જાણો અયોધ્યાના ધાર્મિક મહત્વ વિષે તેમજ અહીં આવેલા એવા મંદિરો વિષે જેનો રામાયણ કાળ સાથે છે સંબંધ.
હિંદુ ધર્મમાં અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમિ તરીકે જોવામાં આવે છે. એ કારણ સર આ સ્થાનનું મહત્વ હિંદુઓ માટે વધી જાય છે. તુલસીદાસે લખેલ રામચરિત માનસ મુજબ ત્રેતાયુગમાં અધર્મનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર શ્રી રામના રૂપમાં અવતાર લીધો હતો. અને તે દરમિયાન ભગવાન રામે દુષ્ટોનો નાશ કરી ધરતી લોક ઉપર ધર્મની સ્થાપના કરી હતી. તેથી આજે પણ સદીઓ પછી તમને અયોધ્યામાં ઘણા પ્રાચીન એવા મંદિર મળી જશે, જેનો સંબંધ પૌરાણીક કથાઓમાં ભગવાન રામ સાથે ગણાવવામાં આવે છે. તો આવો જાણીએ તે પ્રાચીન પ્રસિદ્ધ મંદિરો અને તેની કથાઓ વિષે.
કાલારામ મંદિર :
ઘણા પૌરાણીક ગ્રંથોમાં તમે અશ્વમેઘ યજ્ઞનું વર્ણન ઘણી વખત સાંભળ્યું હશે. જો રામાયણની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને ભગવાન રામે કરેલા અશ્વમેઘ યજ્ઞનું વર્ણન થયું છે. માનવામાં આવે છે કે, જે સ્થાન ઉપર ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું તે સ્થાન ઉપર આજે એક મંદિર બનેલું છે. તે મંદિરને લોકો કાલારામ મંદિરના નામથી ઓળખે છે. આ મંદિરમાં તમને કાળા બાલૂ પથ્થરની શ્રીરામની મૂર્તિ મળશે. તમને અહિયાં શ્રીરામ સાથે જ તેમના ભાઈઓ, ભગવાન હનુમાન, દેવી સીતા અને ઘણા ગુરુજનોના દર્શન પણ કરવા મળશે.
આ મંદિરની એક ખાસ વાત એ પણ છે કે, મંદિરના દ્વાર આખા વર્ષમાં માત્ર એક દિવસ કારતક સુદ અગિયારસ એટલે દેવપ્રબોધિનીના દિવસે જ ખોલવામાં આવે છે. તે ઉપરાંત બીજા 364 દિવસ તે મંદિર બંધ જ રહે છે.
નાગેશ્વરનાથ મંદિર :
અયોધ્યામાં ઘણા મંદિરો છે અને તેમાંથી એક પ્રાચીન મંદિર નાગેશ્વરનાથ પણ છે, જેને ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ મંદિરને લઈને તમને ઘણી પૌરાણીક માન્યતાઓનું વર્ણન સાંભળવા મળી જશે. તેમાંથી એક કથા મુજબ માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ કોઈ બીજાએ નહિ પણ સ્વયં ભગવાન રામના પુત્ર કુશે કરાવ્યું હતું.
એક વખત કુશ સરયુ નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને ભૂલથી તેમનું બાજુબંધ નદીમાં પડી ગયું, જે એક નાગ કન્યાને મળ્યું હતું. માનવામાં આવે છે કે, તે નાગકન્યા ભગવાન શિવની મોટી ભક્ત હતી. આથી કુશે પોતાના બાજુબંધના બદલામાં તેના માટે ભગવાન શિવના એક મંદિરનું નિર્માણ કરાવ્યું, જેને આજે નાગેશ્વરનાથ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.
હનુમાન ગઢીનું હનુમાન મંદિર :
અયોધ્યામાં આવેલુ હનુમાન ગઢીનું હનુમાન મંદિર અયોધ્યાના બધા મુખ્ય મંદિરો માંથી એક છે. તેના વિષે એવું માનવામાં આવે છે કે, અયોધ્યાના રક્ષણ માટે ભગવાન રામે આ સ્થાન ઉપર હનુમાનજીને બિરાજમાન રહેવા માટે આદેશ આપ્યો હતો. એટલા માટે તમને હનુમાનજીના આ પ્રાચીન મંદિરમાં માતા અંજનીની મૂર્તિના દર્શન કરવા મળે છે. જેમના ખોળામાં ભગવાન હનુમાન તેમના બાળ સ્વરૂપમાં બિરાજમાન છે.
છોટી દેવકાળી મંદિર :
માન્યતાઓ મુજબ અયોધ્યામાં આવેલા પ્રાચીન છોટી દેવકાળી મંદિરનો સંબંધ ભગવાન રામ અને દેવી સીતાના લગ્ન સાથે છે. પૌરાણીક કથાઓ મુજબ જયારે સીતાજી શ્રી રામ સાથે લગ્ન કરીને અયોધ્યા આવ્યા હતા, તો સાથે એક સુંદર ગીરીજા દેવીની મૂર્તિ પણ લાવ્યા હતા. આ મૂર્તિની સ્થાપના માટે રાજા દશરથે તે સ્થાન ઉપર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જ્યાં દેવી સીતા ગીરીજા માતાની પૂજા કરતા હતા અને આજે આ મંદિરને છોટી દેવ કાળી મંદિરના નામથી ઓળખવામાં આવે છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.