ભગવાન તો મૌન હતા પણ… વાંચો મંદિરમાં બનેલી એક ઘટના વિષે.

0
1016

રોજ ખાલીખમ રહેતાં ગામની ભાગોળ તરફ જતાં લાંબા લચક રોડ પર આજે વાહનોની અને માનવીઓની અવરજવર હતી. કો-રો-નાને લીધે ઘણાં લાંબા અંતરાલ બાદ રોડને છેવાડે આવેલાં મંદિરમાં, આવવાની છૂટછાટ બાદ લોકોની ભીડ જામી હતી. આજે અન્ય દિવસ કરતાં વિશેષ દિવસ હોવાને કારણે મંદિરને અને ભગવાનને ફૂલોથી અને આધુનિક લાઈટોથી સજાવાયું હતું. લોકોનું મન ભગવાનના દર્શન કરવાં ઉત્સુક હતું. સમગ્ર પરિસરનું વાતાવરણ ભક્તિમય હતું.

લોકો વારાફરતી ભગવાન સમક્ષ જઈને પગે લાગતાં, દંડવત કરતાં ને સાથે સાથે વહાલભર્યા શબ્દોનું ઉચ્ચારણ કરીને ધન્યતા અનુભવતાં. આ મંદિરમાં અઢારે વર્ણોને પ્રવેશ હતો તેથી પરફ્યુમની સુગંધવાળાથી લઈને પરસેવાથી ગંધ મારતાં ભક્તોનો મેળાવડો જામ્યો હતો.

એવામાં એક ચીંથરેહાલ મેલાં વસ્ત્રો પહેરેલ ઘરડાં બા લથડાતાં લથડાતાં મંદિર તરફ આવ્યા. જેમ જેમ ભગવાનની મૂર્તિ સામે આવતાં ગયાં તેમ તેમ એમની ચહેરાની મુદ્રા સામાન્યમાંથી આંસુ સારતાં ચહેરામાં તબદીલ થઈ ગઈ. બાએ ભગવાનને ખૂબ નીરખ્યાં ને પછી બંને હાથને લાંબા કરીને ઓવારણાં લઈને માથે આંગળીઓ મરડીને કડાકો બોલાવ્યો. ઈશ્વરનાં ઓવારણાં લેનાર બાનો પ્રગટ પ્રેમ અલૌકિક હતો. ચાલી શકતાં ના હોવાં છતાં મંદિરની પરિક્રમા કરી અને બોખાં દાંત વડે સાકરનો પ્રસાદ ખાતાં ખાતાં બહાર નીકળે છે.

મંદિરમાં પ્રવેશતી વેળાએ એમનાં કેટલીયવાર સંધાવેલાં ચપ્પલને તેઓ બહાર ઉતારીને આવેલાં. એમને મોતિયાને લીધે આંખે ઓછું દેખાય તો ઉતાવળમાં કોઈ બીજાનાં ચપ્પલ પહેરી લીધેલાં. બા એ હજી ડગલું માંડ્યું જ હતું કે પાછળથી બૂમ સંભળાણી, ‘ એ ડોશી! ચપ્પલ લઈને ક્યાં ચાલ્યાં? તમે પહેર્યા એ મારાં ચપ્પલ છે….! ‘

એ સ્ત્રી ગુસ્સામાં હતી પણ બાએ માફી માંગતા તરત ચપ્પલ કાઢીને પાછાં આપી દીધાં ને કહ્યું, ‘ભા.. મને એમ કે મારાં જોડાં છે. આ લ્યો તમારાં જોડાં ! ‘

પેલી સ્ત્રી રૂઆબથી તા ડૂકી, ‘ તે તમારા ચપ્પલ આવાં હોતા હશે.. ચારસો રૂપિયાનાં છે.. ભાર્યા છે બાપ-જીંદગી માં ! ‘

બા કંઈ બોલી ના શક્યા. ને એમનાં ચપ્પલ પહેરીને ફરીવાર ભગવાન સામે હાથ જોડીને પાછા વળ્યાં. ભગવાન તો રોજની જેમ મૌન હતા પણ મંદિરની ધજા ફરકી ફરકીને બાને કંઈક પૂછી રહી હતી….!

– વિશાલ દંતાણી (અમર કથાઓ ગ્રુપ)