ભક્તની લાજ રાખવા ભગવાન પોતે ધરતી પર આવ્યા હતા, વાંચો ભક્તિની તાકાતનો અદ્દભુત પ્રસંગ.

0
619

દેશળ ભગત અને ધ્રાંગધ્રા રાજ

(ભક્તની ભક્તિની તાકાત)

ઈશ્વરના નામ સ્મરણમા કેટલી તાકાત હોય છે એનો એક પ્રસંગ આજે કહેવો છે. 80 વર્ષ પહેલાંની આ વાત છે ઝાલાવાડના શિરોમણી અને ઝાલાવંશના માથાના મુગટ સમાન ધ્રાંગધ્રા સ્ટેટના સર અજીતસિંહજી રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ધ્રાંગધ્રા પરત ફર્યાં, તેમનું રાજતિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે કરવામાં આવ્યું અજીતસિંહજી રાજા બન્યા છતાં પણ રજવાડી પોશાક પહેરતા નહોતા માત્ર મીલિટરીનાજ કપડાં પેહરતા હતા.

સૌરાષ્ટ્રમા ઘણા રાજારજવાડા થઈ ગયા પણ એમા અજીતસિંહ મોખરે ગણાય સૌરાષ્ટ્રના તમામ રાજાઓમાં એક મજબૂત શાસક તરીકે દરબારશ્રી અજીતસિંહજીની હાક વાગતી હતી અજીતસિંહજીનો વેણ કોઈપણ નાના કે મોટા રજવાડાં ઉથાપવા તૈયાર નહોતાં. હવે પરગણામાં આવું જેનું નામ હોયતો એ રાજાની કાનૂન વ્યવસ્થા કેવી હશે અને એ રાજની જેલ કેવી હશે, જેલનો કાયદો કેવો હશે? આવી જેની ધાક હોવા છતા પણ ઈશ્વરના નામ સ્મરણમા કેટલી તાકાત કેવી હોય એનો આ જીવતો જાગતો દાખલો છે.

આવી અજીતસિંહજીની હાક અને આવીજ એની જેલ અને જેલ પોલિસની સામાન્ય નોકરી કરતો એક માણસ જેમનું નામ દેશળ હતું દેશળ અજીતસિંહજીની જેલમા ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા, હવે એ ત્રણ રૂપિયામાં ઘરનો વ્યવહાર ચલાવવાનો અને ઈમાનદારીથી નોકરી પણ કરવાની, નોકરી કરતાંકરતાં સમય મળેતો હરી ભજન કરવા માટે ચાલ્યુ જવું ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશળ ભજનમાં ના હોય એવું બને નહી. જેલ પર રાત્રિના સમયે નોકરી હોય અને ગામમાં ભજન હોય અટલે દેશળને ચેન ના પડે ગમેતેમ કરીને ભજનમાં જઈ આવે.

એવામાં એક દિવસ દેશળને જેલ પર રાત્રે પેહરા માટે જવાનું થયું દેશળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા રસ્તામાં એમને ગામનો એક માણસ મળ્યો અને જય માતાજી કહીને રસ્તો રોક્યો. દેશળે પણ સામો જવાબ વાળ્યો અને કહ્યું કે ભાઈ આજે ગામમાં ઘેલા કુંભારને ત્યાં ભજન છે. દેશળે કહ્યું કે મારાથી અવાશે તો હું જરૂર આવીશ પણ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે. એટલું કહી દેશળ જેલ પર પહોંચ્યા પણ જેલ પર તેમને સખ વળતું નથી તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજનના આમંત્રણમા હતો.

ભજનમા આરતી શરૂ થતાની સાથે દેશળને હૈયામા શાંતિ નથી થતી. આમતેમ આંટા દેવા માંડે છે દેશળ સાથે નોકરી કરતા બીજા પાંચ પેહરેદારો સમજી ગયા અને પૂછી લીધું કે, કાં દેશળ ગામમાં ભજન લાગે છે નઈ. દેશળે બેચેનીથી જવાબ વળ્યો કે, મને ગમે ત્યાં ભજન હોય ને જો જવા ના મળે તો જીવન અને નોકરી બધું ધૂળ લાગે છે.

સાથીઓએ કહ્યું કે દેશળ તારે ભજનમા જવું હોય તો નિરાંતે જા અમે સાચવી લેશું, દેશળે કહ્યું કે હું કેવી રીતે જઈ શકું, મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે ભજનમા જવાની ઈચ્છા તો ઘણી થાય છે પણ પેહરો છોડીને ના જવાય. રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશળના સાથી માંથી એક માણસ કહે છે…. દેશળ ભજનમા જવાની ઈચ્છા હોય તો લાવ બધી ચાવીઓ, તારે જવું હોય તો જઈ આવ કોઈને કાનોકાન ખબર નઈ પડે પણ પછી વહેલો પાછો આવી જજે.

દેશળે કહ્યું કે મારા ગયા પછી તમે સંભાળી શકશો ? કારણ કે જેલમાં બહારવટિયા અને જાસૂસો પુરેલા હતાં…અરે દેશળ વિશ્વાસ નથી અમારા પર એમ કહી એનો સાથીદાર જરા નિરાશ થઈ ગયો. દેશળે કહ્યું કે વિશ્વાસ તો છે તમે કહો છોતો હું ભજનમા જઈ આવું ત્યાં સુધી ધ્યાન આપો તો એક ચોહર કરીને આવી જઈશ લો આ ચાવીઓ રાખો.

એ સાથીએ કહ્યું કે જવું હોય તો જા પણ એક ચોહર કરીને આવતો રહેજે મોડું કરતો નહી, આ સર અજીતસિંહજીની જેલ છે એ તને ખબર છે, ગમે ત્યારે ધુનકી ઉપડે અને આંટો દેવા આવે તો આપણા બાર વગાડી દે એટલે બે ભજન ગાઈને આવતો રહેજે. દેશળ સાથીઓને બે ભજન ગાઈને અબઘડી આવું છું કહીને જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગ્યે સીધા ભજનમા જઈ રામસાગર હાથમા લીધો. આંખોમાંથી અપનેઆપ આંસુઓ વહેવા લાગ્યા રામસાગર હાથમા રાખી દેશળ ભજનમા લીંન બની જાય છે. દેશળ ભજનમા એવા ખોવાયા કે સમયની ખબર રહી નહી અને ક્યારે અગિયાર ના બાર અને બારના બે થઈ ગયા દેશળ પ્રભુ ભક્તિમાં ભાન ભૂલી ગયા.

જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાંગડદા બાંગડદા ધુમાં બાંગડદા કરતાં ઘોડાના ડાબલા સંભળાયા વીસેક ઘોડેસવારો સાથે સર અજીતસિંહજી જેલ પર આવ્યા અને પહેરેદારો બધા સાવધાન મુદ્રામાં પૂતળા ઉભા કર્યા હોય એમ ખોડાઈ ગયા, સર અજીતસિંહજીએ આવતાની સાથે હાકલ કરી કે “જમાદાર” અને અંદરથી અવાજ આવ્યો જી સરકાર હુકમ….

અજીતસિંહજીએ સવાલ કર્યો કે સબ સલામત ? દેશળે સામો જવાબ વાળ્યો હા બાપુ આપના રાજમાં સબ સલામત જ હોયને કોની માની મગદુર છે કે આપની મરજી વગર પત્તુ ફરકાવી જાય. અજીતસિંહજીએ એને બહાર આવવા હુકમ કર્યો, દેશળ બહાર આવ્યા અને મુલાકાતીની ચોપડી આપી સરકાર લ્યો આમાં મુલાકાતમાં આપની સહી કરો. એ જેલનો કાયદો હતો કે ગમે તે મુલાકાતી આવે એનું નામ સમય અને આવવાનું કારણ અંદર લખાતું.

અજીતસિંહજીએ એ સહી કરી દેશળની સામે જોયું અને કહ્યું કે બધુ બરાબર છે, અને અચાનક સવાલ પૂછી નાખ્યો કે દેશળ તને ભજનમા જવાનો બહુ શોખ છે એવું મે સાંભળ્યુ છે? દેશળને પણ જાણે ખબર હતી કે આવો સવાલ થશે એણે થોડી રમૂજ સાથે ધીમેથી જવાબ વાળ્યો કે હા સરકાર નોકરીની પાળી બદલાય ત્યારે બેઘડી જઈ આવું અને ભજન કરી આવું. ઠીક છે એટલું કહી અજીતસિંહજી ઘોડાને પાછા વાળીને જેલ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળ્યા.

ઘોડાને લઈ હજુ થોડાજ આગળ પહોંચ્યા હશે ત્યાંતો ભજનનો અવાજ કાને પડે છે. અજીતસિંહજી સાથે રહેલા એક ઘોડેસવારે અજીતસિંહજીને કહ્યું કે, સરકાર આ અવાજ દેશળ ભગતનો છે આ ભજન દેશળ ભગતજ ગાય છે. અજીતસિંહજી થોડાં નારાજ થયા શિક્ષીત માણસ અને આવી બધી વાતોથી પર એક આધુનિક અને શિક્ષીત રાજ્યનું સ્વપ્ન જોનાર રાજા થોડો ખિન્ન થયો અને બોલ્યો કે. ભલા માણસ હજી આપણે જેલ પરથી ચાલ્યા આવીએ છીએ રુબરુ દેશળ સાથે વાત કરી છે. અને એટલી વારમાં દેશળ ભજનમા કેવી રીતે પહોંચી ગયો? જરા વિવેકથી વાત કરો…

ઘોડેસવાર પણ એની વાત પર મક્કમ હતો અને બોલ્યો સરકાર ગુસ્તાખી માફ. અમે આપને ઘણી વખત કહ્યું પણ આપ અમારી વાત કાને દેતા નથી આ અવાજ ભગતનોજ છે, ભજન દેશળજ ગાય છે આપ ખાત્રી કરવા ચાહોતો ભજનમા જઈને રુબરુ જોઈ લઈએ. અજીતસિંહજી અને સાથે રહેલા ઘોડેસવારો કુંભારવાડા તરફ જઈને જુએ છે તો દેશળ ભગત આંખો બંધ છે અને હાથમા રામસાગર લઈ ભજન ગાઈ રહ્યાં છે.

અજીતસિંહજીને ભજનમા આવેલા જોઈ કુંભાર રાજ સાહેબને ભજનમા બેસવાનું કહે છે, અજીતસિંહજી બેસવાની ના કહી ત્યાંથી નીકળી મહેલ પર ચાલ્યા જાય છે આ બાજુ પરોઢિયે ભજન પુરા થયે પેલો કુંભાર ભગતને હકીકત વર્ણવે છે, ત્યારે ભગતને પેટમાંફા ળપડે છે. ભગત ઉતાવળા ચાલતા ચાલતા જેલ પર આવી માણસોને પુછે છે કે ભાઈ, કોઈ આવ્યું તો નહોતું ને? મને જરાક ભજનમાંથી આવતા મોડું થઇ ગયું.

જેલ પર પહેરો આપતા સાથીઓમાંથી એક માણસ બોલ્યો કે દેશળ આવી તે શીદ ને મજાક કરશ? બે વાગ્યે રાજ સાહેબ આવ્યા હતા અને તેં પોતે ચોપડી આપી અને એ ચોપડીમાં સહી પણ કરાવી, હાલતો તું બાર ગયો છે. દેશળને પગેથી જમીન સરકી ગઇ કે મેં ક્યારે સહી કરાવી, રાજ સાહેબ આવ્યા ત્યારે હું ક્યાં હાજર હતો?

સાથીએ કહ્યું કે લાવ લઈલે ફાનસ હું તને બતાવું કહીને ચોપડી ખોલી ભગતને દેખાડી કે, જો આ રહી ધ્રાંગધ્રા રાજ સાહેબની સહી અને આ બાજુ આવ આ રહ્યા રાજ સાહેબના ઘોડાના અને આ રહ્યા તારા પગલાંના સગડ. દેશળ આશ્ચર્યચકિત થઈ બોલ્યા કે સારુ કહેવાય સગડ તો રહ્યા. ભગત જ્યા સગડ હતા ત્યાં મદાલો મારીને બેસી ગયાં અને એ પગલાંની ધુળ હાથમા લીધી અને પોતાના આખા શરીર પર ચોપડવા લાગ્યાં. ઉભેલા સાથીઓમાંથી એક જણ બોલ્યો જે ભગત આવું શું કરે છે? ગાંડોતો નથી થઈ ગયો ને?

ભગત કહે : ભલા માણસ આ મારા સગડ ના હોય હું તો કુંભારવાડે રામસાગર વગાડતો એને સાદ દેતો હતો, આ સગડ તો મારા દ્વારકાધીશના છે. આ સગડ તો અખિલ બ્રહ્માંડના અધીપતીના છે. હુ તો તમને પહેરાની ચાવીઓ આપી ભજનમા ગયો ત્યારથી અત્યારેજ હાલ જેલ પર આવું છું મે રાજ સાહેબને ચોપડીયે નથી આપી કે સહી પણ કરાવી નથી.

સવાર પડી ભગતને રાજ સાહેબનું તેંડુ આવ્યું તેઓ સીધા ધ્રાંગધ્રા રાજ સાહેબ અજીતસિંહજીના મહેલ પર પહોંચી જાય છે, અને પહેરેદારને રાજ સાહેબને ખબર આપવાનું કહે છે, થોડીજ વારમાં એમના નામની પોકાર પડે છે, દેશળ ભગત નત મસ્તક કચેરીમાં પ્રવેશ કરે છે. ધ્રાંગધ્રા સ્ટેટ ઝાલાવાડનું સૌથી મોટું સ્ટેટ કચેરી ઠબાવીને ભરી છે લગભગ તમામ દરબારો અને કર્મચારીઓને હકીકતની ખબર છે, પણ એ લોકો દેશળ ભગતના મુખેજ સાંભળવા માંગે છે.

ભગતની આંખો ઉજગરાથી લાલ છે, રાજ સાહેબ ધીરગંભીર વદને સિંહાસને બિરાજેલા છે. અજીતસિંહજી એમના આ વફાદાર અને સાચા કર્મનિષ્ઠ કર્મચારીને સવાલ કરે છે કે, હે દેશળ કાંઈ ખુલાસો કરવો છે? જે હકીકત મારા ધ્યાને આવી છે એ બાબતે? ના બાપુ કઈં નઈ આપની સમક્ષ ખુલાસા ના હોય. મારો વાંક પણ છે અને હું નિર્દોષ પણ છું. પણ આપ નવા જમાનાના માણસ અને એમાંય રાજા એટલે આપને નઇ સમજાય.

અજીતસિંહજી બોલ્યાં કે તો પછી અટાણે ફેંસલો શું કરશું? દેશળે મક્કમ જડબાં કરીને જવાબ આપ્યો કે બાપુ ફેંસલો આજે મારે કરવો છે કે મારે નૌકરી નથી કરવી, આપને જે સજા કરવી હોય એ માથે ચડાવું. અજીતસિંહજી બોલ્યાં અરે ભલા માણસ બીજા ભલેને ગમેતે બોલે મેં તમને ક્યારેય કશું કહ્યું? આ તો મારે ફરજના ભાગ રુપે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે, બાપુ તમારે તો ફક્ત અમારો ખટકો રાખવા જેલ પર આવવું પડે એના કરતા હુંજ આજે આ નોકરી છોડી દઉં છું.

અજીતસિંહજી પણ સામે જીદે ચડી ગયા દેશળ તારી નોકરી તારૂ નામ થોડો તો વિચાર કર, મેં તને સજા કરવા નથી બોલાવ્યો તારું બહુમાન કરવા બોલાવ્યો. અને પછી જે શબ્દોની શરવાણીઓ દેશળ ભગતના મુખેથી નીકળી એ શબ્દોએ ધ્રાંગધ્રા રાજની કચેરીમાં સન્નાટો ફેલાવી દીધો.

દેશળ કહે બાપુ તમારે તો મારા માટે ખાલી મેહલેથી જેલ સુધીનો ધક્કો ખાવો પડે છે, પણ ઓલ્યા મારા હરીને તો ઠેઠ દ્વારકાથી ધ્રાંગધ્રાનો ધક્કો ખાવો પડે છે. અખિલ બ્રહ્માંડના માલીકને વૈકુંઠમાંથી આવવું પડે અને એ પણ એક મારા જેવાના પાપી પેટ માટે. મારા ઠાકરને મારી ત્રણ રૂપિયાની નોકરી હાટું છેક આટલે લાંબુ થાવું પડે? એટલું બોલીને દેશળ ભગત વધારે બોલી ના શક્યા આંખો આંસુઓથી ભરાઈ ગઇ ગળામાં ડૂમો બાઝી ગયો, અને એટલામાં રાજ સાહેબ અચાનક એમના સિંહાસનેથી ઊભાં થઈ ગયાં સડાક કરતી આખી કચેરી પણ ઉભી થઇ ગઇ.

એ ધ્રાંગધ્રાનો રાજા અને ઝાલાવાડનો ધણી સામે ચાલીને ઝુક્યાં ત્યાંતો દેશળ ભગતે બથમાં લઈ લીધાં ના રાજન હું તમારો એક અદનો નોકર અને તમે મારા માલિક છો. અરે ભગત આપને કઈ રીતે નોકર કહું કે જેના માટે ખુદ કૃષ્ણ ભગવાન મારી જેલ પર બદલીયું ભરતા હોય એ માણસ સામાન્ય ના કહેવાય, ભગત તમે તો તમારી સાથે મારું પણ નામ ઇતિહાસને પાને અમર કરી દીધું. ઠીક છે ભગત પણ તમે ઇનામના હકદાર છો. જો કાલની રાત્રે એ તપાસ કરવા ના નીકળ્યો હોત અને સુઈ રહ્યો હોત તો ભલે તમારા ખોળિયે પણ દ્વારકાધીશના દર્શન ના થયા હોત એની સન્મુખ વાત કે મુલાકાત ના થઇ હોત.

ધન્ય આ ઝાલાવાડની ધરાને કે આવા સંતો પેદા કર્યાં કે એને ભજન કરવા હોયતો ખુદ શ્રી કૃષ્ણ એમની નોકરી બજાવે, અને રાજ સામે ગુનેગાર ના ઠરવા દે.પણ ભગત આજે હું રાજી છું માંગી લ્યો, તો રાજન એક વાવ ખોદાવો અને પાણીની અછતમાં ગરીબ ગુરબાને એનાથી રાહત થશે, બાકી મારા પંડ માં મારે કશી ચીજની જરૂર નથી, એટલું કહીને દેશળ ભગત દરબાર ગઢની કચેરીને છેલ્લી સલામ કરીને નીકળી ગયાં અને ખાંડવી ધાર ઉપર રામસાગર લઈને બેસી ગયાં. આજની તારીખમાં ધ્રાંગધ્રામાં દેશળ ભગતની વાવ છે આ વાત કહેવાનો મતલબ એ છે કે, નામ અનેં પ્રભુના સ્મરણમા કેટલી તાકાત છે એ એક સામાન્ય ચોકીદારે રાજાધિરાજને બતાવી દીધું.

વાંચેલ કથાને મેં મારા અંદાજમાં રજૂ કરવા ચાહ્યું અને લખ્યું…ક્ષતિ જણાય તો ક્ષમા કરજો..

લેખક – મલીક શાહનવાઝ “શાહભાઈ” દરબાર ગઢ.. મુ.પો. તા. દસાડા જી. સુરેન્દ્રનગર પિન- ૩૬૩૭૫૦

(સાભાર શની જાવિયા, કાઠિયાવાડી સાહિત્ય અને વાર્તા ગ્રુપ)