“બેન એટલે?” : ભઈલા અને પરિવાર માટે બેન શું હોય છે તે જાણવા માટે આ લેખ જરૂર વાંચજો.

0
1139

બહેન અક્સર બડી હોતી હૈ !

બેન. ભઈલા માટે એકદમ પાગલ એટલે બેન. એક મજાનો તાંતણો કેવો છલોછલ એટલે બેન. પોષી પૂનમની ચાંદની એટલે બેન. રાખડી બાંધતી વખતે ભઈલાના હાથે કેવી વીંટળાતી એ બેન. બાની ગેરહાજરીમાં ‘બા જેવી લાગતી’ એ બેન. બાપુ માટે ગ્લાસ પાણીનો બનતી બેન. ભઈલા વત્તા બેન બરાબર મસ્તીભરી જિંદગી ! ‘તમે બધીયું રમવાં જાવ’ એમ કહી ભઈલાને હીંચકાવતી. ભઈલાને હીંચકાવામાં રમવાનું ત્યાગતી બેન.

પાટીમાં જો ભઈલો હાથ ફેરવી લેસન ભૂંસી નાખે તો હોંશભેર ફરી ફરી લેસન કરતી બેન. નાનકડાં ભઈલા પર ઓળઘોળ. પાંચીકા રમતાં રમતાં ભઈલાનું ધ્યાન રાખવા ફેરવે આંખો ગોળગોળ. ભઈલાને ભાવતી ચૉકલેટ કંપાસમાં સંતાડતી બેન. મોળાવ્રતનો પેંડો આપતી બેન. ‘જમવાનું અબઘડીએ બની જાશે’ એમ કહી ચૂલામાં ફૂંકતી બેન.

‘ભાઈની બહેન રમે કે જમે’ એમ કહ્યાં પછી ભઈલાના કાનમાં કહેતી કે : ‘જમે એમ કે જે ભાઈ !’ આવી ભોળી ભોળી એ બેન. ઠેસ વાગે ભઈલાને અને ઠોકરનું દર્દ થાય બેનને. આંસુ આવે ભઈલાને અને દર્દ થાય બેનને. મોળાવ્રતનાં જવારા ઉપડાવતી બેન. ‘બાપુ મારે કાંઈ નથી લેવું – મારી હાટુનું ભઈલાને લઇ દો’ એમ કહી મેળામાં આંખોથી રમકડાંને સ્પર્શતી બેન.

સાતમી ચોપડી ભણતી બહેન વર્ગની બહાર આવે ત્યારે બીજામાં બેઠેલો ભઈલો શું કરે છે? એવી સંભાળ લેતી બેન. મંદિરયાનો પ્રસાદ ખોબલામાં સંતાંડી ભઈલાને જમાડતી બેન. ઘરમાં મહેમાન વધારે હોય ત્યારે ઓશિકા વગર આરામથી નિંદ્રાતિ બેન. સુકુનનો પર્યાય એટલે બેન. મેળામાં બાપુની પહેલી આંગળી એટલે બેન. ફટાકડાં ફૂટતી વખતે બંને હાથથી કાન દબાવી રાખતી બેન. બીકણ બેન ભાઈના સંભાળ વખતે વીર બનતી બેન.

પહેલી બળેલી રોટલી જોઈને વારંવાર રડતી બેન. બાપુ પૂછતાં કે : ‘કાલે શેરમાં જાવાનો, શું લાવું તારી હાટુ છોકરી?’ ચાંદા જેવાં રોટલાં ટીપતી ટીપતી કહે ‘કાંઈ નૈ બાપુ’ આવી નિસ્પૃહી બેન ! આપણે બહેનાની આંખોમાં ભઈલાનું શમણું જોઈ શકીએ. ભઈલા સાથે હાથાજોડી કરી ચાલતી બહેનને નમણું કહી શકીએ.

કૂકીઓ શોધતી, નવા સાબુથી બે વખત મો ધોતી, વાસણ વિછળતી, દોરડાં કૂદતી, ગાગર છલકાવતી, રોટલી વઘારતી, શાક સમારતી, ચણીયા ચોળી પહેરી ઘર આખામાં છમછમ ફરતી, ભઈલા સાથે રમ રમ કરતી, બાપુને બહુ ગમતી, લીપ્સ્ટીક આડી-અવળી કરતી, નૅઈલ પોલીસ ઢોળતી, મહેંદી મુક્તી, રડતી, માની જતી, મનાવતી, હસાવતી, બેનની યાદ સતાવતી એવી બેન !!!

બહેન તેનાં ભાઈ પાસે સાત જન્મનાં સધિયારા કેમ નથી માંગતી? ખબર છે કેમ? કેમ કે ભાઈ-બહેનનો સંબધ સાત જન્મનો નહીં જન્મોજન્મનો હોય છે !

એક કવિતા સાથે બહેનનો અહેસાસ જોઈએ…

બહેન અક્સર બડી હોતી હૈ, ઉમ્ર મેં ભલે હી છોટી હો.

લેકિન એક બડા સા અહેસાસ કે લીયે ખડી હોતી હૈ.

બહેન અક્સર બડી હોતી હૈ !

જો તુમ રૂઠ જાઓ તો મના લેગી,

જો કોઈ ઉલઝન હો તો સુલઝા દેગી.

હર પરેશાની કો દૂર કર દે,

ઐસી વો જાદુ કી છડી હોતી હૈ,

બહેન અક્સર બડી હોતી હૈ !

એક વો ચુલબુલી સી પ્યારી પરી હોતી હૈ,

બહેન અક્સર બડી હોતી હૈ !

લેખન : નરેન્દ્ર જોષી.

(સાભાર સંજય રસિકલાલ છટવાણી, અમર કથાઓ ગ્રુપ)