શું પૂછો મુજને કે હું શું કરું છું
શું પૂછો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે, ત્યાં હરું છું ફરું છું.
ન જાઉં ન જાઉં, કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારી ને, ડગલાં ભરું છું.
કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું,
બુરાઈને બદલે, ભલાઈ કરું છું.
નથી બીક કોઈની, મને આ જગતમાં,
ફકત એક મારા, પ્રભુથી ડરું છું.
ચડી છે ખુમારી, પીધી છે પ્રેમ સુરા,
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું.
છે સાદું સ્તવન, ‘ભક્ત સત્તાર’નું,
કવિ જ્ઞાનીઓને, હું ચરણે ધરું છું.
– રચયિતા ભક્ત સત્તાર.
કહેવાય છે કે….આ ગીતના રચયિતા ભક્ત સત્તાર પાલીતાણાની બઝારમાં ફરતા ફરતા ગીતો ગાતા હતા. તે સમયે ત્યાંથી પાલીતાણાનાં મહારાજાની સવારી નીકળી. ગીત સાંભળતાં જ મહારાજાએ ભક્તને કચેરીમાં આમંત્રિત કરી ભક્ત સતારને બઝારમાં ગાયેલું ગીત ગાવા કહ્યું. પણ ભક્ત સત્તારે રાજાની આજ્ઞાને અવગણી કહ્યું કે, આ ગીત તો હું મારા આતમને રીઝવવા ગાતો હતો.
એ અહી ન ગવાય, રાજાએ સોના મહોર અને ચાર ગામ આપવા કહ્યું. પરંતુ ભક્ત તેની પણ અવગણના કરી કચેરીમાંથી બહાર નીકળી ગયા. અને જંગલમાં જતા રહ્યા. જંગલમાં મસ્તીમાં ફરતા હતા ત્યારે કોઈ પાગલે કહ્યું, “તમારા જેવા મુર્ખ કોઈ નહિ.”
ત્યારે સત્તાર ભગતે કહ્યું કેમ..!?
પેલા પાટલે કહ્યું, રાજા ચાર ગામ આપતા હતા અને સોનાંમહોર લઇ લીધી હોત તો આજે દર દર ભટકવું ના પડતને.
ત્યારે આ ગીતનું સર્જન થયું. ભક્તિની ઉંડાઈમાં લઇ જતું આ ભજન ખરેખર સુંદર છે.
(ડાયરો ચેનલમાં કિર્તીદાન ગઢવીના મુખે સાંભળેલ વાત ઉપરથી લખાણ લખેલ છે.)
સં. હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)