આપણા દેશમાં સમયે સમયે ઘણા ધાર્મિક મેળા અને યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. એવી જ એક પ્રસિદ્ધ યાત્રા મહારાષ્ટ્રના પંઢરપુરમાં કાઢવામાં આવે છે. અહિયાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ વિઠ્ઠલ રૂપમાં બિરાજમાન છે. વર્ષમાં 2 વખત આ મંદિરમાં મેળો ભરાય છે અને યાત્રા કાઢવામાં આવે છે.
માન્યતા મુજબ, છઠ્ઠી સદીમાં એક પ્રસિદ્ધ સંત પુંડલીક હતા જે માતા પિતાના પરમ ભક્ત હતા. તેમના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઇને એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ દેવી રુકમણી સાથે પ્રગટ થયા. તે સમયે પ્રભુએ તેમને સ્નેહથી બોલાવી કહ્યું – પુંડલીક અમે તમારું આતિથ્ય ગ્રહણ કરવા આવ્યા છીએ.
મહાત્મા પુંડલીકે દરવાજા તરફ જોયું અને કહ્યું કે – મારા પિતા શયન કરી રહ્યા છે, એટલા માટે તમે થોડી વાર રાહ જુવો અને તે ફરીથી પોતાના પિતાના પગ દબાવવામાં લીન થઇ ગયા. ભગવાને તેમના ભક્તની આજ્ઞાનું પાલન કર્યું અને કમર ઉપર બંને હાથ મૂકીને તેમની રાહ જોતા ઉભા રહ્યા. ભગવાન શ્રીકૃષ્ણનું આ રૂપ વિઠ્ઠલ કહેવાયું.
આ સ્થળ પુંડલીકપુર કે અપભ્રંશ રૂપમાં પંઢરપુર કહેવાયું, જે મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ તીર્થધામ છે. સંત પુંડલીકને વારકરી સંપ્રદાયના ઐતિહાસિક સંસ્થાપક પણ માનવામાં આવે છે, જે ભગવાન વિઠ્ઠલની પૂજા કરે છે. અહિયાં ભક્તરાજ પુંડલીકનું સ્મારક બનેલું છે. તે ઘટનાની યાદમાં અહિયાં દરવર્ષે મેળો ભરાય છે.
મંદિરનો ઈતિહાસ :
(1) મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલું આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અહિયાં શ્રીકૃષ્ણને વિઠોબા કહે છે. એટલા માટે તેને વિઠોબા મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર પાસેથી ભીમા નદી વહે છે. માનવામાં આવે છે કે અહિયાં આવેલી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ભક્તોના તમામ પાપ ધોવાઇ જાય છે. તેમાં પાપ ધોવાની શક્તિ છે.
(2) મંદિરમાં પ્રવેશ કરતી વખતે દ્વાર સામે ભક્ત ચોખામેલાની સમાધી છે. પ્રથમ સીડી ઉપર જ નામદેવજીની સમાધી છે. દ્વારની એક તરફ અખા ભક્તિની મૂર્તિ છે. નિજ મંદિર સાથે રુકમણીજી, બલરામજી, સત્યભામા, જાંબવતી અને શ્રીરાધાના મંદિર છે.
(3) કહેવાય છે કે વિજયનગર સામ્રાજ્યના પ્રસિદ્ધ નરેશ કૃષ્ણદેવ વિઠોબાની મૂર્તિને તેમના રાજ્યમાં લઇ ગયા હતા, પરંતુ પાછળથી એક વખત ફરી એક મહારાષ્ટ્રીયન ભક્ત મૂર્તિને પાછી લઇ આવ્યા અને અહિયાં તેની ફરીથી સ્થાપના કરી દીધી.
આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.