ઓહ…. હો…. અગિયારને વીસ થઈ ગઈ છે. મમ્મી પણ વિચારતી હશે કે મેં મારી વહુને ચા બનાવવા કહ્યું હતું, પણ ચા હજી બની નથી. ઘરના આટલા બધા કામ છે, હું એકલી શું કરું? બાથરૂમમાં એટલા બધા કપડા ધોવા માટે રાખેલા હતા કે જલ્દી જલ્દી હાથ ચલાવવા છતાં ચાલીસ મિનિટ લાગી ગઈ.
હું ઉતાવળમાં ટુવાલ લેવાનું ભૂલી ગઈ અને મારા વાળમાંથી પાણી ટપક્યા કરતું હતું. એ ભલે ટપકે, પહેલા હું મમ્મી માટે ચા બનાવું, પછી હું વાળ સાફ કરીશ. અરે, હું પહેલા સિંદૂર લગાવી દઉં. મારી ભાગદોડ ક્યાં પુરી થવાની છે. આમ બબડતી બબડતી રમા રૂમમાં ગઈ અને સિંદૂર લગાવીને રસોડા તરફ દોડી.
તેની સાસુએ તેને બોલાવી – રમા પહેલા અહીં આવ.
રમા દોડતી દોડતી તેમની પાસે જાય છે અને કહે છે – માફ કરજો મમ્મી, હું હમણાં જ ચા બનાવું છું. બાથરૂમમાં ઘણા કપડાં હતા અને મારે મારા વાળ પણ ધોવાના હતા એટલે મોડું થઈ ગયું. પણ હું હમણાં જ ચા બનાવીને લાવું છું.
સાસુ – જરા શ્વાસ તો લે વહુ. મેં આપણા બંને માટે ચા બનાવી દીધી છે અને તારા માટે નાસ્તો પણ બનાવ્યો છે. આવ બેસ અને નાસ્તો કર.
રમા – હે ભગવાન, મેં કેટલાં પુણ્ય કર્યા હશે કે તમે આવી સારી સાસુ મને આપી, આટલું કહેતા રમા પોતાની સાસુને ભેટી પડી.
સાસુ – તું બધા સભ્યો માટે ઘણું બધું કરે છે. તો મેં તારા માટે થોડું કર્યું એ કોઈ મોટી વાત નથી. તું પણ મારી દીકરી જેવી જ છે. સારું, તું નાસ્તો કર હું ધોયેલા કપડાં સૂકવીને આવું છું.
રમા – મેં મોતીનું દાન કર્યું હશે, તેથી જ મને માં જેવો પ્રેમ કરતી સાસુ મળી છે, આટલું કહીને રમાએ ભગવાનનો હૃદયપૂર્વક આભાર માનીને નાસ્તો કરવાનું શરૂ કર્યું.