બાંધ્યો ન રેય તારો બાળ યશોદા માડી.
બાંધ્યો ન રેય તારો બાળ.
ઉખાડે મોટા ખોટા ઝાડ યશોદા માડી,
ઉખાડે મોટા ખોટા ઝાડ.
ભારે ભરાડી એની રમત્યું રંજાડી.
રહે માડી એની તને રોજની ઉપાધી.
તારે સદા રહે દિલમાં ફાળ યશોદા માડી.
એની સદા રહે દિલમાં ફાળ.
માટી ખાઈ ને માવો મોજું કરે.
તું ધખે એને તો મોહનો મોઢું ધરે.
માંહે ઘુઘવે અનંત બ્રહ્માંડ યોગેશ્વરની માડી.
માંહે ઘુઘવે અનંત બ્રહ્માંડ.
નેતરા તોડે માડી મટકા ફોડે.
આવી આવી ગોપી હાથડા જોડે.
તારે કેટલી રાખવી સંભાળ? યશોદા માડી.
તારે કેટલી રાખવી સંભાળ.
માસી મા રે, વૃત્તિ આસુરી મા રે,
વિષ વમળના ઇ વાવાઝોડા ઠારે.
તોય વાંકો ન થાય એનો વાળ, યશોદા માડી,
વાંકો ન થાય એનો વાળ.
‘દેવ’ દુલારો તારો, ધરો મમતા તું છો
વઢીને કરે એને વ્હાલ, માતાજી તું તો.
કાનો, કાળીયા નાગનો કાળ યશોદા માડી.
કાનો કાળીયા નાગનો કાળ.
– દેવાયત ભમ્મર.