‘બૈરાની બુદ્ધિ પગની પાનીમાં’ આ માન્યતા સાવ ખોટી સાબિત કરે છે આ સ્ટોરી, વાંચજો જરૂર.

0
958

કુંદાનું સાસરુ :

– અશ્વિન રાવલ

કુંદા પરણીને સાસરે આવી ત્યારે પહેલા આણે તો મહેમાનોની ભરી ભરી હાજરીમાં સાસરિયું સોહામણું લાગ્યું.

બીજી વાર તો માત્ર ત્રણ દિવસ માટે એક નજીકના સગા ના લગ્ન પ્રસંગે મહાલવા આવેલી એટલે દિવસો આનંદમાં પસાર થયેલા. પણ ત્રીજી વાર જ્યારે ખાસ્સી મહિના જેવી રોકાઈ ત્યારે સાસરિયાની સોહામણી માન્યતા બદલવાની તેને જરૂર લાગી.

સાસરિયામાં આમ તો ઝાઝા માણસો નહોતા. એક તો એનો પતિ વિવેક, બીજા એના વિધુર સસરા સુમનલાલ તથા ત્રીજી નાની નણદી કેતકી.

ત્રણ જ માણસોનું એ કુટુંબ પૈસે ટકે પણ સંપન્ન હતું. ઘરમાં એક જૂની ગાડી પણ હતી અને વર્ષો જૂનો એક નોકર પણ હતો જે વધારામાં રસોઈનું પણ સંભાળતો. વિવેક તરફથી એને કોઈ જ ફરિયાદ નહોતી તો બીજી બાજુ સુમનલાલ પણ દીકરી કરતા વધારે હેત વરસાવતા.

પણ જે વાત કુંદા ને અકળાવતી હતી, એ હતી પિતા-પુત્ર વચ્ચે ના ઝઘડાની વાત. જો કે એ વાત ને કુંદા ઝઘડો કહી શકે એમ પણ નહોતી. કારણકે ઝઘડામાં બેઉ પક્ષે થોડી ગરમા ગરમી થાય, જ્યારે અહીં તો માત્ર એના સસરાનો ક્રોધ ભભૂકી ઉઠતો જ્યારે વિવેક સાવ ઠંડા કલેજે પિતાનો ઠપકો સાંભળી લેતો. એક અક્ષર પણ બોલતો નહીં અને આ જ વાત કુંદાને અકળાવતી.

આજની પેઢીના ભરયુવાન દીકરાને સુમનલાલ આવું બેફામ બોલે ત્યારે દીકરાની વહુ તરીકે કુંદાનુ દિલ દુભાય એમાં કોઈ જ આશ્ચર્ય નહોતું. હજુ ગઈકાલે જ એક વાત ઉપર એના સસરા ભયંકર ઉકળી ઉઠ્યા હતા.

બન્યું એવું કે ગઈકાલે બપોરે વિવેક નો ખાસ મિત્ર જયેશ આવ્યો હતો. જયેશ આમ તો વિવેક નો અંતરંગ મિત્ર હતો અને આ ઘરમાં એની આવન-જાવન પણ સારા પ્રમાણમાં હતી. કોઈપણ મહત્વની બાબતમાં જયેશ નો નિર્ણય અફર ગણાતો. જયેશનું આ ઘરમાં માન પણ સારું હતું.

જયેશે સુમનલાલ સાથે એકાંતમાં લગભગ અડધા કલાક જેટલી વાતો કરી હતી અને ત્યારથી સસરા નું મગજ છટકી ગયું હતું.

જેવો વિવેકે ઘરમાં પગ મૂક્યો કે તરત સુમનલાલે એને પડકાર્યો.

“ક્યાં ગયો હતો વિવેક આજે તું ?”

વિવેકે સોફા ઉપર બેઠક લીધી પણ એણે પપ્પાને કોઈ જવાબ ન આપ્યો.

“તેં મારી વાતનો જવાબ ના આપ્યો વિવેક. હવે ખરેખર હદ થાય છે. તું જો અમને બધાને આ રીતે અંધારામાં રાખવા માગતો હોય તો હવે તું તારુ પોતાનું ઘર વસાવી લે. મારા ઘરમાં આ બધું નહીં ચાલે.”

અને એ પછી પણ ચર્ચા લાંબી ચાલત પણ અચાનક કુંદા રસોડામાંથી બહાર આવી એટલે સુમનલાલ ઠંડા પડી ગયા. પરંતુ કુંદાએ આ વાતનો તંત ના મૂક્યો.

રાત્રે કુંદા એ એના પતિ આગળ એ જ વાત છેડી. “તમે પપ્પાજીની એક પણ વાતનો જવાબ આપતા નથી પણ મને એ પસંદ નથી. અત્યાર સુધી તો ગમેતેમ ચાલ્યું પણ હવે તો તમે પરણેલ વ્યક્તિ છો. પપ્પાજી તમને ગમે તેમ બોલે એ મારાથી કેમ સહન થાય? તમારી આવી માનહાનિ મારાથી જોવાતી નથી. દીકરો મોટો થાય ત્યારે વડીલોએ અમુક મર્યાદા વાતચીતમાં રાખવી જોઈએ એમ હું માનું છું.”

ત્યારે પણ વિવેકે એ જ સ્મિત વેરી ઠંડા કલેજે વાતને ટૂંકાવી દીધી.

“કુંદા, વડીલો નું કામ ઠપકો આપવાનું છે. આપણે માત્ર સાંભળી લેવાનું. જવાબ નહીં આપવાનો. પપ્પા નો ગુસ્સો ક્ષણિક હોય છે. મનમાં મારા માટે ખૂબ લાગણી છે. નવું નવું છે એટલે તને થોડું વિચિત્ર લાગતું હશે પણ પછી તું પણ ટેવાઈ જશે. ચાલ હવે બીજી વાત કર. કાલે રવિવાર છે, આપણે શું પ્રોગ્રામ બનાવીશું?”

” કેમ કાલે તમારે સુરત જવાનું નથી?”

” અરે હા, સાલું આ ધંધા ના લફરા ઓછા છે? પણ કંઈ નહીં. હું જયેશને આ કામ સોંપી દઈશ એક સોદો પતાવવાનો છે એટલે એ જશે તો પણ ચાલશે. મારા ધંધાની ઘણી જવાબદારી એક મિત્ર તરીકે એ પણ સંભાળે છે”

” ના સુરત તમારે જવાનું છે. પૈસાની બાબતમાં બહુ ભોળા બનવું ઠીક નહીં. જયેશભાઇ ને હું ઓળખું છું સારા માણસ છે એની ના નહીં પણ પૈસાની ડીલ તમારે પોતે જ કરવું જોઈએ. જશો ને?”

” ઠીક ભાઈ. ભલે હું જઈ આવીશ ”

અને એ રીતે મૂળ વાત ઉપર તે દિવસે તો પરદો પડી ગયો પણ કુંદાના દિલને ચેન પડ્યું નહીં. કોઈ વાત એવી જરૂર હતી જે વિવેક ટાળતો હતો.

બીજા દિવસે વિવેકની ગેરહાજરીમાં આ બાબત અંગે સસરા સાથે સીધી જ વાત કરી લેવી એવો નિર્ણય કુંદાએ કર્યો અને એ તક એને મળી પણ ખરી.

બપોરે ચાનો કપ આપવા સુમનલાલ ના બેડરૂમ માં ગઈ ત્યારે ચાના કપની સાથે મન માં રમતી વાત પણ સસરા ની આગળ મૂકી દીધી.

” પપ્પાજી હું તમારી સાથે કેટલીક પેટછૂટી વાત કરવા માંગુ છું” ક્ષણભર સુમનલાલ ના હાથમાં પકડેલો કપ ધ્રૂજ્યો પણ બીજી જ ક્ષણે એમણે જાત ઉપર કાબુ મેળવી લીધો.

” કહે બેટા, જરાય સંકોચ રાખીશ નહીં. વિવેક તરફથી કંઈ અન્યાય થતો હોય તો પણ મને કહી શકે છે.”

“ના એવું હોત તો મેં જાતે જ એ અંગે નિર્ણય લઈ લીધો હોત. પણ આ તો એક બીજી જ વાત છે ”

” હમ્, બેસીને જ નિરાંતે વાત કર ”

” પપ્પાજી તમે તો જાણો જ છો ગુજરાતી માં એક કહેવત છે કે – ભાભોજી ભારમાં તો વહુ લાજમાં – તમે જ્યારે કેટલીક મર્યાદા તોડો ત્યારે મારે આજે મારી મર્યાદા ઓળંગી તમારી સામે મોં ખોલવું પડે છે. માફ કરજો પણ એમને મારા દેખતાં દરરોજ જે રીતે તમે હડધૂત કરો છો એ મારાથી સહન થતું નથી. તમારા આ ગુસ્સા ની પાછળ કોઈ ચોક્કસ કારણ ખરું કે જે હું ના જાણતી હોઉં?”

” કારણ તો બેટા એવું છે કે આમ જોવા જઈએ તો ખાસ કંઈ નથી ને આમ જોવા જઈએ તો ઘણું ગંભીર છે.”

” પપ્પાજી, આશા રાખું છું કે તમે મને સાચી ને સ્પષ્ટ વાત જ કરશો. હું પણ તમારી દીકરી જ છું. એવી કોઈ પણ વાત હશે તો હું પોતે એમને સમજાવીશ પણ ઘરમાં ક્લેશ કંકાસ જોવા હું ટેવાયેલી નથી. સોરી ”

” કુંદા એવી કોઈ વાત નથી. હોય એ તો ક્યારેક માણસ ભૂલ પણ કરે છતાં હવે તો એ સુધરી ગયો છે. ઘણો સુધરી ગયો છે. ના ના હવે તો એવી કોઇ જ વાત નથી. આ તો આજકાલ વિવેક ધંધામાં બરાબર ધ્યાન નથી આપતો અને આ ઉંમરે જો હાડકું ના નમે તો પછી આખી જિંદગી બેઠાખઉં બની જવાય અને …”

” પપ્પાજી..” કુંદાએ વાતને અધવચ્ચે જ કાપી ” કાલે જયેશભાઈ આવ્યા હતા. હું માનું છું એમણે કંઈક એવી વાત કહેલી જેનાથી તમે કાલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા ”

” ના બેટા, જયેશ તો અવારનવાર આવતોજ હોય છે”.

” પપ્પાજી તમારા દીકરા કોઈના પ્રેમમાં તો નથી ને? ”

” ના કુંદા આ તું શું બોલે છે? બેટા, એવી કોઈ જ વાત નથી”

” છે પપ્પાજી એવી જ વાત છે. જયેશભાઈ જ્યારે પણ આવે છે ત્યારે તમને એવી જ કોઈ વાત કરી જાય છે અને તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. તમારા ચહેરા ને વાંચવાની મારા માં આવડત છે. જે પણ હોય પ્લીઝ તમે મને તમારી મુંઝવણ કહો. હું એવા માયકાંગલા દિલની નથી. આ પ્રશ્નનો નિવેડો બહુ જલ્દીથી લાવી દઈશ. મને મારી રીતે નિર્ણય લેવા દો. મને દુઃખ માત્ર એક જ વાતનું છે કે વિવેક મને ઓળખી શક્યા નથી.”

“હવે પ્લીઝ પપ્પા જે પણ સત્ય હોય તે મને કહો ” ફરી પાછી એણે પપ્પાની નજર સામે નજર મિલાવી.

” બેટા તું એવી કોઈ ગેર સમજ ના કરતી. ધ્યાનથી મારી વાત સાંભળ. તારા લગ્ન પહેલા વિવેક મનીષા ના પ્રેમમાં હતો. મનીષા મને પહેલેથી જ નથી ગમતી. એ મારા ઘરની લક્ષ્મી બનીને આવે એ મને પસંદ નહોતું. મેં વિવેકને ઘણો સમજાવ્યો પણ એણે મારી વાત માની નહીં એટલે મેં વિવેકના કોઈ સારા પાત્ર સાથે લગ્ન કરી દેવા એવો નિર્ણય લીધો. મનીષા ને છોડી એ બીજે પરણવા તૈયાર ન થાય એ પણ મને ખબર હતી. પણ તને જોયા પછી મને લાગ્યું કે વિવેક ચોક્કસ લગ્ન માટે હા પાડશે અને બન્યું પણ એમ જ. તારો ફોટોગ્રાફ જોયા પછી એ મીટીંગ માટે તરત તૈયાર થયો. અને તને રૂબરૂ મળ્યા પછી લગ્નની સંમતિ પણ આપી.” અને સુમનલાલે કપમાં ની ચા પૂરી કરી.

” જો કે મેં માની લીધું કે હવે લગ્ન પછી એ મનીષાને ભૂલી જશે. મનીષા પાછળ એણે ઘણા પૈસા બરબાદ કર્યા છે. એ છોકરી માત્ર પૈસાની જ લાલચુ છે. મને છેલ્લા કેટલાક દિવસોથી એવી માહિતી મળે છે કે વિવેક હજુ પણ મનીષાને મળે છે. કાલે જયેશ સાથે વાત થયા પછી મને તારા ભાવિની ચિંતા થઈ. માત્ર તારા કારણે જ હું એના ઉપર આટલો ગુસ્સે થાઉં છું. પણ કંઈ નહીં બેટા, એ સુધરવા ન માગતો હોય તો મારી બધી મિલકત હું તારા નામ ઉપર કરી દઈશ. બેંક નાં તમામ ખાતાં માં તારું નામ એડ કરી દઈશ ”

” ના પપ્પા એવું નહીં થાય. એમણે બે માંથી એકની પસંદગી કરવી જ પડશે. કાં તો મનીષા કાં તો હું. માનવીએ નિર્ણયાત્મક બનવું જ જોઈએ. એમના વચ્ચે સાચો પ્રેમ હશે તો હું વચ્ચેથી ખસી જઈશ. પણ એ પહેલા મારે મારી રીતે તપાસ કરવી પડશે. હવે જ મારી અગ્નિ પરીક્ષા શરૂ થાય છે. પપ્પાજી એક પ્રશ્ન પૂછું? ”

” પૂછ ને બેટા. હવે તારાથી ક્યાં કંઈ છાનું છે? તારા જેવા હીરા ને છોડી એ ભૂંડો કાચને મોહી પડ્યો છે પણ કાચ કદી હીરાની તોલે ના જ આવે.”

” પપ્પાજી આ મનીષા કોણ છે? ક્યાં રહે છે? મને એનું એડ્રેસ મળી શકે? ”

” અરે બેટા આ મનીષા જયેશની જ નાની બેન છે. અને તે તો એને તારા લગ્નમાં જયેશની સાથે જોઈ પણ છે. આપણા ઘરે પણ એક વાર આવીને તને મળી ગઈ છે. જયેશ તો બિચારો એને ઘણું સમજાવે છે પણ એ જ વિવેકને છોડવા માંગતી નથી ”

” હમ્.” .. કુંદા ના ચહેરા ઉપર કોઈ ગણત્રીઓ ની કરચલીઓ પડવા માંડી અને ધીમે ધીમે એની તીવ્ર બુદ્ધિમાં ચમકારો થયો. આખી વાત એને વ્યવસ્થિત સમજાઈ ગઈ.

” પપ્પાજી, આ જયેશભાઈ શું ધંધો કરે છે?” થોડીક વાર વિચારી કુંદા એ સસરા ને પ્રશ્ન કર્યો.

” ખાસ કંઈ નહિ બેટા. એ શેરબજારનું કંઈ ને કંઈ કર્યા કરતો હોય છે અને થોડા ઘણા પૈસા કમાઈ લે છે. બાકી તો રમતા રામ જેવું એનું જીવન છે. ક્યારેક આપણી ઓફિસમાં પણ બેસે છે ”

અને એકાદ કલાક પછી જયેશના મોબાઈલની રીંગ વાગી

” હલો. જયેશભાઈ હું કુંદા બોલું છું. મારે તમને થોડા અંગત કામે મળવું છે…. હા આજે જ… અત્યારે જો ફાવે તો અત્યારે… તો ઘરે તમે એકલા જ છો? સરસ, તો હું હમણાં જ તમારા ઘરે આવવા નીકળું છું. તમારું એડ્રેસ મને લખાવી દો.”

અને પરણ્યા પછી પહેલીવાર કુંદાએ જયેશ ના ઘરે પગ મૂક્યો.

” આવો આવો ભાભી. આજે તો તમે આશ્ચર્યો ની પરંપરા સર્જી છે. વિવેકને કેટલી બધી વાર આમંત્રણ આપી ચૂક્યો છું કે ભાઈ તું સજોડે એક વાર મારા ઘરે પધરામણી તો કર? પણ એને ધંધા માં ફુરસદ જ ક્યાં હોય છે?”

” કામની વાત ઉપર આવું જયેશભાઈ. મારી પાસે સમય પણ ઓછો છે “.. કહેતા કુંદાએ ફ્લેટમાં ચારે બાજુ નજર ફેરવી. મોંઘુ ફર્નિચર, ફ્રીજ, લેટેસ્ટ ટીવી, એસી, મોંઘો આઈફોન !! લગ્ન વખતે જયેશ પાસે હોન્ડા સિટી હતી. આજકાલ એ નવી સિઆઝ માં ફરતો હતો એની કુંદા ને ખબર હતી.

” હા પણ બેસો તો ખરા. બોલો શું લેશો? ઠંડુ કે ગરમ?”

” એ બધું પછી. આપણે પહેલા એક સોદો કરી લઈએ. ” કુંદા એ બેઠક લેતા જ વાત શરૂ કરી.

” સોદો? ”

” હા સોદો જયેશભાઈ.” કુંદા એ જયેશની નજરમાં નજર પરોવી વાત આગળ વધારી.

“જુઓ, હું તો એક ગરીબ ઘરમાંથી આવેલી સ્ત્રી છું એટલે મને શ્રીમંતાઈ નો ઝાઝો મોહ નથી. હું તો ટેવાયેલી છું અને વિવેક પણ ટેવાઈ જશે. બધા જ સુખો બધાને ક્યાં મળે છે? અમે ગરીબ થઈ જઈશું તો પણ સાથે બેસીને સુખે દુઃખે રોટલો ખાઈ લઈશું પણ આ ગરીબીમાં પણ મારે મારો વિવેક પાછો જોઈએ છે જયેશભાઈ. એના વગર હું જીવી નહીં શકું. સાચો પ્રેમ કોને કહેવાય એ હું તમને કે મનીષાને સમજાવી શકું એમ નથી. તમારે જોઈએ તો અમારી દોલત ના તમને હપ્તા બાંધી આપું પણ મનીષા ના ચક્કરમાંથી તમે એમને મુક્ત કરી દો. ” બોલતા બોલતા કુંદાની આંખમાં પાણી આવી ગયાં.

” જયેશભાઈ મને મારો વિવેક પાછો સોંપી દો. ભાભી આજે પહેલીવાર તમારે દરવાજે આવી છે. તમારી પાસે એનું સૌભાગ્ય પાછું માગે છે. એને નિરાશ ના કરતા. જિંદગીમાં આવી ખેરાત કરવાની તક ભાગ્યે જ કોઈને મળે છે .”

થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. થોડી ક્ષણોની ચૂપકીદી પછી જયેશ પાણીનો ગ્લાસ લઈ આવ્યો અને કુંદા ને આપ્યો અને વાત શરૂ કરી.

” ભાભી તમારી બુદ્ધિ અને તમારી હિંમતને હું દાદ આપું છું. ખરેખર વિવેક ખૂબ જ ભાગ્યશાળી છે કે એને તમારા જેવી પત્ની મળી. તમે આજે મને જીતી લીધો છે. હું તમને વચન આપું છું કે તમને તમારો વિવેક પાછો મળશે ભાભી. આજ સુધી મેં કોઈ સારું કામ કર્યું નથી અને વિવેકને ખંખેરવામાં મેં કંઈ પણ બાકી રાખ્યું નથી. વિવેક મારો મિત્ર છે. મારો ખૂબ આદર કરે છે પણ મેં એનો હંમેશા ગેરલાભ લીધો છે. મનીષાને એની સાથે પ્રેમ કરાવવામાં પણ મારો જ હાથ છે. ભાભી, એક વાત પૂછું ? ”

” હા પૂછી શકો છો જયેશભાઈ ”

” તમને અચાનક મારા ઉપર જ શંકા કેમ ગઈ? કારણકે વિવેક પણ આજ સુધી મને ઓળખી શક્યો નથી. ”

” કારણ સ્પષ્ટ છે જયેશભાઈ. સસરાનો વિવેક ઉપર સખત ગુસ્સો અને સસરાની બેચેની હું જોઈ શકતી નહોતી. સસરા પાસેથી આજે જાણી લીધું કે એ તમારી બહેન ના પ્રેમમાં છે. હવે જો તમે એમના ખરેખર સાચા મિત્ર હો તો મિત્રનું લગ્નજીવન બરબાદ ન થાય એના માટે કોઈપણ હિસાબે આ પ્રેમ સંબંધને આગળ વધવા ન જ દો. વિવેક તમારું ખૂબ રેસ્પેક્ટ કરે છે. લગ્ન પછી પણ એ તમારી જ બહેનના પ્રેમમાં ચાલુ રહે અને તમે એ ચાલવા દો અને ઉપરથી મારા સસરાને સતત ચિંતા માં રાખો તો એનો સીધો અર્થ એ જ થાય કે તમારી જ એમાં મુક સંમતિ છે કે પછી કોઈ મેલી મુરાદ છે. અને બસ… અત્યારે હું તમારા ઘરમાં છું ”

” તમે ચિંતા ન કરો ભાભી. જયેશ નો હવે તમે બીજો રંગ પણ જો જો. હવે તમારી જયેશ માટેની માન્યતા બદલાઈ જશે. જ્યાં સુધી તમારો સંસાર સોહામણો ના બને ત્યાં સુધી જયેશ તમારા ઘરે પગ પણ નહીં મૂકે અને મનીષા વિવેકને મળી પણ નહીં શકે. તમારા સંસારની સંપૂર્ણ જવાબદારી મારી. મને દિલથી માફ કરી દેજો ભાભી. હું આજે ખુબ જ શરમિંદો છું પણ તમે આજે મારી આંખ ખોલી દીધી છે. હવે તો ઠંડુ કે ગરમ કંઈક લેશો ને? ”

” થેન્ક્યુ સો મચ જયેશભાઈ, નો વર્ડ્સ. આજે એક સંતોષની લાગણી અનુભવું છું. તમારી દિલ થી ઋણી છું. બસ, હવે કંઈ પણ ઠંડું ચાલશે.”

અને કુંદા પિયર રહીને બે મહિના પછી ચોથી વાર જ્યારે ફરી સાસરે આવી ત્યારે તેણે અનુભવ્યું કે સાસરીયા અંગેની સોહામણી માન્યતા ફરી પાછી આળસ મરડીને સજીવન થઈ હતી.

– અશ્વિન રાવલ (અમદાવાદ)