ભગવાન બુધ્ધ કોઇ એક ગામમાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા.
એક નવયુવાન ઉભો થયો અને બુધ્ધને કહ્યુ, “આપ આવી વાતો રોજ કરો છો આપની પાસેથી લોકોને માત્ર જ્ઞાન જ મળે છે પણ કોઇને ભગવાન કેમ નથી મળતા?”
બુધ્ધે યુવકને કહ્યુ, “આ સભા પુરી થયા પછી તું મને મળજે હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ.”
સભા પુરી થયા પછી યુવક બુધ્ધને મળ્યો.
બુધ્ધે એમને એક કામ સોંપ્યુ કે આવતી કાલે સભામાં આવે એ પહેલા તારે મારી કથા સાંભળવા આવતા દરેકની મુલાકાત લેવાની છે. તારે દરેકને મળીને એની એક એવી ઇચ્છા જાણવાની છે જેના માટે એ ભગવાનને પ્રાર્થના કરતો હોય.
યુવક એક એક ઘરે જઇને ઇચ્છા જાણવા માંડ્યો.
દરેક જગ્યાએથી જુદા-જુદા ઉતર મળ્યા.
કોઇને પોતાની માલિકીનું ઘર જોઇતું હતુ તો કોઇને યોગ્ય વર જોઇતો હતો. કોઇને નોકરીની ઇચ્છા હતી તો કોઇને છોકરીની ઇચ્છા હતી.
કોઇએ પોતાની માંદગી દુર કરવા માટેની માંગણી મુકી તો કોઇએ સારી નોકરી મળી જાય એવી ઇચ્છા વ્યકત કરી.
કોઇને સંતાન જોઇતું હતુ તો વળી કોઇને સન્માન જોઇતુ હતુ.
યુવાન બીજા દિવસે બુધ્ધ પાસે આવ્યો.
બુધ્ધે યુવાનને કહ્યુ, “રોજ આ કથા સાંભળવા આવતા લોકોના મનની ઇચ્છાઓને બધાની હાજરીમાં વાંચી સંભળાવ.”
યુવાને લોકોની ઇચ્છાઓની યાદી વાંચવાની શરુ કરી.
આખી યાદી પુરી થયા પછી બુધ્ધે કહ્યુ, “આ જુદી જુદી ઇચ્છાઓ પૈકી જેને ભગવાન મેળવવાની ઇચ્છા હોય એવા લોકોના નામ મને વાંચી સંભળાવ.”
યુવાને યાદી એક બાજુ મુકીને કહ્યુ , “તથાગત, મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે.”
મિત્રો, આપણે મંદિરમાં ભગવાન માટે જઇએ છીએ કે આપણી જાત જાતની ઇચ્છાઓની પૂર્તિ કરવા માટે જઇએ છીએ?
– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)