ભાભી અને નણંદની આ સ્ટોરી ઘરમાં કેવી રીતે રહેવું તે શીખવે છે, સમય કાઢીને અચૂક વાંચજો.

0
1896

ફેમીલી ફોટો :

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

કવિતાએ ઘરમાં પગ મુકતા જ ઉડતાં પતંગીયાની જેમ ઘરનાં ખૂણે ખૂણે ફરી આવી. નવેક વર્ષનો ભાણો રવિ તેના રોનકમામાની આંગળી પકડીને સાથે સાથે ફરી રહ્યો હતો. કવિતાનું ફેમિલી હૈદ્રાબાદ શિફ્ટ થયેલું એટલે સ્કુલના વેકેશન વિના પિયર આવવું શક્ય નહોતું. દિકરીને લગ્ન પછી ફરી પિયરનું સુખ તો વેકેશનમાં જ મળે…! દિકરીને મન તો પિયર એટલે પોતાનું ઘર, પોતાનું આંગણું અને પોતાની ઇચ્છા મુજબ મન મુકીને જીવવાનું સ્થળ.

વેકેશનમાં ચલો મામાને ઘેર ભલે કહેવાતું પણ દિકરીને તો પપ્પાના ઘરે જવાની જ ઘેલછા અને ઇચ્છા હોય તો અવશ્ય હોય જ છે. સાસરે સુખના સૂરજ ગમે તેટલા ઉગેલા હોય પણ પિતાના આશરે બે દિવસનના છાંયડે દરેક દિકરી ફરી તાજી વેલ બની જાય છે. થોડા મહિના પહેલા જ ઘરનું રીનોવેશન પતી ગયું હતું. વ્હોટસએપના વિડિયો કોલમાં જોવા કરતા નજરો-નજર ઘરને જોવાથી કવિતાને વધુ ગમ્યું. બહેનની નજર તો ભાઇના સુખથી હરખાઇ જાય તેમ કવિતા પણ નવા ઘરને જોઇ હરખથી ધરાઇ ગઇ.

‘વાહ… મહેલ જેવું ઘર છે…! ગમી જાય તેવું… રંગની પસંદગી ખૂબ સરસ કરી છે.’ કવિતાએ રોનકની સામે જોઇને કહ્યું.

‘તારી ભાભીએ જ બધી પસંદગી કરી છે.. તેને ઇન્ટીરીયર ડિઝાઇનીંગનો કોર્ષ કરેલો છે. ઘરના રંગની… ડીઝાઇનની… બધા જ એન્ટીક પીસની… અને સામે આપણાં જુના બ્લેક & વ્હાઇટ નાનપણના ફેમિલી ફોટાને સરસ રીતે એડિટ કરી મઢાવી મુકવાનું તેને જ સજેશન આપેલું…!’ ભાઇએ તો નવા ઘરના સુંદર રીનોવેશનનો બધો શ્રેય તેની ભાભીને આપતા કવિતાને સહેજ અજુગતું લાગ્યું.

‘એ તો ભાઇ પાસે પૈસા હોય તો ભાભી ખર્ચા કરવાનું વિચારી શકે… બાકી તો લગ્ન પછી તો છોકરીઓનું ભણતર વહુ બની રસોડામાં જ કૂકરની સીસોટીઓ સાથે ઉડી જાય છે.’ કવિતાએ સહેજ નારાજ સ્વરે કહ્યું.

‘સાચી વાત છે કવિતાબહેન તમારી, તમારા ભાઇ તો લાખોમાં એક છે..! તેમને મને ખૂબ સપોર્ટ કર્યો છે.’ અને મધુરિમાએ ચા અને બિસ્કીટની પ્લેટ ડ્રોઇંગ રૂમમાં સજાવી દીધી. બધા નાસ્તા ફરતે ગોઠવાઇ ગયા. ચાનો કપ હાથમાં લેતા કવિતા પોતાના નાનપણના ફોટામાં એક ધારી નજરે જોવા લાગી અને થોડીવાર પછી બોલી, ‘આ રોનક તુ, આ પેલી હું… આ પપ્પા, દાદા-દાદી, મમ્મી… પણ આ એક નાની છોકરી છે તે કોણ છે…? મેં આ છોકરીને પહેલાં ક્યારેય જોઇ નથી.’

અને રોનકભાઇ તો તરત જ ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો, ‘ બેન… તેને ઓળખી બતાવે તો ખરી… અને જો ઓળખી દઇશ તો મારા તરફથી એક ગિફ્ટ…!’ રોનકે ફરી તે ફોટા તરફ ઇશારો કર્યો.

‘પરસોત્તમ કાકાની લીના….. ના, ના… મારી પેલી બેનપણી… રાધિકા…. ના… ના.. અરે આપણી બાજુમાં રહેતા શીવાકાકાની ઢબુ જ લાગે છે…!’ કવિતાની બન્ને આંખો બાયનોક્યુલર બની તે અજાણ્યા ફોટા પર યાદોનું ફોકસ સેટ કરી રહી હતી.

‘હજુ કોઇ યાદ આવે તો બોલી જા… લાસ્ટ ચાન્સ…!’ રોનકે ફરી કવિતાને જોઇ કહ્યું.

‘મને કેમ યાદ નથી આવતું… કોણ છે… તું જ કહે…!’ કવિતાએ છેલ્લે હાર માની લીધી.

‘આ છે મધુ…..!’ રોનકે હસતા- હસતા કહ્યું.

‘મધુ એ વળી કોણ….?’ કવિતા હજુ પણ ઓળખી શકી નહોતી.

‘અરે… તારી ભાભી.. મધુરિમા… આ તો ફોટો એડિટ કરતા વખતે જ અમને લાગ્યું કે આપણે મધુના નાનપણનો ફોટો પણ આપણી ફેમિલી ફોટામાં એડ કરી દઇએ…..આખરે તે પણ હવે હવે આ ફેમિલીની જ સભ્ય છે… અને તેનો નાનપણનો ફોટો અમે આપણી ફેમિલીમાં જોડી દીધો… જે જુએ છે તે બધા જ દંગ રહી જાય છે..!’ રોનકે સવિસ્તાર જવાબ આપતા કવિતા ફાટી આંખે તસ્વીર સામે જોતી જ રહી…

પ્રતીકાત્મક (સોર્સ : ગૂગલ)

અને સહેજવાર પછી બોલી, ‘ વાહ ભાભી…! ઘરની વહુના નાનપણનો ફોટો સસરાની ફેમિલીમાં હોય તેવું આજે મેં પહેલીવાર જોયું…’ અને કવિતાએ નજર ફેરવી લીધી.

‘સાચુ કહ્યું કવિતા બહેન, આ ઘર તો સ્વર્ગ જેવું છે… હું આ ઘરની જ દિકરી હોઉં એમ જ લાગે છે. મારી બધી વાત બધા તરત જ સ્વીકારી લે છે… પણ કવિતાબહેન એ વાત પછી અત્યારે તમે થાકી ગયા હશો… અહીં અમારા રૂમમાં આરામ કરો.. મમ્મી- પપ્પા સાંજે ચારેક વાગે આવશે. હું ફટાફટ જમવાનું બનાવી દઉં છું..’ મધુરિમા ચાના ખાલી કપ અને નાસ્તાની પ્લેટ લઇને રસોડા તરફ ચાલી.

કવિતા અને રોનક ડ્રોઇંગરૂમમાં એકલા હતા. કવિતાએ રોનક સામે જોઇને કહ્યું, ‘મારા ભત્રીજા દેખાતા નથી.. ક્યાં ગયા..? તેમના માટે ચોકલેટ લાવી છું.’

‘અરે…એ તો વેકેશન પડ્યું કે તરત મામાના ઘરે ઉપડી ગયા….!’ રોનકે જવાબ વાળ્યો.

‘તો ભાભી….?’ કવિતાએ પુછ્યું.

‘એ તો પછી જશે… મેં કહેલું કે પિયર જઇ આવ… પણ તે કહેતી કે મારી નણંદ આવે તો મનેય તેની સેવા કરવાનો ચાન્સ મલેને…! એટલે રોકાઈ છે.’ રોનકે જવાબ વાળ્યો.

પછી તો ડાઇનીંગ ટેબલ પર સ્વાદિષ્ટ જમવાનું અને મધુરિમાના જ વખાણ….! સાંજે મમ્મી-પપ્પા આવ્યાં તો કવિતા બન્નેને વળગી પડી. ‘પપ્પા તમે કેમ દુબળા પડી ગયા છો? મમ્મી તું તારી દવા બરાબર લે છે કે કેમ?’ જેવી ઘણીબધી નાની નાની ચિંતાઓ કવિતાના મુખેથી સરી પડી.

‘અરે બેટા કવિતા… આ તારી ભાભી જો ને… જ્યારથી મારું કોલેસ્ટેરોલ વધારે આવ્યું છે ત્યારથી મારુ જમવાનું શિડ્યુલ બદલી નાખ્યું છે… ફેટ, સુગર તો બંધ જ કરાવી દીધું છે.. યોગા અને કસરત નિયમિત કરાવે છે… તારી મમ્મીને પણ કપાલભાતિ શીખવાડી દીધું છે.’ પપ્પાના મુખે પણ મધુરિમાના વખાણ સાંભળી કવિતાની નજર ફરી પેલા ફોટા તરફ ખેંચાઇ ગઇ.

જેવી રીતે ભાભીએ આ ઘરમાં સ્થાન લીધું છે તેવી રીતે કવિતા પોતે પોતાની સાસરીમાં સ્થાન લેવા નિષ્ફળ રહી હતી. અરે… તેનો એક ફોટો ઘરમાં લગાવેલો તો પણ સાસુએ હટાવી લીધો હતો. રાત્રે કવિતા અને ભાભી એકલા બેઠા અને મન મુકીને વાતો કરી, ‘ ભાભી.. તમે તો ખરેખર ઘરને બદલી જ દીધું છે હોં…! આમ તો એમ બનતું હોય છે કે ઘરની વહુએ બીજા કહે તેમ કરવું પડતું હોય છે જ્યારે આ ઘરમાં તો વહુ કહે તેમ બધુ થાય છે.’

‘કવિતાબેન આપણું કામ જ ઘર અને પરિવારજનોને સાચવવાનું છે…. હું તેમનું ધ્યાન રાખું છું.. અને તે પણ મારું ધ્યાન રાખે છે..’ મધુરિમાએ જવાબ વાળ્યો.

‘તમારે પિયર ક્યારે જવાનું છે?’ કવિતાએ પુછ્યું. ‘કવિતાબેન તમ તમારે ધરાઇને રોકાઇ જાવ… મને પણ તમારી સેવા કરવાનો મોકો આપો.. તમે રોકાશો ત્યાં સુધી હું પિયર નથી જવાની હોં.’ મધુરીમાએ ફ્રુટપ્લેટ તૈયાર કરીને આપી.

‘ભાભી તમે ખૂબ સારા છો… હું તમારા કરતા નાની છું… મને ‘તું’ કહીને બોલાવો અને કવિતા જ કહો મને ગમશે.’ કવિતાએ સાલસતાથી કહ્યું.

‘અરે… એમ મારી જીભ ના ઉપડે… આ ઘરના સૌથી લાડકવાયા તમે છો.. તમને ખબર છે મમ્મી-પપ્પાએ તેમના બેડરુમમાં તેમની નજર સામે તમારી જ તસ્વીર લગાવેલી છે. હું ઉંમરમાં ભલે મોટી હોઉં પણ તમને ‘તું’ કહેતા મારી જીભ ન ઉપડે…’ મધુરિમાએ પણ હળવાશથી જવાબ વાળ્યો.

‘હું હવે સૂઇ જવું… મને સહેજ માથું દુ:ખે છે..’ કવિતાએ પોતાનું માથું દબાવતા કહ્યું. ‘અરે.. કહેતા કેમ નથી… હાલ જ તમને માથામાં તેલ નાખી દઉં.. સહેજ માલીશ કરી દઉં.. અબઘડી માથું ઉતરી જશે…’ મધુરિમા તો તરત જ તેલની શીશી લેવા ઉભી થઇ ગઇ. ‘અરે… ભાભી તમને નાહક્ના પરેશાન કરવા… એ તો મટી જશે…’ કવિતાએ કહ્યું ખરું પણ મધુરિમા એમ માને તેમ નહોતી.

પછી તો આગ્રહ કરીને માથામાં તેલ લગાવી અને માલિશ કરી આપી, ‘ જુઓ કવિતાબેન આપણે સ્ત્રી એટલે દરેકની ચિંતા કરવાનું આપણાં કપાળે લખાયેલું જ છે. મારું તો માનવું છે કે સ્ત્રી જેટલી પુરુષ અને પરિવારના સુખની ચિંતા કરશે તેટલો જ સામેથી પુરુષ કે પરિવાર તરફથી પ્રેમ મળશે.’
કવિતાને તો ભાભીના મીઠા બોલ અને માથામાં થતી માલિશથી એક અગમ્ય શાંતીનો અનુભવ થયો અને વિચારે ચઢી ગઇ,

‘ક્યાં મારું સાસરું…! અને ક્યાં મારું પિયર…! મારા સાસરે તો લાગે કે કોઇ જ મારું નથી.. કોઇને મારી દરકાર નથી… મારી સાસુ સાથેની રોજે-રોજ ખટરાગ…. મારો પતિ પણ બધુ તેની માંનું કહ્યું જ કરે…. અરે મારી નણંદ આવવાની છે તે જાણીને હું પણ પિયર જલ્દી આવી ગઇ.. નહી તો મારે મારી નણંદ સાથે ઝઘડો જ થાય… ત્યાં મારી કોઇને પડી જ નથી અને અહીં તો ભાભીની બધા ચિંતા કરે… અને સામે બધા તેને પણ સપોર્ટ કરે… અને આ મારા ભાભી હું આવવાની છું તે જાણીને પોતાને પિયર જવાનું કેન્સલ કરી દે….

હા, ભાભીની વાત પણ સાચી છે કે સ્ત્રીએ જ પુરુષ અને પરિવારની દરકાર કરવી એ જ તેનો ધર્મ છે… અને બધા મને કેમ સમજતા નથી તેમ હું કાયમ વિચારતી હતી…. પણ આજે સમજવામાં આવ્યું કે પરિવારના પ્રિય બનવા તો પહેલા પોતે સમજણા થવું પડે.’ માથામાં માલિશ અને સુખદ વિચારો વચ્ચે કવિતા તો ભાભીના ખોળામાં જ સૂઇ ગઇ.

થોડીવારમાં મમ્મીએ આવીને કવિતાને જગાડી, ‘કવિતા…!’ અને કવિતા જાણે ગાઢ નિંદ્રામાંથી બહાર આવી હોય તેમ જાગી અને બોલી, ‘ વાહ… ભાભી તમારા હાથમાં તો જાદુ છે.. માથાનો દુ:ખાવો પણ ગાયબ… અને ક્યાં સૂઇ ગઇ ખબર જ ન પડી.’ અને પછી તો કવિતાને તો દસ દિવસ ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી. આખરે તેને પાછું પોતાના ઘરે જવાનો સમય આવી ગયો.

તેને સાસરે જવાનું હતું તેની આગલી રાતે પપ્પાએ પોતાના રૂમમાં બોલાવી અને કહ્યું, ‘ કવિતા, અમને ખબર છે સાસરે તારે તકલીફો છે… મતભેદ તો રહ્યા કરે… બેટા તારામાં અમારા સંસ્કાર છે… તું પરિવારમાં પોતાને કેન્દ્રમાં રાખવા કરતા ‘પરિવારના સુખ’ ને કેન્દ્રમાં રાખીશ તો પરિવારના વર્તુળનું કેન્દ્રસ્થાન તું બની જઇશ.. પરિવારમાં ક્યારેય કોઇ પરાયું હોતું જ નથી…

લાગે છે કે મધુરિમાએ જ અમને શીખવ્યું છે કે આપણે જ જ્યારે મનથી દુર થઇએ છીએ ત્યારે સૌ કોઇ પણ તમને દૂર થતા હોય તેમ લાગે છે…અને જ્યારે આપણે બીજાની સતત ચિંતા કરીએ છીએ ત્યારે તેઓ પણ તમારી જ ચિંતા કરે છે… અને આ જ સંસાર સુખનો નિયમ છે.. તું ખૂબ સુખી થા.. અને સૌને સુખી કર…!’ અને વિદાયવેળાંએ જેમ વળાવતા હોય તેમ કવિતાના પિતાજીએ કવિતાના માથે હાથ મુકી ગદગદિત થઈ ગયા.

કવિતા પણ બોલી, ‘ સાચી વાત છે, પપ્પા… મને આપણા ઘરના ફેમિલી ફોટો પરથી જ સમજાઇ ગયું કે ઘરની વહુના નાનપણનો ફોટો સાસરીયાની દિવાલના ફેમીલી- ફોટોમાં કેવી રીતે સ્થાન પામે છે.’

સ્ટેટસ :

ફેમિલીનો ફોટો એ પરિવારની જુની યાદોની ફ્રેમ છે…

દિવાલ પર એ જ રહી જાય જેના દિલમાં પ્રેમ છે…

લેખક – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા ચાર રોમાંચ જિંદગીના અને ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક હું.

અવશ્ય વાંચો અને વંચાવો…

(સાભાર મનોજ કુમાર પરમાર, અમર કથાઓ ગ્રુપ)