શ્રી બાંકે બિહારી મંદિરનું રહસ્ય અને મંદિરનો સંપૂર્ણ ઈતિહાસ અહીં વાંચો, અહીંની મૂર્તિ જાતે પ્રગટ થઈ હતી.

0
335

સાંજના સમયે અહીં થાય છે રાધા-કૃષ્ણની રાસ લીલાઓ, જાણો શ્રી બાંકે બિહારી મંદિરની રોચક વાતો.

શ્રી બાંકે બિહારી મંદિર મથુરા વૃંદાવનને ભગવાન શ્રી કૃષ્ણનું ધામ માનવામાં આવે છે. આ ખૂબ જ પવિત્ર સ્થળ છે. વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની ઘણી લીલાઓ મળે છે, અને આજે પણ ઘણા લોકો એ જ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની લીલાનો અનુભવ કરે છે.

આજે પણ ઘણા લોકો માને છે કે સાંજના સમયે અહીં રાધા-કૃષ્ણની રાસ લીલાઓ થાય છે. એટલા માટે વૃંદાવનના રહેવાસીઓ રાત્રે વહેલા સૂઈ જાય છે, કારણ કે ભગવાનની રાસ લીલા એટલી ઉર્જાવાન હોય છે કે તે જોઈ શકાતી નથી. તો ચાલો જાણીએ, શ્રી કૃષ્ણના વૃંદાવન ધામની આવી જ વધુ રહસ્યમય વાતો, તો આ લેખ અંત સુધી ચોક્કસ વાંચજો.

બાંકે બિહારી મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું?

બાંકે બિહારી મંદિર એ ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ છે. મથુરાના વૃંદાવનમાં બાકે બિહારીનું મંદિર આવેલું છે. સ્વામી હરિદાસે 1864 માં તેનું નિર્માણ કરાવ્યું હતું.

ભગવાનને પડદા પાછળ કેમ રાખવામાં આવે છે?

એકવાર એક ભક્ત હતા. જે બાંકે બિહારીના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરતી વખતે તે લાંબા સમય સુધી બાંકે બિહારીજીને જોતા રહ્યા. આ કારણે ભગવાન તેના પર પ્રસન્ન થઈ ગયા અને તેમની સાથે તેમના ગામ જતા રહ્યા. અહીં મંદિરના સ્વામીજીને જાણ થતાં તેઓ તેમની પાછળ ગયા અને બહુ મુશ્કેલીથી બાંકે બિહારીને પાછા લાવ્યા. ત્યારથી, બાંકે બિહારીના દર્શન માટે ઝાંકી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝાંકી દર્શનમાં ભગવાનની સામે થોડી થોડી વારમાં પડદા કરવામાં આવે છે, જેથી કોઈ તેમને સતત જોઈ ન શકે.

બાંકે બિહારીની મૂર્તિ કેવી રીતે પ્રગટ થઈ?

એવી માન્યતા છે કે બાંકે બિહારીજીની મૂર્તિ કોઈએ બનાવી નથી, આ મૂર્તિ પોતે જ ઉત્પન્ન થઈ છે. એવું કહેવાય છે કે શ્રી હરિદાસજીની વિશિષ્ટ ભક્તિથી પ્રસન્ન થઈને, બાંકે બિહારીજી વૃંદાવનમાં પ્રગટ થયા હતા.

બાંકે બિહારી મંદિરમાં ભગવાનની કાળા રંગની મૂર્તિ છે, જે શ્રી હરિદાસજીએ શોધી હતી. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિમાં રાધા અને કૃષ્ણ બંનેની છબી છે. એટલા માટે જે ભક્તો અહીં આવીને દર્શન કરે છે, તેમનું જીવન સફળ થઈ જાય છે.

વૃંદાવનની વિશેષતા શું છે?

વૃંદાવન એક એવી જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણના બાળપણની અસંખ્ય લીલાઓ થઈ છે. અહીંના લોકો કહે છે કે સાંજના સમયે ભગવાન, રાધા અને ગોપીઓ આજે પણ રાસ લીલા કરે છે. એટલા માટે અહીં સાંજ પડતાં કોઈ માણસ કે પંખી ઘરની બહાર નીકળતું નથી. જો કોઈ તેમને રાસ લીલા કરતા જુએ તો તે તેમની અપાર ઉર્જા શક્તિને સહન કરી શકતા નથી. બાંકે બિહારીજી રાત્રે રાસ કરે છે, તેથી જ તેમના આરામના સમયે આ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવતી નથી.

બાંકે બિહારી મંદિરનું રહસ્ય :

અહીં દર વર્ષે માગશર શુક્લ પાંચમ તિથિના દિવસે બાંકે બિહારી મંદિરમાં ભગવાન બાંકે બિહારીજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ મંદિરમાં વર્ષમાં માત્ર એક જ વાર બાંકે બિહારીજીના ચરણ જોવા મળે છે. તે દિવસ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો હોય છે, જે વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજ તિથિએ આવે છે. ભગવાનના ચરણોના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

બાંકે બિહારી નામ કેવી રીતે પડ્યું?

શ્રી હરિદાસજી શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. એક સમયે તેઓ હંમેશા કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા હતા અને નિધિવનમાં બેસીને પોતાના રાધા કૃષ્ણના ગીતો દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હતા. ભગવાન તેમના સંગીત મય ભક્તિ ભાવથી પ્રસન્ન થઈને તેમની સામે અનેકવાર આવતા હતા.

હરિદાસજીના શિષ્યએ એક વખત તેમને કહ્યું કે અમારે પણ ભગવાનના દર્શન કરવા છે, તો કૃપા કરીને અમને પણ દર્શનનો લાભ લેવા દો. આ પછી હરિદાસજી ફરીથી ભક્તિમાં મગ્ન થઈ ગયા અને પછી કૃષ્ણ અને રાધા બંને તેમને દર્શન આપવા પ્રગટ થયા.

હરિદાસજીના સંગીતથી ખુશ થઈને શ્રી કૃષ્ણ અને રાધાએ તેમની પાસે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે હરિદાસજીએ ભગવાનને કહ્યું કે તેઓ તેમને તો લંગોટ પહેરાવીને અહીં રાખશે, પરંતુ તેમની પાસે માતા રાધા માટે કોઈ ઘરેણાં નથી, કારણ કે તે માત્ર એક સંત છે. આ સાંભળીને શ્રી કૃષ્ણ અને રાધા એક થઈ ગયા અને તેમની મૂર્તિ પ્રગટ થઈ અને પછી હરિદાસજીએ તેમનું નામ બાંકે બિહારી રાખ્યું.

બાંકે બિહારીની કથા :

એકવાર એક કૃષ્ણ ભક્ત મહિલાએ પોતાના પતિને વૃંદાવન જવા માટે સમજાવ્યા. બંને વૃંદાવન પહોંચ્યા અને બાંકે બિહારી મંદિરમાં જઈને દર્શન કર્યા. એ લોકો થોડા દિવસ ત્યાં રહ્યા અને બાંકે બિહારીના દર્શન કર્યા.

તે મહિલાના પતિએ તેને ઘરે પાછા જવા કહ્યું. ત્યારે તે મહિલાએ બાંકે બિહારીજીને પ્રાર્થના કરી કે તેઓ હંમેશા તેમની સાથે રહે. ત્યારબાદ બંને ઘરે જવા રવાના થયા હતા. તેઓ રેલ્વે સ્ટેશન જવા માટે ઘોડાગાડીમાં બેઠા.

ત્યારે બાંકે બિહારીજી બાળ સ્વરૂપે આવ્યા અને તે બંનેને વિનંતી કરવા લાગ્યા કે મને પણ સાથે લઈ જાય. આ બાજુ મંદિરના પૂજારીએ બાંકે બિહારીજીને મંદિરમાંથી ગાયબ જોયા અને તે કૃષ્ણ ભક્ત મહિલાના પ્રેમભાવને સમજી ગયા.

તે તરત જ તે ઘોડાગાડીની પાછળ દોડ્યો અને બાળકના રૂપમાં બાંકે બિહારીજીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે તે બાળક ત્યાંથી ગાયબ થઈ ગયો અને પૂજારી મંદિરમાં પાછા આવ્યા તો ભગવાન ત્યાં હતા, પછી ભગવાનના દર્શન કર્યા. આ પ્રસંગ પછી પેલા પતિ-પત્નીએ સંસારનો ત્યાગ કરીને પોતાનું સમગ્ર જીવન બાંકે બિહારીજીની સેવામાં સમર્પિત કરી દીધું.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી વચન બદ્ધ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.