ભગવાન કાર્તિકેયને એક નહિ પણ અનેક માતાઓ હતી, જાણો તેમના જન્મ સાથે જોડાયેલી અદ્દભુત કથા.

0
862

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કાર્તિકેયને હતી અનેક માતાઓ, વાંચો તેમના જન્મની કથા અને 6 તેમના મસ્તકનું કારણ.

ભગવાન શિવના બે પુત્ર છે. એકનું નામ ગણેશ અને બીજાનું નામ કાર્તિકેય. એ વાત તો તમે જાણતા જ હશો. પણ જો અમે તમને પૂછીએ કે, ભગવાન કાર્તિકેયને કેટલી માતાઓ હતી? તો તમે બધા થોડા અચરજમાં પડી શકો છો, કારણ કે સામાન્ય રીતે લોકો એ જાણકારી ધરાવે છે કે, માતા પાર્વતી જ ભગવાન કાર્તિકેયની માતા હતી. પણ એવું નથી. ભગવાન કાર્તિકેયના જન્મ સાથે જોડાયેલી અલગ અલગ ઘટના છે જે જણાવે છે કે, ભગવાન કાર્તિકેયને એક નહિ પણ અનેક માતાઓ હતી. આજે આ લેખમાં અમે તે ઘટનાઓનું વર્ણન કરીશું, જેથી તમને ભગવાન કાર્તિકેય સાથે જોડાયેલી આ અદ્દભુત ઘટનાની જાણકારી મળી શકે.

ભગવાન કાર્તિકેયના જન્મને લઈને બે કથાઓ છે.

પહેલી કથા :

દેવદત્ત પટનાયકના પુસ્તક ‘દેવલોક દેવદત્ત પટનાયકના સંગ-02’ માં ભગવાન કાર્તિકેયના જન્મ સાથે જોડાયેલી પહેલી કથાનું વર્ણન મળે છે. આ પહેલી કથા મુજબ માન્યતા છે કે, ભગવાન શિવના જયારે લગ્ન થાય છે ત્યારે તેમની પત્ની એટલે કે માં પાર્વતી માતા બનવાની ઈચ્છા પ્રગટ કરે છે. પણ શિવજી કહે છે કે, તે સ્વયંભુ છે, અનાદિ છે અને અનંત પણ, તેથી તેમને પુત્રની શું જરૂર છે?

એટલે કે શિવ સ્વયંથી ઉત્પન થયા છે, નહિ કે પેદા થયા છે. તેમની ન તો કોઈ શરુઆત છે અને ન તો કોઈ અંત. તેથી ભગવાન શિવને પુત્રની શું જરૂર છે? પણ તેમની અર્ધાંગીની પુત્ર માટે હઠ કરવા લાગે છે. ત્યાર બાદ ભગવાન શિવ તેમનું બીજ માતાને આપવા માટે રાજી થઇ જાય છે.

પણ અહિયાં એક ઘણી જ અદ્દભુત એવી સ્થિતિ ઉભી થઇ જાય છે. બધા દેવી-દેવતા ભગવાન શિવ અને માતા પાર્વતીને એ સ્મરણ કરાવે છે કે, ભગવાન શિવના બીજમાં એટલું તેજ છે કે તેને કોઈ એક ગર્ભ ધારણ જ નહિ કરી શકે. તેથી આ બીજને ઘણા ગર્ભોમાં સ્થાન આપવું પડશે.

કથા મુજબ સૌથી પહેલા આ બીજને વાયુ દેવતાએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે એટલુ ગરમ હતું કે વાયુની શીતળતા પણ તેને ઠંડું ન કરી શકી. વાયુએ આ બીજને અગ્નિને સોપી દીધું પણ અગ્નિથી પણ આ બીજનો તાપ સહન ન થઇ શક્યો અને તેમણે આ બીજને માતા ગંગાને સોપી દીધુ. માં ગંગાએ જયારે તેને ગ્રહણ કર્યું તો તેની નદીનું બધું જળ તે બીજના તાપથી સુકાવા લાગ્યું અને નદીની લહેરોથી આ બીજ છ ભાગમાં વહેચાઈ ગયું.

માં ગંગાએ ફરીથી તેને નદીની નજીક જ આવેલા શર વનને સોંપી દીધું. પરિણામ સ્વરૂપે શર વન ભસ્મ થઇ ગયું. કહેવામાં આવે છે કે, તે શર વનની રાખ માંથી છ બાળકોએ જન્મ લીધો.

નવજાત શિશુ જન્મ સાથે રડવા લાગ્યું ત્યારે કૃતિકા નક્ષત્રની છ કૃતિકાઓ ધરતી ઉપર આવી અને આ છ શિશુઓને દૂધ પીવડાવી શાંત કર્યા. એ કારણથી ભગવાન શિવના આ પુત્રનું નામ કાર્તિકેય પડ્યું. પાછળથી માતા પાર્વતીએ આ છ શિશુઓને એક કરી દીધા અને આ રીતે ભગવાન કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય આ કારણે જ ઘણી જગ્યાએ છ મુખ સાથે દર્શાવવામાં આવે છે.

બીજી કથા :

બીજી કથા મુજબ તારકાસુર નામના દૈત્યને એ વરદાન પ્રાપ્ત થયું હતું કે, તેનો વધ માત્ર ભગવાન શિવના પુત્ર જ કરી શકે છે. પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નના તરત પછી તે દેવડારુ વનની એક ગુફામાં એકાંતવાસ માટે જતો રહ્યો. આથી બધા દેવતાઓએ તારકસુરના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની પ્રાર્થના કરવાનું નક્કી કર્યું અને તે બધા દેવડારુ વન તરફ જવા નીકળ્યા. પણ ત્યાં પહોંચીને કોઈ પણ દેવતામાં એટલું સાહસ ન ભેગું થઇ શક્યું કે તે ગુફામાં પ્રવેશ કરવાની હિંમત કરે.

પછી અગ્નિ દેવતાએ આ જોખમ ઉઠાવ્યું અને ગુફામાં પ્રવેશ કરી કબુતરના રૂપમાં ભગવાન શિવના બીજને ગ્રહણ કરી લીધું. પણ તેનો તાપ તેમનાથી સહન ન થયો અને તેમણે તેને માં ગંગાને સોપી દીધું અને પછી માં ગંગાએ તેને શર વનમાં નાખી દીધું હતું જેની રાખ માંથી કાર્તિકેયજીનો જન્મ થયો હતો.

એકદંરે બંને કથાઓમાંથી એક જ વાત સિદ્ધ થાય છે કે, ભગવાન કાર્તિકેયના પિતા તો એક હતા પણ તેમની માતાઓ ઘણી હતી. તેમાં કૃતિકા નક્ષત્રની તે છ કૃતિકાઓ પણ હતી જેમણે ભગવાન કાર્તિકેયને દૂધ પીવડાવ્યું હતું, માં ગંગા પણ હતા, શર વન અને અગ્નિ દેવ પણ હતા. છેલ્લે માતા પાર્વતીને તો તેમની માતાનો દરજ્જો પ્રાપ્ત હતો જ.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.