હિંદુ ઘર્મમાં માનતા લોકો ભગવાનની ભક્તિ અને સત્સંગ કરે છે. અલગ અલગ સંપ્રદાયના લોકો પોતાના ઇષ્ટદેવની ભક્તિ, પૂજા-પાઠ, કથા વાર્તા કરે છે. એવી જ રીત સ્વામિનારાયણ સંપ્રદાયની બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના ભક્તો પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના પૂજા-પાઠ, ભક્તિ, કથા વાર્તા કરે છે. આ સંસ્થા દ્વારા મંદિરોમાં દર રવિવારે રવિસભાનું આયોજન થાય છે.
રવિસભામાં હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથો જેવા કે વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, ભગવદ ગીતા, મહાભારત, વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી, સત્સંગ દીક્ષા ગ્રંથ જેવા તમામ ગ્રંથોનું શિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્વાન સંતો કથા, પ્રવચન કરે છે. તેમાં ધાર્મિક મૂલ્યો, આધ્યાત્મિક અભિગમ, હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષે જણાવવામાં આવે છે.
હાલ મહામારીને કારણે ઓનલાઇન સભા કરવામાં આવી રહી છે. પણ સામાન્ય દિવસોમાં જયારે સભા ગૃહમાં રવિસભાનું આયોજન થાય છે ત્યારે સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા સભામાં બેસવા માટે ખુરશી, પાથરણાં, સંગીત માટેના સ્પીકર્સ, લેપટોપ અને ખાસ લાઇટીંગ સુવિધાનું અફલાતુન આયોજન કરવામાં આવે છે.
સભામાં યુવાનો દ્વારા મધુર સ્વરમાં કર્ણપ્રિય ભજનો/કિર્તનોની રજુઆત થાય છે. સંતો પણ ભજન કીર્તન કરે છે. રવિસભામાં પ્રાર્થના, ભજન, પ્રવચન, સમાચાર, કિર્તન અને દ્રશ્યશ્રાવ્ય રજુઆત હોય છે. સભામાં ધાર્મિક અને આધ્યાત્મની વાતો કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો દ્વારા પારિવારિક જીવનને લગ્ન પ્રશ્નોના સમાધાન વિષે પણ પ્રવચન હોય છે. વ્યક્તિએ ઘરમાં, સમાજમાં કેવી રીતે રહેવું તેના વિષે જણાવવામાં આવે છે. જે હિંદુ સંસ્કૃતિને માનવી ભૂલતો જઈ રહ્યો છે તેનું મહત્વ સમજાવવામાં આવે છે.
રવિસભામાં જવાથી મનને શાંતિ મળે છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા મજબૂત થાય છે. ભક્તિ અને સત્સંગના માર્ગેથી ભટકેલા લોકોને સાચો માર્ગ પ્રાપ્ત થાય છે.
રવિસભામાં આવવાનો મોટો ફાયદો એ છે કે અહીં ઘણા બધા લોકોને મળવાનો મોકો મળે છે અને ભારતીય સંસ્કૃતિ, હિંદુ ધર્મ વિષે ઘણું બધું જાણવા મળે છે. નાના બાળકોને ભારતીય સંસ્કારો અવશ્ય મળી રહે છે. જીવન વિકાસના ઘણા બોધપાઠ પ્રમુખસ્વામિ, મહંત સ્વામી જેવા સંતોના પ્રવચનોમાંથી મળે છે.
અંતમાં આરતી અને મહાપ્રસાદ તો ખરો જ. આ ઉપરાંત વર્ષમાં એક વાર એકદિવસીય પ્રવાસ/ઉજાણીનું આયોજન પણ થાય છે. દિવાળીનો અન્નકુટ તો લોકપ્રિય છે.
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં બાળ-યુવા પ્રવૃત્તિ પણ ચાલે છે. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિ વિદેશમાં પણ થાય છે અને વિદેશમાં રહેતા લોકો વ્યસ્તતામાં પણ સમય નિકાળી આવી ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લે તે મહત્વની વાત છે. વિદેશમાં રહેતા ભારતીય ગુજરાતીઓને પણ ખ્યાલ હોય કે નજીકનું સ્વામિનારાયણ મંદિર ક્યાં છે કે રવિસભા ક્યાં થાય છે? તે સિવાય અહીં બાળકો અને યુવાનો માટેના કેન્દ્રો પણ ચાલે છે.
હાલમાં જ થયેલી રવિસભાની વિડીયો લિંક નીચે આપવામાં આવી છે, જેમાં વ્યવહારમાં આધ્યાત્મિક અભિગમ પર સંસ્થાના સંત અને વક્તા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું છે જે દરેકે સાંભળવા જેવું છે. તેમાંથી ઘણું બધું શીખવા મળે છે.
વિડીયો :