઓપરેશન થઈ ગયું?

સસરા : ના દીકરી, હવે તું અહીં આવી જા, સંજુ (નેહાના પતિ) ને તને લેવા માટે મોકલ્યો છે.

નેહાની સાસુનું આંખનું ઓપરેશન કરાવવાનું હતું, પરંતુ સુગર લેવલ વધારે હોવાને કારણે બે વાર ઓપરેશન થિયેટરમાંથી પાછા ફરવું પડ્યું હતું.

નેહાએ પોતાના દીકરાની 7 દિવસની રજાની અરજી લખી અને જેવાની તૈયારી કરવા લાગી.

સાંજે સંજુ આવ્યા, રાત સુધીમાં એ લોકો હોસ્પિટલ પહોંચી ગયા.

સવારે સાસુને નાસ્તો આપ્યા બાદ નેહાએ કહ્યું, ચાલો મમ્મી મંદિરે જઈએ.

સાસુ : મારે નથી આવવું.

નેહા : પણ મારે તો જવું છે.

સાસુ : તો તું જા.

નેહા : મને રસ્તો ખબર નથી.

સાસુ : વાતો ન બનાવ, જા સંજુના પપ્પા જઈ રહ્યા છે તેમની સાથે જા.

નેહા : ના મારે તમારી સાથે જ જવું છે.

સાસુ : શું પ્રોબ્લેમ છે… અને પછી મોઢું બગાડીને ઉભા થયા અને જવા માટે તૈયાર થયાં.

બપોરે થાળીમાં બાફેલી દુધીનું શાક જોઈને સાસુ ગુસ્સે થઈ ગઈ.

મારે નથી ખાવું આ શાક.

નેહા : કેમ નથી ખાવું? ખાવું જ પડશે અને એક ટુકડો પણ બાકી રાખ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય.

સાસુ (પોતાના પતિને) : આ આફતને શું કામ બોલાવી?

સાસુએ જેમ-તેમ કરીને ખાવાનું પૂરું કર્યું. અને ઊંઘવાની તૈયારી કરવા લાગ્યા.

નેહા : ક્યાં જાવ છો? ઊંઘવાનું નથી, પહેલા સામેના મેદાનમાં એક ચક્કર લગાવી આવો.

સાસુ : તારાથી થાય એ કરી લે પણ હું ચાલવા નથી જવાની. મને ઊંઘ આવી રહી છે, પછી ઉઠીને જઈશ.

નેહા : સારુ, જ્યાં સુધી તમે ચાલવા નહિ જાવ ત્યાં સુધી હું ભોજન નહિ કરું.

સાસુએ પોતાનું માથું પકડ્યું અને સસરા હળવેથી હસવા લાગ્યા.

સાંજે નેહા સુકા કપડા કબાટમાં ગોઠવી રહી હતી ત્યારે જોયું કે તેના સાસુ દેખાતા નથી. તે સીધી રસોડામાં ગઈ.

ત્યાં સાસુને જોઇને ઠપકો આપતા બોલી : લાડુ પાછો મુકો. મેં કહ્યું પાછો મૂકી દો.

અવાજ સાંભળીને સસરા ત્યાં આવી ગયા.

નેહા (પોતાના સસરાને) : પપ્પા, આ બધા લાડુ બહાર રમતા બાળકોને આપી દો. ન રહેશે વાંસ અને ન વાગશે વાંસળી.

સાસુ બબડવા લાગ્યા : હું આની સાસુ છું કે એ મારી સાસુ છે.

સસરા બોલ્યા : તારી માં છે જે તારી વહુ બનીને પાછી આવી છે અને હસતા હસતા લાડુ લઈને જતા રહ્યા.

પાંચ દિવસ પછી કોઈ પણ જાતની સમસ્યા વગર સારી રીતે ઓપરેશન થઈ ગયું.

(સમજાય તેને અભિનંદન, બાકીનાને વંદન.)