ભગવાન દત્તાત્રેયનું જીવનચરિત્ર અને દત્ત જયંતીની સાચી ઉજવણી કોને કહેવાય તે જાણો.

0
478

અત્રિ અને અનસૂયાના ઘેર જેનો પ્રાદુર્ભાવ થયો તે ભગવાન દત્તાત્રેય આદિ ગુરુ અને જ્ઞાનના અવતાર છે. અત્રિના પુત્ર હોવાને કારણે એ ‘આત્રેય’ કહેવાયા. અત્રિ ૠષિ બ્રહ્માના નેત્રમાંથી ઉત્પન્ન થયા હતા, તે બ્રહ્માના માનસપુત્ર હતા. અનસૂયા માતા કર્દમ ૠષિ અને દેવહુતિ માતાના પુત્રી હતા. સાંખ્યશાસ્ત્રના રચયિતા કપિલ મુનિના બહેન હતા.

દત્તાત્રેય શબ્દ દત્ત + આત્રેય શબ્દ સંધિથી બનેલો છે. જેણે પોતાનું સર્વસ્વ અનસૂયાને આપી દીઘું, જેણે પોતાની જાત અનસૂયાને અર્પણ કરી દીધી તે દત્ત કહેવાયા. અત્રિના પુત્ર હોવાથી આત્રેય કહેવાયા. ઘણા ભૂલથી દત્તાત્રેયને દત્તાત્રય કહે છે પણ એ શબ્દ બરાબર નથી.

ગુજરાતમાં ભગવાન દત્તાત્રેયની ઉપાસનાના બીજ ગરુડેશ્વરમાં સમાધિ લેનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે વાવ્યા. અને એનો વિસ્તાર નારેશ્વરના સંત પ.પૂ. રંગ અવઘૂત મહારાજશ્રીએ કર્યો. શ્રીમદ્ ભાગવત્ના અગિયારમા સ્કંધમાં અવઘૂત- યદુનો સંવાદ આવે છે એ અવઘૂત એ જ ભગવાન દત્તાત્રેય છે.

અવઘૂત એ સાધકની કક્ષાનો સૂચક શબ્દ છે. કુટિચક, બહૂદક, હંસ અને પરમહંસ એવી સંન્યાસીઓની કક્ષા છે. અવઘૂત એ પરમહંસથી પણ ઉપરની કક્ષા છે. દત્ત ભગવાનનો જન્મ સહ્યાદ્રિ પર માહૂરગઢમાં થયો હતો.

માગસર મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીયુત પૂર્ણિમા-ચૌદસ ઉપરની પૂનમ એ એમનો પ્રાગટ્ય દિન-જન્મદિવસ. ભગવાન દત્તાત્રેય આદિ ગુરુ છે, જ્ઞાનવતારી છે અને ચિરંજીવી છે. ગુરુ પરંપરાની શરુઆતમાં પહેલા ગુરુ દત્તાત્રેય ભગવાન છે એ જ્ઞાનાવતાર છે. એમનું કાર્ય અજ્ઞાન દૂર કરીને જ્ઞાનનો ફેલાવો કરવાનું છે.

રામે રાવણનો અને કૃષ્ણ કંસનો અં ત કર્યો એવો અં ત ભગવાન દત્તાત્રેયે કર્યો નથી. રાક્ષસોના ત્રાસને દૂર કરવાનો દેવોને રસ્તો બતાવ્યો છે પણ ભગવાને જાતે હાથમાં શ સ્ત્રલઈને અં તકર્યો નથી.

દત્ત ભગવાન એ ચિરંજીવી છે. એમના જન્મની કથા છે પરંતુ ભગવાન રામ અને કૃષ્ણના જેમ જીવનલીલા સંકેલવાની કથા નથી. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણે પોતાનું કાર્ય પૂરું થતાં લીલા સંકેલીને સ્વર્ગારોહણ કર્યું એવું ભગવાન દત્તાત્રેયના જીવનમાં નથી.

ગુજરાતમાં ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની પાદુકા પગલા છે. આજે પણ ગિરનાર ઉપર એમનો વાસો છે. ભગવાન દત્તાત્રેય પોતે યોગી છે. બધા યોગીઓમા શ્રેષ્ઠ યોગી છે અને બધા યોગીઓના ઇશ્વર છે માટે એને યોગીશ્વર કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે.

ભગવાન કૃષ્ણ યોગના ઇશ્વર છે જ્યારે ભગવાન દત્તાત્રેય જેમે યોગ સિદ્ધ કર્યો છે એવા યોગીઓના ઇશ્વર છે. ભગવાન દત્તાત્રેય એ બ્રહ્મા, વિષ્ણુ (હરિ) અને શંકર (હર) ત્રણનું ભેગું સ્વરૂપ છે. પરંતુ ભગવાન દત્તાત્રેયની વિશિષ્ટતા એ છે કે તેઓમાં ૧૦૦% સત્વગુણ છે. રજસ કે તમસ ગુણ બિલકુલ નથી.

બ્રહ્માજીમાં, વિષ્ણુજીમાં અને શંકરમાં ત્રણે ગુણો છે આ ત્રણે દેવોમાં રહેલા ત્રણે ગુણોનું પ્રમાણ આ પ્રમાણે છે.

બ્રહ્મા : ૫૦% રજોગુણ, ૨૫/ સત્વગુણ અને ૨૫% તમોગુણ

વિષ્ણુ : ૫૦% સત્વગુણ, ૨૫% રજોગુણ અને ૨૫% તમોગુણ

શંકર : ૫૦% તમોગુણ, ૨૫% સત્વગુણ અને ૨૫% રજોગુણ

બ્રહ્માનો ૨૫% સત્ત્વગુણ, વિષ્ણુનો ૫૦% સત્વગુણ અને શંકરનો ૨૫% સત્વગુણનો સરવાળો એટલે ભગવાન દત્તાત્રેયનો ૧૦૦% સત્વગુણ.

અત્રિ-અનસૂયાનાના ઘરે પ્રગટેલા દત્તાત્રેયની જન્મકથાનું આઘ્યાત્મિક અર્થઘટન સમજાવતાં પ.પૂ. રંગ અવઘૂત મહારાજ ‘દત્ત ઉપાસના’ અંગે પ્રવચનમાં કહે છે કે :

‘‘અત્રિ ૠષિના ધર્મપત્ની તે સતી અનસૂયાજી. જેનામાં અસૂયા- દોષદ્રષ્ટિ કે મત્સરનો સદંતર અભાવ છે તેને ત્યાં પ્રભુ અવતાર ધારણ કરે એમાં શું નવાઈ?’’ માટે જ એ અત્રિ-અનસૂયાની એકનિષ્ઠ તપોભક્તિનું ફળ એ જ શ્રી દત્ત. અત્રિ ૠષિથી આવિર્ભાવ થયો માટે આત્રેય અને પોતાના આત્મદાનથી દત્ત એમ એ દત્તાત્રેય નામની સાર્થકતા.

દરેક વસ્તુનો આપણા ૠષિ-મુનિઓએ આઘ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણ રીતે વિચાર કરેલો છે. અને એ રીતે સાક્ષાત્કાર થાય તો જ અનુભવની પૂર્ણતા જામે. આઘ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરતા પરમાત્માના પ્રતીકરૂપ ૐ કારના અ, ઉ, અને મ એટલે જ સત્, ચિત્ અને આનંદ કે અસ્તિ, ભાતિ અને પ્રિય એ જ દત્તાત્રેયના ત્રણ મુખ.

પૌરાણિક ભાષામાં એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાયા છે. ૐ કારની અવ્યક્ત અર્ધમાત્રા એ એમનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે.

પ.પૂ. રંગ અવઘૂતજી કહે છે કે, આ દત્ત ઉપાસનામાં ઝઘડાને સ્થાન જ નથી. એનો કોઈ ઉપાસના સાથે વિરોધ નથી. કોઈ દેહધારી આસુરી દૈત્યનો અંત કરવા માટે એનો આવિર્ભાવ નથી. અત્ર્યનસૂયાની એકનિષ્ઠ ભગવદ્ ભક્તિના ફળરૂપ એ અવતાર સાધક માત્રને નડતા મોહાસુરનો નાશ કરી જગતમાં વિશુદ્ધ પ્રેમ, જ્ઞાન, અદ્વૈત ફેલાવવા માટે જ પ્રગટ થયેલો હોવાથી એને આદિગુરુ કહ્યા છે.

આવું દિવ્ય અર્થઘટન સાચી ભક્તિ કરવા માટે સાધકને પ્રેરે છે. પૂ.શ્રી રંગ અવઘૂત મહારાજ પોતાના અંગત ભક્તોને ધર્મની સૂક્ષ્મ દ્રષ્ટિ સમજાવતા. તેઓ હસવામાં જ કહેતા કે, તમે ગુજરાતના લોકો તો એવા શ્રદ્ધાળુ છો કે દત્તનો અર્થ ત્રણ મસ્તકવાળા દેવ એવો જ કરો. એટલે કોઈ ભેંસ ત્રણ મોઢાવાળા પાડિયાને જન્મ આપે તો તમે તો એને પણ દત્ત માની શ્રીફળ ચઢાવી હાર પહેરાવો એવા છો.

એટલે જ કોઈ ભક્ત પૂછે છે કે : ‘બાપજી ! દત્તાવતારીનો સાચો અર્થ શું થાય?’ તો એવા પ્રશ્નના જવાબમાં પૂ. શ્રી રંગ અવઘૂત મહારાજ જણાવતા કે જેનામાં દત્ત પ્રભુજીના ગુણોનો આવિર્ભાવ થયેલો દેખાય તે દત્તાવતારી કહેવાય? દત્ત પ્રભુનો મુખ્ય ગુણ ‘સર્વસ્વનું દાન કરવાનો’ જે વ્યક્તિ પોતાની વસ્તુ બીજાને આપી દેતા ખચકાય નહિ, સર્વસ્વનું દાન કરી દે તે દત્તાવતારી કહેવાય.

દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા ગુરુ કરવા એટલે જેનામાં કાંઈ સારું દેખાય તે શીખવાનો, અપનાવવાનો, અમલમાં મૂકવાનો સ્વભાવ દત્ત પ્રભુ ‘ગુણગ્રાહી’ છે જેનામાં આ ગુણગ્રાહીપણું પૂર્ણપણે દેખાય તે દત્ત કહેવાય.

દત્ત જયંતીની સાચી ઉજવણી :-

દત્ત જયંતીની સાચી ઉજવણી કરનારે પોતાનામાં દત્ત પ્રભુનું પ્રાગટ્ય કરવું, દત્તના ગુણોને જીવનમાં પ્રગટાવવામાં આ શરીરરૂપી સહ્યાદ્રિમાં આવેલું હૃદયરૂપી માહૂરગઢ છે. એમાં અપરોક્ષ જ્ઞાનરૂપ અત્રિ અને એકનિષ્ઠારૂપી સતી અનસૂયા દ્વારા દત્તને પ્રગટાવવાના છે. ‘જાણેલું કામ નહિ આવે, જીવેલું કામ આવશે.’ એ સૂત્રાનુસાર સદ્ગુણોને અમલમાં મૂક્યા વગર, જીવી બતાવ્યા વગર પરમ આનંદ અને કાયમી શાંતિ નહિ મળે.

વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા લાવીએ એ દત્ત જયંતિની સાચી ઉજવણી છે. ગરીબો પ્રત્યે પ્રેમ અને લાગણી એને માટે કંઈ કરી છૂટવાની ભાવના- તમન્ના અને જાતે ઘસાઈને ઉજળા થવાની વૃત્તિ જીવી બતાવીએ તો દત્ત જયંતીની સાચી ઉજવણી કરેલી ગણાય.

‘પરસ્પર દેવો ભવ’ અને ‘શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન્’ના સૂત્રો આપનાર પૂ. શ્રી રંગ અવઘૂત મહારાજ સુશિક્ષિત સંત હતા, રાષ્ટ્રભક્તિથી સભર હતા અને ધર્મ પ્રત્યેની સાચી દ્રષ્ટિ ધરાવતા હતા તેથી એમણે એમની નારેશ્વરની તપોભૂમિમાં સ્વકષ્ટાર્જિત અને સ્વાશ્રયપૂર્વક ભક્તોને દત્ત જયંતી ઉજવવાની રીત બતાવી. ઉત્સવ ઉજવવા માટે કે દેવોનું કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ પાસે માગવું નહિ એ સિદ્ધાંતનો એમણે ચુસ્તપણે અમલ કર્યો.

‘લાંઘણ હજો પણ માગણ ન હજો.’ એ નિયમને એમણે જીવનમાં જીવી બતાવ્યું. દત્ત જયંતીના પવિત્ર ઉત્સવ પ્રસંગે આપણે આપણા જીવનને વઘુ ઉર્ઘ્વગામી બનાવવાનો સંકલ્પ કરીએ એવી પ્રાર્થના.

જય ગુરુદેવ દત્ત.

– સાભાર વિજયસિંહ પરમાર અને શિરડી સાંઇ દ્વારકામી.