એક બહાદુર છોકરી માટે વ્યક્તિએ જે કર્યું તેની સ્ટોરી આપણને ઘણી પ્રેરણા આપી શકે છે.

0
783

લઘુકથા – બહાદુરીનું ઈનામ :

ગલેથી માવો લઈ બેય ભાઈબંધ બાંકડીએ બેઠા, સારી પેઠે ચોળીને અડધો અડધો મોંમાં નાખ્યો…

“દેવલા.. તું છોકરી જોવા ગયો હતો.. તેનું શું થયું?“ મનિયાએ પુછ્યું.. મનિયા ઉર્ફે મનિશને રેડીમેઈડ કપડાની દુકાન. દેવલો ઉર્ફે દેવેન એન્જીનીયર થઈ હમણાં જ કંપનીમાં લાગ્યો હતો.

“ના જામ્યું…” દેવલાએ કહ્યું.

“કેમ.. તેં બતાવ્યો એ ફોટામાં તો સરસ દેખાતી હતી.”

“મનિયા.. દેખાવમાં તો ફોટા કરતા ય સારી હતી. પણ એવી કતડ.. કે એ જ્યાં જશે તે એક મહિનામાં જીવન ટૂંકાવશે.”

મનિયો હસ્યો.. “કંઈક માંડીને પુરી વાત તો કર.”

દેવલે કહેવા માંડ્યું..

“એ છોકરીના મામા મારા ફુઆના મહેતાજી છે. તેના મારફત ગોઠવ્યું હતું. હું તેની સાથે જોવા ગયો. ચા નાસ્તો પત્યા પછી અમે બેયે અડધો અડધો માવો ખાધો. પછી ઈશારામાં મને પુછ્યું.. એટલે મેં હા કહી ને વાત કરવાનું કહ્યું. અમને બીજા રુમમાં બેસાડ્યા.”

હું કાંઈ પુછું એ પહેલા તો એ ચોંટી પડી.

“તમે માવા ખાવ છો?“

મેં કહ્યું.. “દિવસમાં ખાલી ત્રણ-ચાર.”

“એનાથી શું ફાયદો?“

“કામમાં કંટાળો ચડે કે થાક લાગે.. તો ફ્રેશ થઈ જવાય.”

“તો તમારા મમ્મી રસોઈ કરતાં કંટાળે .. ત્યારે બે દાણા લેતા હશે.. નહીં?“

“જુઓ ભાઈ.. હું નિર્વ્યસની ને મને સમજે એવા પુરુષની પત્ની બનવા માંગું છું. આખો દિવસ માવા ચાવીને જ્યાં ત્યાં થુંકતા ગધેડાની નહીં.”

“બોલ મનિયા.. આવી આપણને પોષાય?“

ને બીજી ઘણી વાતો બે યે કરી.

સોડા પીવા આવેલ ધીરુભાઈને વાતમાં રસ પડ્યો, એટલે જરા છેટે રહીને બધી વાત સાંભળી. એને સમજાણું કે પોતાના દુરના સગા મનુભાઈની દિકરી બાબતની વાત છે. સારા નરસા પ્રસંગે તેમને આવરો જાવરો પણ હતો.

રવિવારે સવારે નાસ્તો કરતાં ધીરુભાઈએ કહ્યું.. “કિરણ.. તું જરા જલ્દી તૈયાર થાજે. આપણે એક બહાદુર છોકરીને શાબાશી આપવા જવાનું છે. ને એ હા પાડે તો આપણી શાળામાં શિક્ષિકા તરીકે લાવવી છે.”

ધીરુભાઈ ખાનગી શાળા ચલાવતા. પુત્રવધૂ કિરણ સસરાના કામમાં મદદ કરતી.

“પપ્પા.. કંઈક સરખું કહોને…” કિરણ બોલી.

ધીરુભાઈએ પાનને ગલે સાંભળેલી વાત વિગતવાર કરી. બધા બહુ હસ્યા.

ધીરુભાઈ અને કિરણ મનુભાઈને ઘરે ગયા. સામાન્ય વાતો પછી મનુભાઈએ કામકાજ પુછ્યું.

ધીરુભાઈએ કહ્યું.. ”હું તો આ બહાદુર છોકરીને શાબાશી આપવા આવ્યો છું. ને ઈચ્છા હોય તો મારે શિક્ષિકાની જરુર પણ છે.”

મનુભાઈ બોલ્યા.. ”શું કહું ભાઈ.. આ બહુ આકરી ને આખાબોલી છે. માવાવાળા સાથે તેને તો વાતેય કરવી નહોતી. બહુ સમજાવી ત્યારે ગઈ.“

કિરણ બોલી.. “પપ્પા.. ઠાલી શાબાશી ના ચાલે.. હું એક પર્સ લાવી છું.. મારા તરફથી એને ઈનામ..”

જતાં જતાં કિરણે કહ્યું..

“કાલે સવારે સાડાસાતે નિશાળે પહોંચી જવાનું છે.. હો..”

– જયંતીલાલ ચૌહાણ ૧૪-૧૦-૨૦

(ફોટા પ્રતીકાત્મક છે)