બાળપણની રમત “અડકો દડકો” સાથે જોડાયેલી સાસુ વહુની આ સ્ટોરી છે ઘણી રસપ્રદ, વાંચવાનું ચૂકશો નહિ.

0
505

લઘુકથા – અડકો દડકો :

આજે ભાદરવા વદ નોમ. વાલીકાકીનું શ્રાધ્ધ હતું. નવી સાસરે આવેલ ભારતીએ સાસુ નરબ્દાના કહ્યા પ્રમાણે ખીર પુરી તૈયાર કરી નાખ્યા. તાંસળીમાં ખીર લઈ તેમાં પુરીના કટકા ચોળ્યા. ઓસરી પાસે ખાટલા પર ચડી નળીયા પર શ્રાધ્ધ નાખ્યું. ‘કાગ.. વાસ’.. પાંચ છ કાગડા આવ્યા. બધું સાફ કરી ગયા.

નરબ્દાએ હસીને કહ્યું “ભારતી, આજે વાલી કાકીએ વાટ ના જોવડાવી. તરત જ આવી ગયા. તારું મોં જોવાની ઉતાવળ હશે.”

ભારતીએ જોયું સાસુ મરક મરક હસી રહ્યા છે. ઓસરીની ખાટ પર તેની બાજુમાં બેસીને પુછ્યું “બા, તમે એકલા એકલા કેમ હસો છો?”

“મને વાલી કાકીની વાતો યાદ આવી ગઈ.. લે, તને કહું.”

“હું પરણી, ત્યારે અમે ત્રણ વહુઓ આ ફળિયામાં એક જ દિવસે સાસરે આવી હતી. અહીં ચાલીસેક નાના મોટા માણસો એક રસોડે જમતા. કામમાં બધાની જુદી જુદી ગોઠવણ હતી. વાલીકાકીના ભાગે બધાના છોકરાં સાચવવાનું કામ હતું. સવારમાં ઉઠીને વહુઓ છોકરાં મુકી જાય. કાકી કોકની દોરી ખેંચે. કોકને બાળાગોળી પાય. કોઈને ખોળામાં બેસાડી ખવડાવે. ને અડકો દડકો ય રમે. તો કોક વહુને ખીજાય પણ ખરા.. ‘ગોબરી.. છોકરાનું મોં તો સરખું ધો’..”

“અમે નવી હતી એટલે પીયરમાંથી તેડવા આવે, ત્યાં સુધી કંઈ કામ નહીં. અમે કાકી પાસે જઈને બેસીએ. પહેલા દિવસે કાકીએ ઓળખાણ આપી.. ‘જુઓ , હું તમારા દેવાકાકાજીની વહુ વાલીકાકી’. પછી વારાફરતી અમને પુછ્યું ‘એલી, તું કેની વહુ?’ અમારી પાસે પરાણે વરનું નામ લેવડાવ્યું ને કહ્યું ‘નામ લ્યો વરનું.. ને દુ:ખ જાય ઘરનું’ ..”

અડકો દડકો રમવામાં પણ અમને પરાણે હાથ મુકાવે ‘હજી તમે તો છોકરું જ કહેવાવ.. રમી લોને.. પછી તો આવી જંજાળ વળગવાની જ છે’. અમને શરમ લાગતી.. તોય ગમતું.. ક્યારેક તો ના પુછવાનું ય પુછે.. ને સલાહ પણ આપે.. ‘પેંડા ખાવાનું મન થાય.. તો થોડુંક ખોટું ખોટું રિસાઈ જવાય’.”

“વખત જતાં ઘરમાં થોડી માથાકુટ થવા માંડી એટલે નોખા થવાનું નક્કી થયું. કાકીને સંતાન હતું નહીં. ‘ભાગમાં મારે એક વહુ તો જોઈએ’ એમ કહી કાકીએ મને પસંદ કરી. અમે એની સાથે રહેવા ગયા. ઘર ખેતી સંભાળ્યા.“

“પહેલા દિવસે કાકીએ મને કહ્યું ‘જો નબુ.. તું કુટુંબ નાતે વહુ હતી. હવે મારી સુવાંગ થઈ. મને છોકરાં જ ગમે. તું ગમે તેવડી થા. પણ મારી પાસે તો છોકરું જ રહેજે. જા છોકરાંવને બોલાવી લાવ. આપણે થોડીવાર અડકો દડકો રમીએ. પછી તું નવા ઘરમાં કામે વળગજે’.”

“એ રાતે કાકીએ મને પોતાની પાસે જ સુવડાવી. જાણે હું સાવ નાનકડું બાળક હોઉં.. તેવી રીતે..”

“કાકી સ્વર્ગમાં બેઠા બેઠા, હજી મને છોકરું જ માનતા હશે.”

સાસુની વાત પુરી થઈ.

ભારતીએ સાસુ સાથે આંખો મેળવી. બેય કંઈક ઉંડા મર્મવાળું હસી. ભારતીએ પોતાના હાથ પાટ પર મુક્યા. અડકા દડકાની રમતની જેમ.

સાસુએ માથા પર ટ-પ-લી મા-રી.. “ખાઈજા છોરી.. ખાંડ.. ને ખજુર.”

– જયંતીલાલ ચૌહાણ ૨૮-૨-૨૧

(ફોટા પ્રતિકાત્મક છે)