નાની ઉંમરે વિધવા બનતી છોકરીનું જીવન બરબાદ ન થાય તે માટે લીધેલું આ પગલું સમાજને કંઈક જણાવે છે.

0
1282

લઘુકથા – ઘરના ઘેર :

– માણેકલાલ પટેલ.

બાબુલાલની કરિયાણાની દુકાન તો સરસ ચાલતી હતી પણ એમના નાના પુત્રના જીવનમાં ઘટેલી ઘટનાથી એ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.

નાના યતીને અનેરી સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં.

મોટો રિષભ કુંવારો હતો.

સામાજીક રીતે પણ એમના કુટુંબની બદનામી થઈ હતી.

પણ, અનેરીનો સ્વભાવ સારો હોઈ એ આ પરિવારમાં ઝડપથી ભળી ગઈ હતી.

સામાજીક રીતે ડહોળાયેલું વાતાવરણ ધીરેધીરે શાંત થતું જતું હતું.

પણ, પાછી અચાનક એવી ઘાત આવી કે એ બાબુલાલ અને એમના કુટુંબ માટે સહન થઈ શકે તેમ નહોતી.

એક ગોઝારા અકસ્માતમાં યતીને દુનિયામાંથી વિદાય લીધી. માંડ ત્રેવીસ વર્ષનો હતો એ. અને અનેરી બાવીસની. ચાર જ માસના લગ્ન જીવન પછી એને આવેલા વૈધવ્યથી સૌ ડઘાઈ ગયાં હતાં.

બાબુલાલે દીકરો તો ગુમાવ્યો હતો પણ પુત્રવધૂયે ચાલી જશે એનોય એમને રંજ થયા કરતો હતો. અનેરીનાં મમ્મી- પપ્પાને એમની યુવાન દીકરીની ચિંતા સતાવે એ સ્વાભાવિક હતું.

યતીનના ગયા પછીની વિધી પત્યે એકાદ મહિનો થયો ત્યારે બાબુલાલે ભારે હ્રદયે કહ્યું :- “આપ અનેરીને લઈ જઈ શકો છો.”

હજી તો પ્રભુતામાં પગલાં માંડવા જેટલી ઉંમરે દીકરીના વૈધવ્યને ક્યાં મા- બાપ સહન કરી શકે? એમણે અનેરી માટે બીજા મૂરતિયાની શોધ આદરી.

બાબુલાલેય અનેરી માટે સમાજમાં નજર ફેરવતા રહેતા હતા.

એક દિવસ અનેરીનાં મમ્મી- પપ્પાએ બાબુલાલને કહ્યું :- “છોકરો તમારા ધ્યાનમાં જ છે અને તમે……”

બાબુલાલ વિચારમાં પડી ગયા.

“આપણી અનેરી માટે રિષભ…….”

“પણ, અનેરી…. ?”

“મારેય ઘર બદલવું નહિ પડે ને, પપ્પા!?” અનેરી મનમાં જ બોલીને રિષભ સામે જોઈ મલકાઈ ગઈ.

– માણેકલાલ પટેલ.