ભગવાનને ફળ, ફૂલ, જળ કેવી રીતે અર્પણ કરવા, તેનું મહત્વ શું છે, જાણો પૂજનમાં શું શું હોવું જોઇએ.

0
630

(સાભાર ધવલ કુમાર)

‘પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ।

તદહં ભક્ત્યુ પ્રહ્રતમશ્નામિ પ્રયતાત્મન:।।’

‘પાન, પુષ્પ, ફળ અથવા જળ જે મને (ઇશ્વર ને) ભક્તિપૂર્વક શ્રદ્ધા પૂર્વક અર્પણ કરે છે. એ શુદ્ધ ચિત્ત વાળા ભક્તોએ અર્પણ કરેલ પદાર્થોને હુ ગ્રહણ કરું છુ.’ ભાવ અને શ્રદ્ધાથી અર્પણ કરેલ અલ્પ વસ્તુઓને પણ ભગવાન સહર્ષ સ્વીકાર કરે છે. પૂજામાં વસ્તુ કરતા ભાવનું અનેકગણું મહત્વ છે.

પરંતુ મનુષ્ય જ્યારે આટલી ભાવાવસ્થામાં ના રહીને વિચારશીલ જાગૃત ભૂમિકા પર રહે છે ત્યારે એને લાગે છે કે પ્રભુ પર માત્ર પાન, ફૂલ, ફળ અને જળ ચઢાવવું સાચુ પૂજન નથી. આ બધા તો સાચા પૂજનમાં શું શું હોવુ જોઇએ સમજાવવા વાળા પ્રતીક માત્ર છે. જ્યારે તમે વસ્તુઓ કે પદાર્થો ઇશ્વરને આપો ત્યારે ભાવ વ્યક્ત કરી શકો છો. શક્તિ મુજબ ભક્તિ કરવી જ જોઇએ.

ભગવાનને ભોગ લગાવો અને શાસ્ત્રીય પદ્ધતિથી જમાડો ત્યારે જમાડવાનો ભાવ આવે છે. ભગવાન ભોગના નહિ ભાવના ભૂખ્યા છે, બાકી જે સંપૂર્ણ જગતને જમાડે છે એમને તમે શું જમાડશો? એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન શિવજી બીલીપત્રથી પ્રસન્ન થાય છે, ગણપતિ દૂર્વાથી સ્નેહ સાથે પ્રસન્ન થાય છે, તુલસી નારાયણ પ્રિય છે! અલ્પ મૂલ્યની વસ્તુઓ પણ હ્રદય પૂર્વક ભાવ સાથે ભગવદ્ચરણોમાં અર્પણ કરવામાં આવે તો એ અમૂલ્ય બની જાય છે.

પૂજા હ્રદયના ભાવ સાથે થવી જોઇએ. આવા સૂચન માટે જ હ્રદયાકારનુ નાગવલ્લી કપૂરીના પાનનો જ પૂજામા સમાવેશ કરવામાં આવ્યો હોઇ શકે ને! ‘छन्दांसि यस्य पर्णानि’ પર્ણ એટલે કે વેદ જ્ઞાન છંદ જેના પાંદડા છે. ભગવાનને કશુ આપવામાં આવે તો એ જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક અથવા વેદશાસ્ત્રની આજ્ઞાનુસાર આપવામા આવે એવુ અપેક્ષિત છે. જો શક્તિ મુજબ પૂજન ઇત્યાદિ ના કરવામાં આવે તો ભાવ રહેતો નથી. જેના વિશે અગાઉની પોસ્ટમા આપને જાણવા મળશે.

સંક્ષિપ્તમાં પૂજન માટે અપેક્ષિત મંત્ર નિર્ણય કરીને જ, અપેક્ષિત મંત્ર નિર્ણય કરીને જ શાસ્ત્ર મર્યાદાના પાલન સાથે પૌરાણિક, તાંત્રિક કે બીજ નામમંત્રથી શાસ્ત્રીય પૂજા કરવી જોઇએ. મંત્ર શૂન્ય પૂજા કેવલ એક યાન્ત્રિક પૂજા બનીને રહી જાય છે, જેની નિરસતાથી નિરાશા ઉત્પન્ન થઇને ઉબ થઇને મનુષ્યને થકવી નાખે છે. આટલુ જ નહિ, આગળ જઈને પૂજાવિધિ માટે મનમા અરુચિ ઉભી થાય છે એટલે સાચે જ કીધુ છે કે લાખો રૂપિયા હોય પણ ધર્મની ગાદી પર બેસવા તો પુણ્ય જોઇએ પુણ્ય.

પુષ્પ પણ એક પ્રતિક છે. ભગવાને બનાવેલુ ફૂલ ભગવાનના ચરણોમાં ધરવામાં એવી કઇ વિશેષતા છે? દેવોને ચઢાવેલ પુષ્પના નમનની, નિર્માલ્યને આખે મસ્તકે હ્રદયે લગાવતા સકારાત્મકતા આપણા શરીરની અંદર આવે, પુષ્પ ચઢાવવાની શાસ્ત્રીય ક્રિયા વિધિ આપણને યાદ અપાવે છે કે આપણે વાણી પુષ્પ, કર્મ પુષ્પ અને જીવન પુષ્પથી ઇશ્વરનું પૂજન કરવું જોઈએ. પુષ્પમાં સુગંધ છે, રંગ છે, મકરંદ છે, માર્દવ છે અને સકારાત્મકતા છે.

પુષ્પ જેવુ બનવા માટે આપણા જીવનના પણ સત્કર્મ થકી સૌરભથી મહેકતું જોઇએ, ભક્તિના રંગે રંગાયેલા હોવુ જોઇએ, જ્ઞાનના મકરંદથી પૂર્ણ હોવુ જોઇએ અને પ્રેમના માર્દવથી મુલાયમ હોવુ જોઇએ. આપણા હ્રદયને કમળની ઉપમા આપવામા આવી છે. હાલમાં આપણે ભગવાનના હ્રદય સ્વરૂપ દશમ સ્કંધ ભાગવતનું પણ કથા પાન કરી રહ્યા છીએ. આ દૃષ્ટિએ જોતા પુષ્પ અર્પણમાં હ્રદય સમર્પણનો અર્થ મિશ્રિત થયેલો છે.

ફલનો અર્થ છે કર્મફલ જેની શક્તિથી કર્મ થતા રહે છે એ જ કર્મફલના સાચા અધિકારી છે. इदं फलं मया देव स्थापितं पुरतस्तव કહીને પ્રભુને વિવિધ ઋતુ ફળ અર્પણ કરીએ એ ભૌતિક, પ્રત્યક્ષ છે ત્યારે આધ્યાત્મિક દૃષ્ટિએ કર્મફળ અર્પણ કરવાનું પણ ના ભૂલવું જોઇએ. કયા કર્મનું ફળ ભગવાન ખાશે? भूतभावोद्भवकरः विसर्गः कर्मसंज्ञितः’ પંચ ભૂતો ના ભાવ અને ઉદ્ભવ કરવા માટે આપણે જે કાઇ કર્યુ છે એ જ આપનુ સાચુ કર્મ માનવામા આવે છે એનું જ ફલ ભગવાન સ્વીકારે છે કર્મ ફલનો સ્વીકાર કરવાનો અધિકાર આપણને નથી. કર્મફલને ત્યાજ્ય માની ફેંકી દેવુ પણ યોગ્ય નથી.

એટલા માટે ગીતામા સમર્પણ નો સુંદર માર્ગ બતાવેલ છે. ભગવાનના ચરણોમાં સમર્પિત કરેલ ફલ પ્રસાદ બની જાય છે. આ જ પ્રસાદ આપણા જીવનની પ્રસન્નતાનુ નિર્માણ કરે છે. ભગવાનને નૈવેધ ચઢાવવું કે ભગવાનની પાસે અન્નકૂટ રાખવુ આ બધી વિધિ પાછળ આ જ ભાવ રહેલ છે. “ભગવાન” તમારી શકિતથી તમારા આશીર્વાદથી જ મને બધુ મળ્યુ છે. એટલા માટે તમારા ચરણોમાં અર્પણ કર્યા બાદ જ હુ પ્રસાદના સ્વરૂપમાં સ્વીકાર કરું છુ. આવી કૃતજ્ઞતા બુદ્ધિ એની પાછળ અપેક્ષિત છે.

હવે આવે છે तोयं એટલે કે પાણી. જીવનરસ જીવન રસમય બનાવીને ભગવાનના ચરણોમાં રાખવુ જોઇએ. જ્યા સુધી જીવન જીવવા જેવું લાગે છે ત્યા સુધી જ પ્રભુ કાર્યમાં સમર્પણ થવુ એ સાચી પૂજા છે. શેરડીનો રસ નિકાળવા માટે શેરડીને બે-ત્રણવાર મશીનમાં નાખો પછી ચૂરો થયા બાદ કોઇ આપણને કહે કે હવે આને ચૂસો તો એ આપણો સત્કાર નહિ કહેવાય. આવી રીતે શુષ્ક બન્યા બાદ જીવન ભગવાનના હાથોમાં આપીને કહીએ કે ભગવાન! હવે આ જીવન તમારા માટે છે, એટલા માટે રસમય જીવન જ સમર્પિત કરવું જોઇએ.

સંક્ષિપ્તમાં પ્રભુને પ્રેમપત્ર લખવો, જીવન પુષ્પ એમના ચરણોમાં અર્પણ કરવું, કર્મફળ એમને સમર્પણ કરવું અને રસયુક્ત જીવનકાળમાં જ પ્રભુના કામમા લાગી જવુ એ જ પ્રભુનું સાચુ પૂજન માનવામા આવશે.

વધુ ફરી ક્યારેક.

– ધવલ કુમાર.