જય શ્રીકૃષ્ણ.. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં ૫૧૧૭ વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય.. ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ
૧) ‘શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.
૨) મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ ના કુલ ૧૮ અધ્યાય એટલે જ ગીતા.
૩) સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ – જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ – જે ૧૮ મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૃપાંતર કરી ગીતા લખી.. તે વેદવ્યાસને વંદન.
૪) ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૃપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ…
૫) ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.
૬) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ ૨૮ વખત, અર્જુન ઉવાચ ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ ૯ વખત આવે છે.
૭) ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુ ધકરવા, યુ ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.
૮) આખી ભગવદ્ ગીતામાં હિંદુ શબ્દ એક પણ વખત આવતો નથી તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.
૯) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.
૧૦) શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.
૧૧) ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.
૧૨) ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.
૧૩) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધાર સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી..
૧૪) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.
૧૫) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ ‘મમ’ છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે..
૧૬) સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક અનાસક્તિ યોગ આપ્યું છે. ઉપનિષદમાં પણ કહ્યું છે ત્યેન ત્યક્તેન ભુંજિથા – ત્યાગીને ભોગવો.
૧૭) ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ચાર વેદો છે પણ ગીતાને પાંચમો વેદ કહેવાય છે.
૧૮) મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના કુલ અક્ષરો પણ ૯ થાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં ‘યોગ’ શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦ (નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે જેમ કે નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯ નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે..
૧૯) ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો ‘ય’ – અક્ષર ઉપરથી શરૃ થાય છે જ્યારે બીજા નંબરે ‘અ’ – ઉપર ૯૭ શ્લોકો છે.
૨૦) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ – ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ ૪ વખત, મોક્ષ શબ્દ ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ – ૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.
૨૧) સમગ્ર ગીતાસાર અધ્યાય ૨ માં આવી જતો હોવાથી અધ્યાય ૨ ને એકાધ્યાયી ગીતા કહેવામાં આવે છે.
૨૩) અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭ શ્લોકને સપ્તશ્લોકી ગીતા કહે છે.
૨૪) શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.
૨૫) ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાાનનો વિશેષ મહિમા છે.
૨૬) કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય..
૨૭) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.
૨૮) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે. અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા
૨૯) સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.
૩૦) ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૃક્તિ – પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે. અધ્યાય/શ્લોક ૩/૩૫, ૬/૧૫ ૧૮/૪૭, ૬/૨૮ અધ્યાય/શ્લોક ૯/૩૪ , ૧૮/૬૫
૩૧) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા-ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ રૃપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે
(૧) મહાત્મા ગાંધીજી – અનાસક્તિ યોગ (૨) વિનોબા ભાવે – ગીતા પ્રવચનો (૩) આઠવલેજી – ગીતામૃતમ્ (૪) એસી ભક્તિ વેદાંત – ગીતા તેના મૂળરૃપે (૫) કિશોર મશરૃવાળા – ગીતા મંથન (૬) પં. સાતવલેકરજી – ગીતાદર્શન (૭) ગુણવંત શાહ – શ્રીકૃષ્ણનું જીવન સંગીત (૮) શ્રી અરવિંદ – ગીતાનિબંધો (૯) રવિશંકર મહારાજ – ગીતાબોધવાણી (૧૦) કાકા કાલેલકર – ગીતાધર્મ
૩૨) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ ૫૧૧૬ વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.
૩૩) ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૃઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં ઈતિ થી થાય છે જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ – અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.
૩૪) ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.
૩૫) ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ, વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. (દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)
૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫, ૧૭/૨૦, ૧૮/૬૬, ૧૮/૭૮
૩૬) ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં ૨ અક્ષર કુલ ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ વારંવાર ગાવા લલચાશો.. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ પાંચ શ્લોકો નીચે મુજબ છે એકવાર તો ગાઈ જુઓ.. ૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮
૩૭) ગીતામાં ગણિતનો પણ અદ્ભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૃપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૃપ વિગત અત્રે પ્રસ્તુત છે
૧. એકાક્ષરમ (એક) ૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા) ૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ) ૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ) ૫. પાંડવા (પાંચ પાંડવ) ૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય) ૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ) ૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ) ૯. નવ દ્વારે (નવ દ્વાર) ૧૦ ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય) ૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર) ૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય) ૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો) ૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો) ૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ) ૧૬. મરુતામ્ (૪૯ મરૃતો) ૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર) ૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો) ૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)
૩૮) ઘણા એવી શંકા કરે છે કે યુ ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦ (દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુ ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ – અર્જુનનો સંવાદ ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.
૩૯) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ -અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે, ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૃપ ધન્યવાદ પણ છે.
૪૦) ગીતા વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ હવે ગીતા ખોલો. પેન્સિલ – પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય – જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો.. મહાત્મા ગાંધીજી ખુદ કહેતા મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું….
જય શ્રીકૃષ્ણ…
– સાભાર સંજય મોરવડીયા (અમર કથાઓ ગ્રુપ)