“મારો રાજા બેટા” – બાળકોનો ઉછેર કરવા બાબતનો આ લેખ દરેક માતા પિતાએ ખાસ વાંચવા જેવો છે.

0
1401

મારો રાજા બેટા – દીકરો હોય કે દીકરી. આપણે સૌએ આ વાક્ય સાંભળ્યું પણ હશે અને પોતાના સંતાનોને કહ્યું પણ હશે.

“મારો રાજા બેટા” – આ શબ્દો છે, માતાપિતાના સંતાનો પર છલકતા વ્હાલના, પ્રેમ ના, પરવા, સ્નેહ, મમતા અને દરકારના. પણ આપણે આજે વાત કરવી છે, એક માત્રા પછીના આ મારા રાજા બેટા ની.

ગયા મહિને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક લેખ વાંચ્યો કે ઇંગ્લેન્ડ માં પોતાની દીકરીને ભણવા મોકલનાર એક પરિવારે, ત્યાંના લોકલ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી ૧૨ નોકરીની.

આપણા દેશના કોઈ ધનવાન માલેતુજારે, પોતાના સંતાનના વિદેશ અભ્યાસ સાથે, ૧૨ જણા ના સ્ટાફ ની જાહેરાત આપી, જેમાં રસોઈયો, ડ્રાઇવર, ધોબી, વાસણ અને સફાઈ એવા કુલ બાર સ્ટાફ, જેનો એક મહિના નો અદાજીત ખર્ચ લગભગ ૨૮ થી ૩૦ લાખ સહેજે થઈ જાય. આ ઘટના મીડિયા માં એવી ફેલાઈ કે ભારત ના સૌથી મોટા અખબાર ગ્રુપના એડિટોરીયલ લેખ માં પણ એની નોંધ લેવાઈ, એની ચર્ચા થઈ.

મુદ્દો એ પરિવાર ના વિલાસ કે વૈભવનો નથી. મારા મત પ્રમાણે, એ પરિવાર કદાચ એટલો સધ્ધર હશે કે પોતાના નામે એવી કોઈ યુનિવર્સિટી મહારાષ્ટ્ર કે ગુજરાતમાં શરૂ કરી દે. (કોઈ છાપા માં આ પરિવાર નું નામ કે અટક નથી, પણ મારી દ્દઢ માન્યતા છે, કે આ કામ કોઈ આપણા કચ્છી કે ગુજરાતી પરિવાર નું જ હોઈ શકે)

આપણે વાત કરવી છે, ઈંડા થી ઈયળ, ઈયળ થી કોશેટા અને અંતે એ કોશેટા થી એક પતંગિયા સુધી ની એક કુદરત, એ પરમ પિતા એ કરેલી ગોઠવણની. એક એવી ગોઠવણ, જેમાં પ્રભુએ એ ઈયળ ને ઈંડુ તોડી બહાર નીકળવાની, એ પતંગિયાને કોશેટુ તોડી જાતે બહાર નીકળવાની સમજ અને શક્તિ બન્ને આપ્યા છે. (વાત છે, કુદરતના એ અજાયબી સમા સેટઅપ માં આપણી દખલગીરી ની)

ગયે અઠવાડિયે જ વોટ્સ એપ પર એક ફોરવર્ડ આવ્યું, જેમાં વાત હતી, એક ચકલી ના બચ્ચાંને ઈંડામાંથી બહાર નીકળવામાં મદદ કરનાર બાળકની. અને પછી માતાપિતા બાળકને સમજાવે છે કે ચકલીના બચ્ચાંને તકલીફ ન પડે, એ માટે એને બહાર નીકળવામાં મદદ કરવાના બાળકના પ્રયાસમાં, એ ચકલીના બચ્ચાનો જીવ ચાલ્યો ગયો.

વ્હાલ ના આ અતિરેકના કારણો

૧) માતાપિતાની પોતાની અધૂરી ઈચ્છાઓ, મહેચ્છાઓ

દરેક માતાપિતા ના મગજમાં, બે વણલખાયેલા છતાં કોતરાયેલા નિયમ છે.

જે સુખ મને નથી મળ્યા, એ બધા મારા સંતાન ને આપું અને

જે દુઃખ મેં વેઠયા, એ મારા સંતાન ને સહેવા ન પડે

બસ આ બે નિયમોએ ઈશ્વરે ગોઠવેલી આખી સિસ્ટમ ની પથારી ફેરવી નાખી છે.

આપણે સૌ, લગભગ દરેકે દરેક મહદ અંશે Rags to Riches છીએ. આ લેખ વાંચનાર દરેક વ્યકિત પાસે પોતાની એક સંઘર્ષ કથા છે, અને સંતાનો પર કાળજીનો (કેર વર્તાવી) એને આવનાર જીવન માટે એને અસમર્થ બનાવી દીએ છીએ.

દરેક માતાપિતા ઈચ્છે કે જે સંઘર્ષ એણે કર્યો, એ સંઘર્ષ એના સંતાનોએ ન કરવો પડે.

દરેક બાપ, DDLJ ના અનુપમ ખેર ની જેમ પોતાના રાહુલ ને કહે કે અગર તારી જિંદગી જીવાઇ ગઈ હોય, તારા એશો આરામ થઈ ગયા હોય, તો જા અને હવે મારી જિંદગી, મારા એશો આરામ કરી આવ, જે હું મારી જવાબદારીઓને કારણે નહોતો કરી શક્યો.

બસ, અહીં જ શરૂ થાય છે દરેક તકલીફની.

ઈન્ટરનેટ પર વાંચ્યું છે કે જ્યારે માતા જીરાફ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે એ બચ્ચું લગભગ છ ફૂટ ઉંચાઈ થી નીચે પડે છે. (છતાં કદી સાંભળ્યું છે કે કોઈ બાળ જીરાફનું આમ પડવાથી મો તથયું હોય કે ઇવન ફેક્ચર પણ આવ્યું હોય)

ઈશ્વરે, એ પરમ પિતાએ દરેક જીવ માટે, કોઈ ને કોઈ જોગવાઈ કરી જ છે, કોઈ ગોઠવણ કરી જ છે.

એક ઈંડા અને પછી ટેડપોલ ને ક્યાં કલ્પના હોય કે એ દેડકો બની આટલા ઉંચા અને લાંબા કુદકા મારી શકશે કે લાંબી જીભ થી દુર બેઠેલા શિકારને ભક્ષી શકશે. પણ કોઈ સમજ, કે શિખામણ કે કોચિંગ કલાસ વગર, એ ઈંડુ તોડી ટેડપોલ બને છે અને ટેડપોલ થી દેડકા નો અવતાર બદલે છે

૨) બદલાતી કુટુંબ વ્યવસ્થા

વીતતા દાયકાઓ સાથે, આપણી કુટુંબ વ્યવસ્થા સદંતર અને સમૂળગી બદલાઈ ગઈ.

સંયુક્ત કુટુંબ ઓછા થયા અને ઘર માં વડીલો અને મોટાઓની સંખ્યા ઓછી થઈ. સંયુક્ત કુટુંબમાં જે લાડ કોડ કે જે નિયમ, એક ભાઈ ના સંતાનો માટે હોય, એ ઓટોમેટિક અન્ય ભાઈઓના સંતાનોને લાગુ પડતા. વળી, કોઈ ખોટા ખર્ચા, ખોટા લાડ પ્યાર સામે અન્ય વડીલ કે મોટા ભાઈની હળવી ટકોર પણ નાના ભાઈ ને એવા પેમ્પરિંગ થી દુર રાખતી. વિભક્ત કુટુંબ ના ચલણ અને વલણ સાથે ખોટા લાડકોડ, કારણ વિનાના પેમ્પરિંગ વધી ગયા.

હમ દો હમારા એક ના ધોરણે, જે લાડ કોડ, જે સાહ્યબી, પહેલા ચાર સંતાનોમાં વહેંચાતી, એ હવે એક કે બે સંતાનો માં વહેંચાવા લાગી. ચાર સંતાનો ને નોકિયા નો ફોન ન આપો શકતા માતાપિતા, હવે એક કે બે સંતાન માટે આઇફોન પણ ખરીદીને ન્યોછાવર કરી શકે.

૩) બદલાતી શિક્ષણ વ્યવસ્થા

એક આપણો જમાનો હતો, જયારે, સોટી વાગે સમ સમ વિદ્યા આવે. . . .

આપણા જમાના માં, પ્રિન્સિપલ તો શું, અગર કલાસ ટીચર કે ઓફિસનો ફી લેવા વાળો કલર્ક પણ માતાપિતાને સ્કૂલમાં લઇ આવવાનું કહે તો માતાપિતા પહેલા આપણને ફાળ પડે.

સ્કૂલ માં કોઈ ટીચર કે અન્ય વિદ્યાર્થીનો માર ખાઈ આવ્યા હો અને ત્યારે આપણી કોઈ વાત સાંભળતા પહેલાં, એક ચમાટ પડે અને પછી આપણી વાત સાંભળવામાં આવે. (એ સમય હતો જ્યારે, દરેક માતાપિતા, એ વાત જાણતા અને સમજતા હતા, કે તાળી એક હાથે ન વાગે. આપણો કોઈક દોષ તો હશે જ)

અને આજનો જમાનો. ક્યાંક કોઈ સ્કૂલ માં વિદ્યાર્થી ને ઉઠક બેઠક કરાવી કે શિક્ષકે વિધાર્થી ના કાન આમળ્યા ને ગુજરાતી અને અંગ્રેજી અડધિયા છાપાં ની આખી ફોજ, માનવ અધિકાર ના ભંગ ની રીતસર ની મોહિમ ચલાવે.

(મને યાદ છે, અમારી શાળા માં કોઈ મિલિટરીમાં થી રીટાયર શિક્ષક આવ્યા હતા અને કોઈ હોમવર્ક ન કરવાના ના કારણ સર, આખા કલાસ ને એટલી ઉઠકબેઠક કરાવી હતી, કે બીજા દિવસે, તેલ માલિશ કર્યા પછી, પણ અમે કેટલાય વિદ્યાર્થી પલંગમાં થી ઉભા નહોતા થઈ શક્યા. પણ આ વાતની, કોઈ નોંધ ન તો સ્થાનિક કોર્પોરેટર કે ગુજરાતી અડધિયા એ લીધી. ન કોઈ એ અમારો કે અમારા માતાપિતાનો ટીવી પર ઇન્ટરવ્યુ લીધો. ન અમે કોઈ એ આ વાત ફેસબુક, ટ્વિટર પર મૂકી. ન કોઈ ત્રાહિત, ત્રસ્ત વિધાર્થી નો વીડિયો, વોટ્સ એપ ગ્રુપ પર ફોરવર્ડ થયો)

હા. માન્યું કે ક્યારેક કોઈ અપવાદ રૂપ કિસ્સામાં કોઈ શિક્ષક વધારે સખત હોઈ શકે, પણ રોજ સવારે, છાપાની હેડલાઈન બનવાનો કોઈ સ્કૂલ ને ધખારો ન હોય. ને બસ હવે એ સોટી, માત્ર ગુજરાતી કવિતામાં રહી ગઈ.

પેમ્પરિંગ ના અતિરેક માં, આ ભૂલકાંઓ ના ભવિષ્ય નું ટેમ્પરિંગ થઈ ગયું. મારા રાજા બેટા પર કોઈ શિક્ષક હાથ કેવી રીતે ઉગામે, એના નકલ્સ પર કોઈ ફૂટપટી કેવી રીતે મારે. મારા રાજા બેટા ને એક આખો પિરિયડ ક્લાસની બહાર કેવી રીતે ઉભો રાખ્યો. (કૂકડો બનાવવાની તો વાત જ દૂર રહી) અને છેવટે, ઘરમાં થતી પેમ્પરીગ સ્કૂલ વાળાઓએ નછૂટકે અપનાવી પડી.

૪) ટેકનોલોજી

ટેકનોલોજી આમ તો વરદાન, પણ અતિ તો કોઈ વસ્તુ ની સારી નહીં. બસ એ જ ધોરણે, ટેકનોલોજી ની અતિ થી નવી પેઢી ની મતિ બદલાઈ ગઈ.

કાઉચ પોટેટો ની જેમ, સોફામાં પડ્યા પાથર્યા રહેતા નવી પેઢી ના ફરજંદ, શારીરિક અને માનસિક રીતે નબળા થતા જઈ રહ્યા છે. આજની પેઢીનો ઓક્સિજન સ્ક્રીન છે. મોબાઈલ સ્ક્રીન થી આઇપેડ સ્ક્રીન, આઇપેડ સ્ક્રીન થી ટીવી સ્ક્રીન. જો સ્ક્રીન સામે ન હોય, તો વિના ઓક્સિજનની જેમ તરત તરફડીયા મારે એવી આજ ની નવી પેઢી.

મેં મારી પચીસ વરસની ઉંમરે, પહેલી વાર પોતાનું પેજર લીધું હતું, ત્યાં મારા બાળકે, જન્મવાના એક અઠવાડિયામાં મોબાઇલની રીગ સાંભળી મરકવાનું શરૂ કર્યું હતું. દાયકાઓ બાદ, આ ટેકનોલોજીનો અતિરેક, એવો અતિરેક કે માત્ર શારીરિક રીતે નહીં, માનસિક રીતે, આપણા રાજા બેટા માયકાગલાં (ઘણાં ને આ શબ્દ બહુ, મિડલ કલાસ લાગશે) થતા ગયા.

ટેકનોલોજી, સુખ સાહ્યબી, સગવડો, સાધનો અને એવું કેટલુંય, જેણે આપણા રાજા બેટા ને આ સગવડો, આ સાધનોનો મોહતાજ કરી દીધો. અને એની ઉપર, આપણી આળ પંપાળ. બસ રાજા બેટા, સીધો રાજા થઈ ગયો. ન એનામાં સૈનિકની આવડત, ન સેનાપતિની મુત્સદી, ન મંત્રીની કુનેહ. બસ સીધી રાજગાદી અને સીધા રાજા. (સમય જતાં સમજાશે, કે આવા રાજા, પોતાની રાણી ને જ નહીં, પોતાની રૈયત અને પ્રજા, બધાને દુઃખી કરી મુકશે)

આ આપણાં રાજા બેટા, જેમણે કદી “ના” સાંભળી જ ન હોય, જેમણે કદી અછત, અભાવનો કોઈ અનુભવ કર્યો જ ન હોય. તમે શું માનો છો, સતત છત, સતત ભયો ભયો કરી ને આપણે એમને એક સારું જીવન આપી દીધુ કે જીવન જીવવાની સાચી કળા શીખવાડી દીધી.

મારા ઘર નજીક, રામદેવપીરનું મંદીર છે, જ્યાં કોઈ ભિક્ષુકના માત્ર પાંચ કે સાત દિવસ ના બાળક ને ફૂટપાથના ઓશીકે જોયા છે અને ત્યારે વિચાર થાય કે જીવનની સાચી લડાઈ માં જ્યારે આપણાં રાજા બેટા નો સામનો કોઈ આવી વ્યક્તિ સામે થાશે, તો માત્ર શારીરિક જ નહીં, ઇવન માનસિક રીતે, આપણાં રાજા બેટા નબળા પુરવાર થશે. (સારું ભણતર, સારો વ્યવસાય, સારું પ્લેટફોર્મ ને બાદ કરો, તો આપણો રાજા બેટા, શુ ખરેખર અન્ય સામાન્ય વ્યકિતની સમકક્ષ છે. મને જવાબ નહીં આપો. ખુદ ને આ પ્રશ્ન પૂછો અને ખુદ ને જ આ વાત નો સાચે સાચો જવાબ આપો)

એક શકિત હોય છે, એક પાવર હોય છે, આપ કમાઈમાં. એક ઝનૂન હોય, એક જુસ્સો હોય, બાપ કમાઈ વિના જીવનમાં પોતાનું નામ કમાવવાનો. અને આપણી આળ પંપાળ, આપણી કાળજીનો કેર, આપણાં રાજા બેટાની એ શકિત છીનવી લેશે.

5) વધુ પૈસો, સુખ સાહેબી

અતિ કોઈ વસ્તુ ની સારી નથી હોતી અને પૈસો પણ એ કાયદાથી ઉપર નથી.

વધુ પૈસા, વધુ એશો આરામ ને કારણે, માત્ર આપણે ઓશિયાળા નથી થયા. આપણાં રાજા બેટા ને આપણે આ પૈસા, એશો આરામ થી વધુ ને વધુ પાંગળા કરી દીધા.

મહિને અપાતી પોકેટ મની હોય, કે દિવાળી માં મારા રાજા બેટા ને અપાતી ગિફ્ટસ હોય કે કોઈ ઇ-કોમર્સ કંપની ના નવરાત્રી કે દિવાળી ના સેલ હોય. આપણે મારા રાજા બેટા ને, The Best કે The Latest લેવાનું જ શીખવાડ્યું છે. અમુક બ્રાન્ડ કે અમુક લેવલ ની નીચે જવું, મારા રાજા બેટા ને પોતાની સ્ટાઇલ કે સ્ટેટ્સ ની વિરુદ્ધ લાગે. ફેશન એપ માં કપડાં સિલેક્ટ કરતા મારા રાજા બેટા ને એ વાત ની કોઈ સમજ કે દરકાર નથી કે એના બાપાએ જિંદગીભર, પોતાના કઝીનના જુના, પણ સારી કન્ડિશન ના પાટલુન ઑલ્ટર કરી કરી ને પહેર્યા છે.

(અને આ વાતની તમને શરમ આવે કે તમે ગર્વ લો, એ બધું તમારી કેળવણી અને સંસ્કાર પર અવલંબે છે.) મેં મારા રાજા બેટા ને એક જ વાત શીખવાડી છે, કે ફાટેલા બુટ, જુના પેન્ટ કે વગર બ્રાન્ડના શર્ટ ની શરમ ન કરજે. (કોઈ ના રૂપિયા ચૂકવવાના બાકી હોય, અને રસ કે શ્રીખન્ડ તો દૂર, રોટલી પર ઘી પણ ચોપડે તો શરમ કરજે)

સોરી. આપણે વાત કરી રહ્યા હતા, વધુ પૈસાને કારણે, વધુ સગવડોને કારણે, મારા રાજા બેટાની લાઈફ સ્ટાઇલ, સ્ટેટ્સ, જીવનની વ્યાખ્યા પર.

વિદેશમાં (ભારતમાં હજી આ વાત એટલી વકરી નથી) એવું દુઃખદ તારણ આવ્યું છે કે આવા પૅમપરડ બાળકો, દરેક વસ્તુ ને પૈસા, સુખ સાહેબી અને સગવડોથી તોલે છે.

આવા બાળકો માટે દુઃખ એટલે

૧) પોતાની પાસે, એના મિત્ર કરતા એક ઓછી વીડિયો ગેમ હોવી. (ભલે એની પોતાની પાસે, વીસ ગેમ્સ હોય)

૨) પોતાની પાસે, પોતાના મિત્રો કરતા જુનો ફોન હોવો

૩) પોતાની પાસે અનબ્રાન્ડેડ કપડાં, મિત્રો પાસે બ્રાન્ડેડ કપડાં

૪) પોતાના પિતા પાસે નાની ગાડી

૫) એના કાશ્મીરના વેકેશન સામે એના મિત્રનું યુરોપનું વેકેશન

જોયું તમે. દરેક દુઃખ રિલેટીવ છે. હકીકતમાં એમને કોઈ તકલીફ પડી જ નથી. (પણ કોઈ તકલીફ ન પડી, એ જ આજના જમાનાની સૌથી મોટી તકલીફ થઈ ગઈ)

પોતાની દરેક સગવડ અન્ય સાથે સરખાવી દુઃખી થવું. (હજી ગઈ કાલે જ એક ફોરવર્ડ વાંચ્યું. “સુખી થવાના પાંચસો રસ્તા છે. પણ બીજાથી વધુ સુખી થવાનો કોઈ રસ્તો નથી”)

અને આ સાથે, એક બીજી મોટી તકલીફ શરૂ થઈ. આ નવી પૅમપરડ પેઢી, અન્ય ના દુઃખ ને માત્ર પૈસામાં તોલવા લાગી. કોઈને માનસિક કે શારીરિક હાનિ પહોંચાડી હોય એવા સંજોગો માં પણ, આ નવી પેઢી, માત્ર પૈસા આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરે છે, જે ખરેખર જોખમી ટ્રેન્ડ છે.

(આ વિષય એટલો ઊંડો છે, એના કારણો, પરિણામો, ભવિષ્ય, બધા વિશે લખતા રહીશું, તો એક પુસ્તક લખાઈ જાય. આપણે અહીં અટકી, થોડા શક્ય એવા ઉપાયો ની વાત કરી, આ લેખને બ્રેક આપીએ)

ઉપાયો કે તકેદારી

૧) કોઈ વસ્તુની અતિ ન કરો. ન હેત ની, ન તકેદારીની, ન આળ પંપાળની.

નવી પેઢી ને વધુ લાગણીઓ, વધુ જતનથી એક લિમિટ થી વધારે પેમ્પર કરી એમનું ભવિષ્ય ખરાબ ન કરો. એકદમ સાનુકૂળ સંજોગોમાં રાખી, તમે એને વિષમ પરિસ્થિતિ નો સામનો કરવા અસમર્થ કરી દેશો.

૨) દરેક માંગણી સંતોષવી જરૂરી નથી.

તમે જે નથી મેળવી શક્યા, એનો અર્થ નથી કે તમારા રાજા બેટા ને ના સાંભળવાની આદત જ ન રહે. સતત છત, એની અછતનો સામનો કરવાની શકિત છીનવી લેશે. તમે અગર જીવન મા “ના” સાંભળી છે, તો મારા રાજા બેટા ને પણ એ “ના” સાંભળવા દો. એ ના એ કાંઈ હાર કે પરાજય નથી. તમારી એ ના, એના ભવિષ્યના ઘડતરનું એક પગથીયું છે.

૩) એના નિર્ણય ને માન આપો.

દરેક નાની થી નાની વાત માં તમારા નિર્ણય એના પર ઠોકી ન બેસાડો. એની ગતિ વિધિ પર નજર રાખો, એને માર્ગદર્શન આપો, પણ જિંદગીભર, દરેક સંકટમાં એની આંગળી પકડી મારા રાજા બેટા ને રસ્તો ક્રોસ ન કરાવો. (એની સુરક્ષાની જવાબદારી તમારી છે એ માન્ય, પણ એને સતત કવચ પહેરાવી, એને શકિતઓ ને એની અંદર રૂંધી ન નાખો)

તમે જ્યારે સાયકલ શીખ્યા, કે જ્યારે મારા રાજા બેટા એ સાયકલ શીખી, ત્યારે એક પોઈન્ટ સુધી તમે એની સીટ પકડી એની સાથે દોડ્યા, પણ પછી એક પોઇન્ટ પર આવી, તમે હળવેકથી એની સીટ છોડી દીધી. મારા રાજા બેટા ને ખબર પણ નથી કે હવે એને કે એની સાયકલને પકડનાર કોઈ નથી. બસ જિંદગીની રેસ માં પણ એની સાઈકલને એક પોઇન્ટ પર આવી છોડી દો. એ પડશે, એના ઘૂંટણ છોલાશે, તો તમે એને ઉભો કરવા દોડશો જ. પણ એની સાઈકલને આખી જિંદગી પકડીને દોડશો, તો નુકશાન મારા રાજા બેટા નું જ છે.

૪) થોડાક કામ, એને એની પોતાની રીતે કરવાની મોકળાશ આપો.

તમે ભૂલો કરી, એ ભૂલો એ ન કરે એ તમારી વાત વ્યાજબી. પણ તમારું પરફેક્શન અને માર્ગદર્શન એટલું ન થોપો કે એ તમારા ચીંધેલા રાહથી આગળ વિચારી જ ન શકે. (એક કહેવત છે જે જિંદગી એટલી લાંબી નથી, કે તમે દરેક ભૂલ જાતે કરીને શીખો. અન્યની ભૂલોથી પણ શીખવું જરૂરી) પણ એનો અર્થ એ નથી, કે હાર કે નિષફળતા નો અને મારા રાજા બેટા નો કદી સામનો જ ન થાય. આજે તમે એની સાથે છો. પણ આવતી કાલ તમે એની સાથે નહીં હોવ. તો એને તમારી ગેરહાજરીમાં પણ, એ હાર, એ નિષફળતાનો સામનો કરતા શીખવો.

બહુ મોટો ફરક છે, માર્ગદર્શન આપવામાં અને આંગળી પકડી ચાલવામાં. એને રસ્તો શોધવા દો, થોડાક ગોથાં ખાવા દો. જિંદગી ભર એની આંગળી પકડી એને રસ્તો કોર્સ કરાવવો હોય તો તમારી પાસે અમરપટ્ટો હોવો જરૂરી છે.

૫) છેલ્લે તમારી બાકી રહેલી ઈચ્છાઓ, કામનાઓ, મહેચ્છાઓ, એના પર ન થોપો. તમે સીએ થયાં, તો એણે સીએ થવું જરૂરી નથી. અને તમે સીએ ન થઈ શક્યા, એ માટે એણે સીએ કરવું તો બિલકુલ જરૂરી નથી.

મારો રાજા બેટા, ન તો તમારી અધૂરી જિંદગી જીવવાનું એક્સ્ટનસન છે, ન એ તમારી મેડલ જીતવાની મહેચ્છાઓનું મોડેલ છે.

(કદાચ બધા જ કારણો, પરિણામો કે ઉપાયો, આ લેખ માં ન સમાવી શકાય. એવા સંજોગો માં, આંખ બંધ કરી, ગેલેરીમાં જઈ બેસજો અને વિચારજો કે આવા સંજોગોમાં તમારા માતાપિતા એ શું કર્યું હોત તો તમને ગમત. બસ જે જવાબ મળે, એ સાચો જવાબ જ હશે. આંખ બંધ કરી, મારા રાજા બેટા માટે એ જ કરજો, જે તમે, એવી પરિસ્થિતિમાં તમારા પેરેન્ટ્સ પાસે એકસ્પેક્ટ કરત)

અસ્તુ.

સઁજય વિસનજી છેડા.

(પગદંડી નવેમ્બર ૨૦૧૮ માંથી સાભાર.)

(સંજય રસિકલાલ છટવાણી, અમર કથાઓ ગ્રુપ)