ભાગવત રહસ્ય 93: ભક્ત જમનાદાસે ઠાકોરજી માટે લાખ રૂપિયામાં ફૂલ કેમ ખરીદ્યું, વાંચો સાચા પ્રભુપ્રેમની કથા

0
755

ભાગવત રહસ્ય – ૯૩

જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે ને અતિસાવધ રહેવાથી કામને જીતી શકાય છે. પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી કેટલાંક મહાત્માઓને માયા એ કીર્તિમાં ફસાવે છે. સાધુ મહાત્માઓને થાય છે કે મારા પાછળ મારો આશ્રમ ચાલે, લોકો મને યાદ કરે.

મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું છે, તો મારી પાછળ મારું નામ રહે તે આશા રાખવી વ્યર્થ છે. મઠ-મંદિર અને આશ્રમની આસક્તિ એ ભક્તિમાં વિઘ્ન કરનારી છે. જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે પણ જો કીર્તિમાં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે.

મનુષ્યને પણ કીર્તિ-પ્રતિષ્ઠાનો મો હ છૂટતો નથી. ઘરનું નામ આપે છે અનિલનિવાસ. પણ અનિલભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના? ઘરને ઠાકોરજીનું નામ આપો.

ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે કે હું બ્રહ્મ રૂપ થઇ ગયો છું. પછી સેવા-સ્મરણમાં ઉપેક્ષા જાગે અને પતન થાય છે. યોગીઓને સિદ્ધિ મળે એટલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. સિદ્ધિના ઉપયોગથી પ્રસિદ્ધિ વધે એટલે પતન થાય છે. ક્રોધ કરવાથી સનતકુમારોને ભગવાનના સાતમાં દરવાજેથી પાછા વળવું પડ્યું.

સનતકુમારોનો ક્રોધ સાત્વિક છે (દ્વારપાળો ભગવદદર્શનમાં વિઘ્ન કરે છે તેથી ક્રોધ આવ્યો છે) એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધાં. પરંતુ સનતકુમારો ભગવાનના મહેલમાં દાખલ થઇ શક્યા નહિ. કર્મમાર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કશ્યપ-દિતિને કામે વિઘ્ન કર્યું. ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે. સનતકુમારોને ક્રોધે વિઘ્ન કર્યું.

એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે : કામી-લોભીને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે. કામી કા-મસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે, પણ ક્રોધ કરનારને તો કાંઇ મળતું નથી. માટે ક્રોધ છોડવો જોઈએ. ગીતામાં પણ કહ્યું છે : પુરુષનો નાશ કરનાર ત્રણ નરકના દ્વાર છે, માટે એ ત્રણ કામ, ક્રોધ અને લોભનો તરત ત્યાગ કરવો જોઈએ (ગીતા-૧૬-૨૧)

(ક્રોધની કોઈ વ્યાખ્યા નથી. ક્રોધ એ કામ અને લોભની એક સાઈડ નિપજ – બાય પ્રોડક્ટ છે. કામ એટલે જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા. અને લોભ એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા. આ બંને ‘ઈચ્છા’ પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે.)

ભક્તિમાર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ઘણા બાબાનો શુટ બનાવવો હોય તો સો રૂપિયે વારનું કાપડ લાવે અને ઠાકોરજીના વાઘા માટે દશ રૂપિયે વારનું કપડું લાવે. ઠાકોરજી માટે ફૂલ લેવા નીકળે અને ગુલાબ મોંઘુ હોય તો ચાર આનાના કરેણના ફૂલ લાવે, પણ જો ઘરવાળીએ કીધું હોય કે આજે મારી માટે સારી વેણી લાવજો તો ગમે તેટલાં રૂપિયા ખર્ચી વેણી લઇ આવે.

સત્યનારાયણની કથામાં પાંચસોનું પીતાંબર પહેરી બેસે અને જયારે ઠાકોરજીને પીતાંબર પહેરાવવાનું આવે ત્યારે કહેશે કે : પેલું નાડું લાવ્યા હતા તે ક્યાં ગયું? નાડું (નાડાછડી) લાવજો. ભગવાન કહે છે : બેટા, હમ સબ સમજતે હૈ. હું પણ તને એક દિવસ લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરવા કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે.

આવું બધું ના કરો. લોભ રાખ્યા વગર ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો. ૨૫૨ ભક્તોની વાર્તાઓમાં જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આવે છે. જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની દુકાને એક સારું કમળનું ફૂલ જોયું અને જમનાદાસજીએ વિચાર્યું કે, આ સુંદર કમળ જ ઠાકોરજી માટે લઇ જઈશ.

બરોબર એજ વખતે એક યવનરાજા ત્યાં આવે છે. તેને પોતાની ર-ખાત વે-શ્યા માટે ફૂલ જોઈતું હતું. જમનાદાસ માળીને ફૂલની કિંમત પૂછે છે. માળી પાંચ રૂપિયા કિંમત જણાવે છે. તે જ વખતે યવન રાજા વચ્ચે કુદી પડે છે અને કહે કે : હું દશ રૂપિયા આપવા તૈયાર છું.

જમનાદાસ માળીને કહે છે કે : હું પચીસ રૂપિયા આપવા તૈયાર છું. પછી તો ફૂલ લેવા હરીફાઈ ચાલે છે. જમનાદાસની છેવટની બોલી એક લાખ થઇ ગઈ. યવનરાજા વિચારે છે કે : એક લાખ રૂપિયા હશે તો બીજી સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસજીને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા. તેમનો પ્રેમ સાચો-શુદ્ધ હતો. યવનરાજાને તો વે-શ્યા તરફ સાચો પ્રેમ નહોતો તે તો મોહ હતો. પોતાની સઘળી મિલકત વેચીને એક લાખ રૂપિયા કિંમત આપી ફૂલ ખરીદી ઠાકોરજીની સેવામાં અર્પણ કરે છે.

ઠાકોરજીના માથા પરથી આજે મુગુટ નીચે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે કે ભક્તના આ કમળનું વજન મારાથી સહન થતું નથી.

સનતકુમારોએ ક્રોધમાં જય-વિજયને શાપ આપ્યો છે. કહે છે : ભગવાન સર્વમાં સમભાવ રાખે છે. પણ તમારામાં વિષમતા છે. અમને સાધારણ બાળકો સમજીને અટકાવો છો. અમારી લાયકાત ના હોત તો અમે અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત? વિષમતા તો રાક્ષસો કરે છે. માટે જાવ તમે રાક્ષસો થાવ. દૈત્યકુળમાં તમારે ત્રણ વખત જન્મ લેવા પડશે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)