જાણો ક્યારે છે વસંત પંચમી, આ દિવસે કેમ કરવામાં આવે છે માં સરસ્વતી પૂજા, તેના શુભ મુહુર્ત પણ જાણો.

0
416

હિંદુ ધર્મમાં વસંત પંચમીનું મહત્વ કેમ છે, આ દિવસે કેમ થાય છે માં સરસ્વતીની પૂજા, જાણો વિસ્તારથી.

મહા માસના સુદ પખવાડિયાની પાંચમ તિથીના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પણ શરુ થઇ જાય છે. વસંત પંચમી ઉપર માં સરસ્વતીની પૂજાનું વિધાન છે. આ તહેવાર ઉપર શ્રદ્ધાળુ પીળા વસ્ત્ર ધારણ કરી માં સરસ્વતીની આરાધના કરે છે. વસંત પંચમીનો તહેવાર આ વર્ષે 5 ફેબ્રુઆરી 2022 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આવો તમને તેનું મહત્વ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત જણાવીએ.

વસંત પંચમીનું મહત્વ : વસંત પંચમીને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. તે માં સરસ્વતીની પૂજાનો દિવસ છે. શિક્ષણ શરુ કરવા કે કોઈ નવી કળા શરુ કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો ગૃહ પ્રવેશ પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કામ દેવ તેમની પત્ની રતી સાથે પૃથ્વી ઉપર આવે છે. એટલા માટે જે પતિ પત્ની આ દિવસે ભગવાન કામ દેવ અને દેવી રતીની પૂજા કરે છે તેમના લગ્નજીવનમાં ક્યારેય કોઈ અડચણ નથી આવતી.

કેમ થાય છે માં સરસ્વતીની પૂજા? હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ જ્ઞાનની દેવી માં સરસ્વતી મહા માસના સુદ પખવાડિયાની પાંચમ તિથીના રોજ બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ વિધિ પૂર્વક માં સરસ્વતીની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે.

વસંત પંચમી ઉપર કેવી રીતે કરવા માં સરસ્વતીને પ્રસન્ન? વસંત પંચમી ઉપર પીળા, વસંતી કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યાર પછી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને પૂજાની શરુઆત કરો. પીળું વસ્ત્ર પાથરીને તેની ઉપર માં સરસ્વતીને સ્થાપિત કરો અને કંકુ, કેસર, હળદર, ચોખા, પીળા ફૂલ, પીળી મીઠાઈ, સાકર, દહીં, હલવો વગેરે પ્રસાદ તરીકે તેમની પાસે રાખો.

દેવીને શ્વેત ચંદન અને પીળા અને સફેદ ફૂલ જમણા હાથથી અર્પણ કરો. કેસર મિશ્રિત ખીર અર્પણ કરવી સર્વોત્તમ રહેશે. હળદરની માળાથી માં સરસ્વતીના મૂળ મંત્ર ॐ ऐं सरस्वत्यै नमः ના જાપ કરો. શિક્ષણની અડચણના યોગ છે તો આ દિવસે વિશેષ પૂજા કરીને તેને ઠીક કરી શકાય છે.

વસંત પંચમીના શુભ મુહુર્ત : મહા માસના સુદ પખવાડિયાની પાંચમ તિથી શનિવાર 5 ફેબ્રુઆરી 2022 ની સવારે 03 વાગીને 47 મિનીટથી શરૂ થશે અને રવિવાર 6 ફેબ્રુઆરી 2022 ની સવારે 03 વાગીને 46 મિનીટ સુધી રહેશે. વસંત પંચમીની પૂજા સૂર્યોદય પછી અને પૂર્વાહન પહેલા કરવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.