પાત્ર પરિચય શ્રીમદ્દ ભગવદ્દ ગીતા : બ્રાહ્મણ કોને કહેવાય? જાણો આદર્શ બ્રાહ્મણના ગુણો વિષે વિસ્તારથી.

0
258

મહાભારત, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને ધમ્મપદ ધર્મગ્રંથો અનુસાર જાણો બ્રાહ્મણ કોને કહેવાય.

“શ્રીમદ્દ ભગવદ્દ ગીતા પાત્ર પરિચય કોશ”

“બ્રાહ્મણ”

शमो दमः तपः शौचं क्षान्तिरार्जव एव च।

ज्ञानविज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजम् ॥ ८-४२

બ્રાહ્મણ કોને કહેવાય? જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોના આવેગોને જ્ઞાનપૂર્વક શમાવી દે છે, જે તપશ્ચર્યા દ્વારા પોતાના દેહનું દમન કરે અને દેહ તથા મનની અશુદ્ધિ દૂર કરે, જે મન, વાણી અને કર્મને સ્વચ્છ તથા પવિત્ર રાખે, જે સ્વભાવથી અત્યંત સરળ તથા નિખાલસ હોય, સદાય જ્ઞાન અને વિજ્ઞાનની સાધના કરતો હોય તથા પરમાત્મામાં ઊંડી શ્રદ્ધા ધરાવતો હોય અને આ બધું પોતાના સ્વભાવ અને ગુણકર્મને આધારે કરતો હોય તે જ બ્રાહ્મણ કહેવાય અને તે જ આગળ જતાં બ્રહ્મર્ષિ થઈ શકે.

આ સમાજમાં અમુક જ વર્ગને જ્ઞાનની ઊંડી ને ઊંડી સાધનામાં સ્વાભાવિક જ રસ હોય છે. એમને ઉપદેશક, આચાર્ય કે શિક્ષક-પ્રાધ્યાપક થવું ગમે છે, વકીલ કે ન્યાયાધીશ થવાનું ગમે છે, પુસ્તકો લખવાનું, કાવ્યો રચવાનું, શાસ્ત્રો રચવાનું મન થાય છે. આવા સર્વ મનુષ્યોને ઇન્દ્રિયો પર કાબૂ રાખવાનું, દેહનું દમન કરવાનું, સખત બૌદ્ધિક પરિશ્રમરૂપી તપ કરવાનું ગમે છે. એમનાં સ્વભાવ પણ ઉદાર હોઈ તેઓ સામી વ્યક્તિના દુર્વ્યવહારને માફ કરે છે.

આવા વિદ્વાનો તથા વૈજ્ઞાનિકો વગેરે જ ભગવાન શ્રીકૃષ્ણની દૃષ્ટિએ સાચા બ્રાહ્મણો છે. પછી ભલે વર્તમાન સમાજ એમને જન્મ અનુસાર ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર ગણતો હોય !

સમાજના મનુષ્યોના ગુણકર્મ પ્રમાણે આ ચાર મુખ્ય વિભાગમાં સમગ્ર માનવજાતિ આવી જાય છે અને તેઓ જો પોતપોતાની રુચિ અનુસાર પોતપોતાના વ્યવસાયમાં મગ્ન રહે તો જરૂર સંપૂર્ણ સફળતા પામે એમ શ્રીકૃષ્ણે કહ્યું છે.

‘અને જે બ્રાહ્મણવર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ – એ આદિક જે ગુણ, તેમણે યુક્ત થવું.’ – ભગવાન સ્વામિનારાયણ.

‘બ્રાહ્મણો વેદો વડે જુએ છે.’ – મહાભારત-ઉ.

‘વેદમંત્રોનાં જ્ઞાનને કારણે બ્રાહ્મણો મોટા ગણાય છે.’ – મહા.ઉ.

‘વેદોનું જ્ઞાન ન હોય તે બ્રાહ્મણોનો મહાન દોષ ગણાય છે.’ – મહા.ભા.૬

‘ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તે બ્રાહ્મણ અધમ કહેવાય છે.’ (સૌપ્તિક)

જે બ્રાહ્મણ હોય તે જરૂર સત્યની સાધના કરે.’ (મહા.ભારત – દ્રોણ)

ભગવાન બુદ્ધે ધમ્મપદ ધર્મગ્રંથના ૨૬ મા પ્રકરણમાં આદર્શ બ્રાહ્મણ કેવા હોય એનું યથાતથ વર્ણન કર્યું છે.

આદર્શ બ્રાહ્મણ બળપૂર્વક તૃષ્ણાનો પ્રવાહ રોકી કામનાઓથી મુક્ત રહે છે.

આદર્શ બ્રાહ્મણ નિર્ભય અને અનાસક્ત હોય.

આદર્શ બ્રાહ્મણ નિર્મળ, ધ્યાની ને સ્થિર હોય તથા તે પરમ સત્યને પામેલ હોય. તે ધ્યાનથી શોભે છે. તે દ્વેષથી પર હોય છે.

આદર્શ બ્રાહ્મણ પ્રેયને બદલે શ્રેયને પસંદ કરે છે. તે મન, વચન, કાયાથી પાપ કરતો નથી. જાતિ, ગોત્ર કે જટાથી કોઈ બ્રાહ્મણ ગણાતો નથી પણ શુચિતા, ધર્મ ને સત્યથી બ્રાહ્મણ ઓળખાય છે. તે ભોગથી લોપાતો નથી.

આદર્શ બ્રાહ્મણ મેધાવી અને જ્ઞાનનિષ્ઠ હોય, પરમ સત્યને પામેલો હોય, વેરભાવનાથી મુક્ત હોય, રાગ-દ્વેષ અને માનથી પર હોય, એનાથી કોઈ દુભાય નહીં, તે અપરિગ્રહી હોય, નિઃસંગ હોય. ન ક્રોધ જેને વ્રતી, શીલવાન, અકામકામી વળી દાન્ત ને શુચિ છેલ્લો જ જેનો ભવ-જન્મ આ છે તેને લ હુ બ્રાહ્મણ હું અપાય. – ‘ધમ્મપદ’, અનુ. : સ્વ. વિજયશંકર કામદાર.

બ્રહ્માજીએ તપ કરીને વેદોનાં રક્ષણ માટે, પિતૃઓ અને દેવોની તૃપ્તિ માટે તથા ધર્મની રક્ષા માટે બ્રાહ્મણોનું સર્જન કર્યું છે. વિપ્રો સર્વમાં શ્રેષ્ઠ છે કારણ કે તેઓ વેદો આદિનું અધ્યયન કરે છે. એમનામાં પણ અનુષ્ઠાન કરનારા બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. એમનામાં ય અધ્યાત્મજ્ઞાની બ્રાહ્મણો સર્વોત્તમ છે. (યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ – દાનપ્રકરણ : ૧૯૮-૯૯)

(સર્વોત્તમ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મર્ષિ કહેવાય. એ જ બ્રાહ્મણ દુરાચારી બને, દુર્ગુણી બને ત્યારે ભામટો કહેવાય. અજ્ઞાની બને ત્યારે બામણ કહેવાય. રસોઈયો, પાણી પાનાર કે ચાની ગોખલી ચલાવે ત્યારે ભટ કહેવાય. કથાવાર્તા કરે ભટજી કહેવાય. હ-થિ-યા-ર ધારણ કરે ત્યારે ભટ્ટ કહેવાય. લશ્કરમાં ઉપરી થાય તો સુભટ કહેવાય. વિદ્વાન હોય તો વિપ્ર કહેવાય. દેવની માફક વર્તે તો ભૂદેવ કહેવાય. જેવી બ્રાહ્મણની લાયકાત!)

લેખક : યોગાચાર્ય શાંતિકુમાર જ. ભટ્ટ