ગુજરાતનું ખજુરાહો – શિવ મંદિર બાવકા દાહોદ.
ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યનું કિરણ દાહોદ જિલ્લામાં પડે છે એ સૌ કોઈ જાણે છે! દાહોદની જ કેટલીક રોચક વાતો, સ્થળો, પ્રાકૃતિક સૌંદર્યના ખજાના અને બીજી ઘણી બાબતો વિશે બહુ ઓછું લખાયું છે. દાહોદના જ હોઈએ અને એની ગર્વ અને ગૌરવ લેવાં જેવી વાતો લખવાની શરૂઆત એક વર્ષથી કરી છે. લેખન અને ફોટોગ્રાફ્સ સાથે ગુજરાતી ભાષામાં લખવાની વધુ ફાવટ આવે એ માટે પ્રવાસ વર્ણન કે લલિત નિબંધોના સ્વરૂપે આલેખન કરી રહ્યો છું. આજે આપણે માણીશું ગુજરાતનું ખજુરાહો ગણાતા શિવ મંદિર, બાવકા વિશે.
દાહોદની નૈઋત્ય દિશામાં 12 કિલોમીટર દૂર ચાંદાવાડા ગામની સીમમાં એક ટેકરી ઉપર પર એક પૌરાણિક અધુરું કે ખંડિત મંદિર આવેલું છે. કોઈ કામથી જવાનું થાય ત્યારે આવા પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો રસ્તામાં આવતાં હોય એટલે વ્યસ્ત સમયમાંથી થોડો સમય ફાળવીને ત્યાં પહોંચીને કુદરતમાં ખોવાઈ જવાનું ગમતું હોય છે.
ચોમાસું હોય એટલે આપણી આસપાસની પ્રકૃતિ નવા રંગરૂપ સાથે ખીલી ઉઠે! ત્યારે અહીંના ગામો જાણે અદ્રશ્ય થઈ જાય! પગપાળા રસ્તા પર નિકળીએ ત્યારે છૂટાછવાયા ઘરો મકાઈના પાક કે પછી લીલાછમ વૃક્ષોથી છુપાય જાય. કોઈ ટેકરી, પહાડ કે વિશાળ વૃક્ષો પર ચઢીને જોઈએ ત્યારે માંડ માંડ ઘરો જોવાં મળે!ને ખબર પડે કે આ ગામ છે. ગોધરા પછી દાહોદ તરફ આવો ત્યારે પુરપાટ ઝડપે દોડતાં તમારાં વાહન પર કુદરતી સૌંદર્ય જોઇને ઝડપ ઓછી કરી લેવાનું મન બે ઘડી થઈ આવશે!
દાહોદથી અમે બપોરે નિકળ્યાં હતા. આમ તો અહીં બીજીવાર આવવાનું થયું. દાહોદમાં લીલીછમ ટેકરીઓ અને ઢોળાવવાળા ખેતરોમાં લહેરાતા પાક અને ધોતિયું પહેરણ અને માથે ફેંટો કે ફાળિયું બાંધેલાં આધેડ ભાઈઓ અને કાછેટો વાળેલી સ્ત્રીઓ ચહેરા પર ટેટુ દોરેલી સ્ત્રીઓ આનંદથી ખેતરોમાં, રસ્તામાં કે પછી વાહનોમાં મુસાફરી કરતાં જોવા મળે.
પરંપરાગત પહેરવેશની સાથે સાંસ્કૃતિક ધરોહર સાચવતી અહીંની પ્રજા કેટલાંય રીતરિવાજો અને સાંસ્કૃતિક વારસો સાચવીને બેઠી છે. આ નજારો આમ તો વારંવાર જાણ્યો છે અને એમાંથી પસાર થયો છું. રસ્તામાં કે ગામ સીમમાં બેઠેલા ટોળાં જોતાં જ પંચોણું, ઉજોણી, તેવાર, મેળો કે પછી બીજું કોઈ જોતાં જ પામી જવાય.
બાવકા મંદિર પહેલાં જ ત્રણસો જેટલા ભાઈઓ વૃક્ષોની છાયામાં બેસીને એક ભાગેલા પ્રેમી પંખીડાનું પંચોણુ કરી રહ્યા હતા. ગાળોના વરસાદ અને આભના વરસાદ વચ્ચે આજે હરિફાઈ થાય એવું લાગતું હતું. યૌવનના ઉંબરે કામ પીડિત યુવાન હૈયાઓનું પંચાણું થતું હતું ને દૂર હિરલાવ તળાવની પાસેની ટેકરી પર આવેલું મંદિર જર્જરિત હાલતમાં પણ ઉભું છે.
મંદિર પર પહોંચ્યા ત્યાં એકલદોકલ મુસાફરો આવતાં હતાં. ડાબી બાજુ કોતરણીવાળા પથ્થરો પર લબરમુછીયા યુવાનો ફોટોગ્રાફી કરતાં હતાં. મંદિરના અગ્રભાગમાં જતા જ અધુરું બાંધકામ કે ખંડિત ભાગોને જોઈને અનેક પ્રશ્નો થાય. પ્રથમ પગથિયે પગ મુકો એટલે કોતરણીવાળા પથ્થરોથી, નાગર શૈલીની અદ્ભૂત શિલ્પકળાનું દર્શન થાય. તુટેલા નંદીને જોઈને મનમાં થાય કે આ મંદિર અધુરું નથી પણ તોડી પાડવામાં આવેલું છે. મહંમદ ગઝનીના સૈન્ય અને બીજાં અનેક વિદેશી આ કર મણો દ્વારા આ ભવ્ય મંદિરને તોડી પાડવામાં આવેલ એમ જણાય છે.
શિવ પંચાયતન પ્રકારના આ મંદિરની આજુબાજુના ચાર મંદિરોના અવશેષો તુટેલા જોવા મળે છે, જે અત્યારે નામશેષ થઈ ગયાં છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીએ એ પહેલાં ગર્ભગૃહના મુખ્ય દ્વાર પર કરેલી શિલ્પ સ્થાપત્યની બેનમુન કલાકૃતિઓ ભવ્ય ભૂતકાળની અદ્વિતીય કલાકારીગરી પર નતમસ્તક કરાવી દે. દેવી-દેવતા અને અપ્સરાઓની આ નયનરમ્ય મૂર્તિઓ જોઈને આપણે ગર્ભગૃહમાં પ્રવેશીએ.
પૂર્વાભિમુખ આ મંદિરના ગર્ભગૃહમાં બે પગથિયાં નીચે ઊતરીને ડાબી બાજુ અને શિવલિંગની પાછળ અદ્ભૂત કોતરકામ કરેલી મુર્તિઓ જોવાય છે. શિવાભિષેક કરીને આપણે બહાર નીકળી જમણી બાજુ તુટેલા મંડપ પર ભવ્ય કોતરણી જોઈ શકીએ. લાખો મંદિરો ધરાવતાં આ દેશમાં આસ્થા અને વિશ્વાસની જ્યોત સદીઓથી ચાલી આવે છે. હા, એમાં સમયે સમયે પરિવર્તનો થતાં રહે છે. જ્યાં જતાં માણસોનાં વિચારો અને ભાવનાઓ બદલાઇ જાય છે. ત્યાં જનારામા સકારાત્મક ઊર્જા આવી જાય છે.
શિવને નમસ્કાર કરીને સકારાત્મક ઉર્જા ધારણ કરી બહાર આવીએ ત્યાં પુજારી સાથે વાતે વળગ્યો. એણે અનેક દંતકથાઓ માંડી. જે ગળે ઉતરે નહીં. પણ એનો ગુઢાર્થ પામવા મળે એ પછી પ્રદક્ષિણા માર્ગે આગળ વધ્યાં. મંદિરની છત અને મંડપના અવશેષો વિખરાયેલા પડ્યા છે.
મંદિરના પાછળની બાહ્ય દિવાલો પર અદ્વિતીય, અકલ્પનીય, અદ્ભૂત, આકર્ષક દેવી-દેવતાઓ, મૈથુન શિલ્પો, વામન માનવ શિલ્પો અને હાથીઓની શિલ્પ સ્થાપત્યની બેનમુન કલાકૃતિઓ કંડારવામાં આવી છે એ દેખાય છે. યુગલ શિલ્પો જાતિય જ્ઞાન- કામનું જ્ઞાન વૈજ્ઞાનિક રીતે આપવા માટે મંદિરો અગત્યના હશે એ બતાવવા માટે એ શિલ્પો કંડારવામાં આવતા હશે! એટલે જ આ મંદિરને ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખવામાં આવે છે. કેમકે અહીં મૈ થુન શિલ્પો પ્રચુર માત્રામાં જોવા મળે છે.
આકર્ષક શિલ્પ સમૃદ્ધિ ધરાવતું આ શિવાલય કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય એ બતાવે છે. માનવ સહજ ભાવોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજૂતી આપતું લગભગ ખંડેર આ શિવ મંદિર ભવ્ય જાહોજલાલી અને ઐશ્વર્યની યાદોને વાગોળતુ આંસુ સારી રહ્યું છે. એનાં એક એક પથ્થરો પર અદ્ભૂત શિલ્પોની કવિતાઓ છે, ઈતિહાસ છે, માણસની સહજ કામેચ્છાઓને સ્વિકારી ભક્તિનો માર્ગ બતાવે છે.
આજે એ રાષ્ટ્રીય અગત્યના સ્મારકોમાં સ્થાન પામ્યું છે. પથ્થરો પર અદ્ભૂત રીતે કંડારાયેલા શિલ્પો ધરાવતું આ શિવાલય ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ એને જે કાંઈ બચ્યું છે તેને સાચવવા અને સંવર્ધિત કરવા પ્રયત્નશીલ છે.
– દિલીપ પટેલ (ગ્રામીણ જીવન ગ્રુપ)