દિકરીના પિતા : કેમ છો? વેવાઇજી, અમારા કુળનો દિપક હવે તમારે ત્યાં પ્રગટે છે. અમારે ત્યાં અંધારું.
દીકરાના પિતા : બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું, દિપક તો તમારો છે અને હંમેશા રહેશે. હું તમે પૂરેલા દિપકમાં સંસ્કારરૂપી ઘી ને કઈ રીતે છીનવી શકું, એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે એ મારું વચન છે, બસ હું તો એ ઝાંઝરનો ઝણકાર લઈ ગયો છે જે મારા ઘરને રણકારતું રહેશે.
દિકરીના પિતા : સો દીકરા હોવા છતાં એક લાડકીની ગરજ બહુ સાલે હો વેવાઇજી.
દીકરાના પિતા : અરે પૂછશો જ નહી વેવાઇજી, જયારે પુત્રવધુ થોડા દિવસ માટે પણ ઘરે ના હોય ત્યારે ઘર બહુ ખાવા દોડે, ના કોઈ હરખ કરવા વાળું હોય, ના રસોડામાં કંઈક નવીન હોય, ના કોઈ શોરબકોર હોય, ના કોઈ નવીન વાત હોય, ઘર તો જાણે ઘર નહી મકાન લાગે, બધા સવારથી પોત પોતાના કામે લાગીને રાતે આવીને સુઈ જાય બસ જીવવા ખાતર દિવસ પસાર થાય, મનમાં ઘણો ખાલીપો લાગે હો.
દિકરીના પિતા : તમારી થોડા સમય માટે આ પરિસ્થિતિ થતી હોય તો હું તો આખી જિંદગી દિકરીના વિયોગના આ દુઃખને લઈને ફરું છું. બહુ એકલું એકલું લાગે છે.
દીકરાના પિતા : તેમના ખભે હાથ મૂકી, વેવાઈજી મે ફક્ત દિકરી જ નથી લીધી તમને મારો દીકરો પણ આપ્યો છે અને એ પણ તમારો જ છે, જેટલો હક મારો તમારી દિકરી પર છે, તેટલો જ તમારો હક મારા દીકરા પર છે.
દિકરીના પિતા : સુખ દુઃખ, સારા ખોટા પ્રસંગે, માંદગીમાં કે અંતરની વાત કરવી હોય તો દિકરી યાદ આવે હો, અને હા ઘરની લક્ષ્મીની ગેરહાજરીમાં કઈ પણ કરેલું વ્યર્થ જ ગણાય.
દિકરાના પિતા : શું કહું વેવાઇજી વાત જ ના પૂછો, દીકરા તો સવારે ટિફિનના ડબલા લઈને જતા રહે છે, શું આશા રાખો તમે તેમની પાસે? થોડીક પણ તબિયત લથડે તો વહુ દોડે, દવા કરે, માથે હાથ ફેરવે, બિચારીએ જિંદગીમાં ના કરેલું એ કરે, મળ-મૂત્ર સાફ કરવામાં એ ના ખચકાય, તમે સારા ખોટા પ્રસંગોની વાત ક્યાં કરો છો વેવાઇજી, ઘરની લક્ષ્મી વગર તો, ના કોઈ રોનક હોય ના કોઈ દેવનું આગમન થાય. એટલે તો કહું છું તમે તો એ મજબૂત પિતા છો તેમને પોતાનો કાળજાનો કટકો મને સોંપી દીધો.
દિકરીના પિતા : વેવાઈની સામે લાચારીથી જોઈ, ખુશનસીબ છું હું અને મારી દિકરી કે સ્વર્ગ કરતા એ સોહામણું સાસરું મળ્યું અને દેવ જેવા સસરા મળ્યા.
દીકરાના પિતા : વેવાઇજી તમારી આગળ મારી શું કિંમત તમે તો દાતા છો, જીગર કરી તમારું પોતાનું ધન મને વગર સ્વાર્થે સોપો છો અને હું યાચક છું જે તમારે ત્યાં લેવા આવ્યો છું. તો લાચાર તો હું થયો ને? ના ભૂલશો તમારો હાથ હંમેશ ઉપર રહેશે. હું તમારો ઋણી રહીશ.
અને બન્નેની આંખમાં હરખના આસું હતા.
મિત્રો તમારે ત્યાં દિકરી હોય તો ગર્વ કરજો. અને કોઈની દિકરી તમારે ત્યાં હોય તો સૌભાગ્ય સમજજો. સંસ્કારી દીકરીઓ બધાના નસીબમાં નથી હોતી. પુણ્યના ભાથાથી મળે છે.
જય શ્રીકૃષ્ણ.
– સાભાર જીત માજેવાડીયા (અમર કથાઓ ગ્રુપ)