મહારાષ્ટ્રના સંત – ભક્ત પુંડલિક :
લોહદંડ નામના ગામ પાસેના દિંડીરવનમાં જાનુદેવ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. ખૂબ જ સજ્જન અને સદાચારી. ન તો કોઈના હર્ષમાં કે ન તો કોઈના શોકમાં, તદ્દન પોતાના ધર્મધ્યાનમાં મગ્ન. ઉપરાંત જેટલો તે ધાર્મિક હતો એટલો જ સાત્વિક પણ હતો.
તેનો એક દીકરો. નામ પુંડલિક. “વડ એવા ટેટા ને બાપ એવા બેટા”, આ કહેવતને ખોટી પાડવા જ જાણે કે એનો જન્મ થયો હોય એવું એનું વર્તન, અને એવી એની વાણી. અસ્સલ હીરાની ખાણમાં કોલસો પાક્યો હોય એવો ફક્ત મેશ ફેલાવતો કૂળદિપક એટલે આ પુંડલિક..!
માતાપિતાને અપ શબ્દો બોલવા, અપમાન કરવા, નાનામોટાનું ભાન ન રાખવું, વં ઠેલ મિત્રોની સોબતમાં ફર્યા કરવું આ બધાં તેનામાં દુર્ગુણો. બે પૈસા કમાઈને લાવીને ઘરમાં મદદરૂપ થવાની કોઈ જ ધગશ કે કર્તવ્ય-ભાન તેનામાં નહોતું.
દીકરો સંસારની જવાબદારી ઉપડતો થાય એ હેતુથી, અને લગ્ન બાદ એ સુધરી જશે એવી આશા સાથે, પછી માબાપે તેના લગ્ન કરાવી આપ્યા. પરંતુ પરિણામ તેમની આશા વિરુદ્ધ આવ્યું. પુંડલિક તો તદ્દન વહુઘેલો જ બની ગયો. પત્ની આગળ માતાપિતાને ખૂબ જ નગણ્ય માનવ લાગ્યો. વૃદ્ધાવસ્થાની લાકડી બનવાના કોઈ જ લક્ષણ તેનામાં નહોતા. પોતાનાં સુખની સામે આ બેજવાબદાર યુવકને કોઈની ખુશીની કોઈ જ પરવા નહોતી. પોતાનાં જ માબાપ હવે એને અડચણરૂપ લાગવા લાગ્યા હતા. તેઓ જો જલ્દી દુનિયામાંથી વિદાય લે તો પોતે એક ઝંઝાળમાંથી છૂટે એવું પણ તે માનવા લાગ્યો હતો.
એકવાર પુંડલિકના પિતા જાનુદેવ પોતાના નિરાશાજનક અંધકારમય જીવન બાબતે વિચાર કરતાં ઘરને ઓટલે બેઠા હતા ત્યાં ગામમાં તેમને થોડી જુદા પ્રકારની હિલચાલ અને ચહલપહલ દેખાઈ. જિજ્ઞાસાપુર્વક તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કાશીની જાત્રાએ જતો એક સંઘ તેમના ગામે વિશ્રામ માટે રોકાયો છે. તે સંઘમાં વૃદ્ધો સાથે યુવાનો પણ હતા. આ યુવકો પોતપોતાના માતપિતાની સેવા કરી રહ્યા હતા.
આ દ્રશ્ય જોઈને જાનુદેવના મનમાં એક ખેદજનક લાગણી ઉપજી આવી. પોતાને યુવાન પુત્ર હોવા છતાં તેની તરફથી કોઈ જ આશા રાખી શકાય એવી તેની વર્તણુક નહોતી તેનો અફસોસજનક નિસાસો મુખેથી નીકળી આવ્યો. સંઘના વૃદ્ધોને જોઈને ઈર્ષ્યાની લાગણી પણ તેને થઈ આવી કે કાશીની જાત્રા તેનાં પોતાના નસીબમાં ક્યારે હશે?
પણ કોણ જાણે કેમ પુંડલિકને પણ આ સંઘને જોઈને કાશીની યાત્રા કરવાનું મન થઇ ગયું. તેણે પોતાની પત્નીને વાત કરી અને બન્ને સંઘમાં જોડાઈ જવાની તૈયારી કરવા લાગ્યા. તેના માતાપિતાએ પણ આ જોઈને તેની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેની જોડે લઇ જવા વિનવવા લાગ્યા. ત્યારે ધૂર્ત અને સ્વાર્થી પુંડલિકે ગામવાળાની નિંદાથી બચવા આખરે માબાપને પણ જોડે લઇ લીધા.
તે વખતમાં ગરીબો માટે જાત્રા કરવાની બહુ સગવડો નહોતી તો સર્વે પગપાળા જ નીકળી પડ્યા, પણ વૃદ્ધ માતાપિતા કેટલું ચાલી શકવાના હતા? પુંડલિકની પત્ની પણ ચાલીને થકી ગઈ ત્યારે હૃષ્ટપુષ્ટ પુંડલિકે ત્રણ જણને મદદરૂપ થવાનું જરૂરી બન્યું.
તો તેણે પોતાની પત્નીને ખભે બેસાડી દીધી, અને માબાપને કમરે દોરડું બાંધી તેમને ખેંચી ખેંચી આગળ મજલ કાપવા લાગ્યો.
તો આમ, જેમના ચરણોમાં સકળ તીરથ આવી વસ્યા છે એવા માબાપને ખેંચીખેંચીને પુંડલિક ચાલ્યો હતો કાશીની જાત્રાએ ‘પુણ્ય’ કમાવવા..!
પણ આગળ જતાં પ્રવાસમાં પુંડલિક અજાણતા જ સંઘથી છુટ્ટો પડી ગયો અને એકલો પડી જતાં પછી તો એ કાશીની વાટ પણ ચુકી ગયો. સાવ એકલો, માબાપ અને પત્ની સાથે આગળ ચાલતો ચાલતો અનાયાસે જ એ કાશીની દક્ષિણે આવેલા કુક્કુર ઋષિના આશ્રમે પહોંચી ગયો.
ત્યાં જઈને તેણે સ્વામીજીને કાશીનો રસ્તો પૂછ્યો.
પરંતુ સ્વામીએ કહ્યું- “હું તો કદી કાશીની યાત્રાએ ગયો નથી એટલે મને રસ્તો ખ્યાલ નથી.”
“તમે કોઈ દિવસ કાશી નથી ગયા?” -તેણે નવાઈ પામીને ફરી પૂછ્યું.
“કાશી તો શું, હું એક પણ તીર્થસ્થાને નથી ગયો.” -સ્વામીએ આમ કહી પુંડલિકને વધુ આશ્ચર્યમાં નાખી દીધો.
“પણ કેમ? તમે આટલા જ્ઞાની અને ભક્ત છો તો પણ જાત્રા નથી કરી?” -જિજ્ઞાસાવશ પુંડલિક બોલ્યો.
“હું તો બસ મારા માબાપમાં જ શિવપાર્વતીને જોઉં છું, તેઓ તો મારા માટે જીવંત તીર્થ સમાન છે, પછી મારે બીજે બધે તીરથ કરવાની શી જરૂર પડે..!”
પત્નીને જેણે ખભે બેસાડી છે અને માબાપને કમરે જેણે દોરડા બાંધ્યા છે એવા પુંડલિક તરફ જોઈને સ્વામી શાંતભાવે બોલ્યા.
ધરતી માર્ગ આપે તો સમાઈ જવું એવી લાગણી પુંડલિકને થઈ આવી. તે ખૂબ જ લજ્જિત થયો.
સ્વામીવચન સાંભળી એકદમ જ અંતર્મુખ બની ગયો; પત્નીને નીચે ઉતારી; માબાપને છોડ્યા; તેમને શીતળ જળ પીવા આપ્યું અને ખરાં મનપૂર્વક તેમની ક્ષમા માંગી. તેનાં મનમાં એકાએક જ્ઞાનનો પ્રકાશ ફેલાયો. પ્રાયશ્ચિતનું પવિત્ર ઝરણું ફૂટીને તેનાં મેલા મનને સ્વચ્છ કરવા લાગ્યું.
વૃદ્ધ માબાપને વિશ્રામ આપવા પુંડલિક આશ્રમમાં જ બે દિવસ માટે રોકાઈ ગયો. રાત્રે સૌ સુઈ ગયા પણ પુંડલિકને ઊંઘ નહોતી આવતી.
મધ્ય રાત્રીએ તેણે જોયું કે ત્રણ યુવાન સુંદર સ્ત્રીઓ સાવ જ મેલાઘેલા વસ્ત્રોમાં આશ્રમમાં આવીને આશ્રમ સાફ કરી સ્વચ્છ કર્યો અને પછી પૂજા કક્ષમાં ગઈ.
થોડીવારે અંદરથી બહાર આવી તો તેમનાં વસ્ત્રો એકદમ સાફ અને સ્વચ્છ થઈ ગયા હતા. આ જોઈ પુંડલિકને ખૂબ નવાઈ લાગી.
બીજી રાત્રે ફરી આ જ દ્રશ્ય જોઈ તેનાથી રહેવાયું નહીં એટલે તેણે તે સ્ત્રીઓને પૂછ્યું કે તેઓ કોણ છે.
એ સ્ત્રીઓએ જવાબ આપ્યો- “અમે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ છીએ. લોકો અમારે કાંઠે આવી પોતાના પાપ ધુએ છે તેથી અમારામાં તેમનો મેલ જમા થઈ જાય છે. અહીં આશ્રમમાં આવી પૂજા અર્ચના કરવાથી અમે ફરી પાવન બની જઈએ છીએ. એટલો બધો આ આશ્રમ અને આ ઋષિનો મહિમા છે.”
“પણ, તેમણે કોઈ તીર્થયાત્રા નથી કરી તે છતાંય એટલા પાવનકર્તા કેવી રીતે હોઈ શકે?” -તેણે જિજ્ઞાસાવશ પૂછ્યું.
“પોતાનાં માતપિતાની ખૂબ સેવા કરીને તેઓ તીર્થયાત્રાનું બમણું પુણ્ય કમાયા છે. તેમને શી જરૂર છે તીરથ કરવાની? પણ તારા જેવા એક પાપી પાસે આ વાત કરવાનો શો અર્થ? તું તો એટલો હીન પ્રકૃતિનો કે પોતાના જ માબાપના જવાની વાટ જુએ છે.” -આટલું કહી તે સર્વે ચાલી ગઈ.
પુંડલિકની આંખ હવે પૂર્ણપણે ખુલી ગઈ. તેનો પસ્તાવો ચરમસીમાએ પહોંચ્યો.
પછી તો જાણે ‘વાલીયો વાલ્મિકી બની ગયો.’ તે સંપૂર્ણ બદલાઈ ગયો. માતાપિતાનો એ પરમ ભક્ત બની ગયો.
માબાપને સ્નેહશ્રદ્ધાપૂર્વક કાશીની જાત્રા કરાવીને સુખરૂપ દિંડીરવન પોતાને ઘેર લઇ આવ્યો. સાચા હૃદયથી થયેલ પસ્તાવાને કારણે તેના પૂર્વના પાપ ધોવાતા ગયા. ઉપરાંત તેની અનન્ય માતૃપિતૃભક્તિ જોઈને ગામવાળાઓ મોમાં આંગળા નાખી ગયા. ભોગીમાંથી હવે એક યોગી જન્મ્યો હતો. તેનો બદલાવ, તેની શ્રદ્ધા, તેની ભક્તિ દૂર દૂર ખ્યાતિ પામ્યા અને આમ જ વરસો વીતતા ચાલ્યા. માબાપ હવે પુત્રને આશીર્વાદ દેતા થાકતા નહોતા, તો પુત્ર પણ સેવા કરતાં થાકતો નહોતો.
સમય વીતતો ચાલ્યો અને પુંડલિકની માબાપ-સેવા એક પૂજા સમાન ગહન બનતી ચાલી. હવે બસ એ જ એનાં જીવનનું એકમેવ ધ્યેય હતું.
વૈકુંઠમાં ત્યારે, કહેવાય છે કે, એક અનન્ય બનાવ બની ગયો. કોઈ કારણસર દેવી રુક્મિણી શ્રીકૃષ્ણથી રિસાઈને પૃથ્વી પર અહીં દિંડીરવનમાં આવીને બેસી ગયા.
કૃષ્ણ તેમનાં મનામણાં કરવા પાછળ પાછળ આવ્યા. તેમણે પણ ભક્ત પુંડલિકની ખ્યાતિ જાણી હતી, તો અહીં આવ્યા બાદ, તેની ભક્તિ જોવા ચકાસવાની ઈચ્છા થઈ. એટલે ભક્ત પુંડલિકના ઘરની બહાર તેઓ પ્રગટ થયા અને ત્યાંથી જ કહ્યું- ” ભક્ત પુંડલિક, હું તારું આતિથ્ય ગ્રહણ કરવા આવ્યો છું.
પુંડલિક ત્યારે માતપિતાના પગ દબાવી સુખ આપી તેમને નિંદ્રાધીન કરવાના પ્રયત્નમાં હતો. પ્રભુને પોતાને દ્વારે જોઈને એ હર્ષિત થઈ ગયો. પરંતુ તે સાથે જ એ વિમાસણમાં પણ પડી ગયો. માબાપને સેવાસુખ આપવાના કાર્યમાં એ વિક્ષેપ પાડી શકતો નહોતો, તો પ્રભુનો આતિથ્ય સત્કાર કરવાનો ગૃહસ્થ-ધર્મ પણ એ ત્યાગી શકતો નહોતો. શું કરવું એ એને સમજાતું નહોતું.
તેણે તુરંત જ પ્રભુને દૂરથી વંદન કર્યા. ઘરમાં કોઈ અન્ય આસન પણ નહોતું કે જે એ પ્રભુને ગ્રહણ કરવા આપી શકે. ત્યાં જ તેનું ધ્યાન બાજુમાં પડેલી એક ઈંટ પર પડ્યું. તો વધુ કઈં જ વિચાર કર્યા વિના તેણે તે ઈંટ પ્રભુ તરફ બહાર સરકાવી અને બોલ્યો- “પ્રભુ મને ક્ષમા કરજો કે હું આ ક્ષણે તમારો સત્કાર કરી શકતો નથી. મારી માતા નિંદ્રાધીન છે જ્યારે પિતા નિંદ્રાવસ્થામાં સરકી રહ્યા છે, એવી વેળાએ તેમની સેવા મૂકી હું તેમના નિંદ્રાસુખમાં વિક્ષેપ પાડી ન શકું. તો કૃપા કરી આપ આ ઈંટ પર ઉભા રહી મારી પ્રતીક્ષા કરો, હું થોડી જ પળોમાં આપની સેવામાં ઉપસ્થિત થઈશ.”
પ્રભુ માટે તો આ એક સદંતર નવો જ અનુભવ હતો. આ પહેલાં તો સદાય તેઓએ ભક્તોને તેમનાં દર્શન માટે વિહ્વળ થતાં જ નિહાળ્યા હતા. તેમનાં દર્શન માટે ભક્તોને વર્ષોના વર્ષ ઘોર તપસ્યાઓ કરતાં જ અત્યાર સુધી પ્રભુએ જોયા હતાં.
તો, એક ક્ષણના દર્શનથી જીવન ધન્ય બનાવવા માટે આખું આયખું પસાર કરી નાખનારા ભક્તોના ટોળા વચ્ચે, આ તે કેવો ભક્ત હતો, કે જેને પોતે વિના માગ્યે દર્શન આપવા ઇચ્છયું તો એણે તો તેમને બહાર જ પ્રતીક્ષા કરવા વિનંતી કરી.
માતાપિતાને ઈશ્વરતુલ્ય તો ઘણાં ગણે પણ આ ભક્ત તો કેવો..! ઈશ્વર કરતાંય વધુ મહત્તા એ માબાપને આપે છે. પ્રભુ દર્શનથી ધન્ય થવાની બદલે માબાપની સેવામાં જ એ વધુ ધન્યતા અનુભવે..!
પ્રભુને ખરેખર પુંડલિકનું કૌતુક થયું. તેઓ મંદ મંદ સ્મિત સાથે ઈંટ પર ઉભા રહી તેનાં એ પુનિત સેવાકાર્યને નીરખી રહ્યા.
પિતાને ઊંઘ આવી ગઈ સમજી પુંડલિક ઉભો થવા ગયો ત્યાં તેમણે ફરી આંખો ફરકાવી એટલે એ ફરીથી સેવા-કાર્યમાં લાગી ગયો.
પ્રભુ માટે હવે ખરેખર જ એ લાંબી પ્રતિક્ષાનો સમય હતો એટલે બેઉ હાથની હથેળીઓ કમર પર મૂકી ઈંટ પર ઉભા ઉભા તેઓ આ અનેરાં ભક્તની પ્રતીક્ષા કરવા લાગ્યા.
થોડીવારે નવરાશ મળતા પુંડલિક પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયો અને વંદન કર્યા. ઉપરાંત પોતે પ્રભુની ઉપેક્ષા કરી તે બદલ ક્ષમા પણ માંગી.
પરંતુ પ્રભુ તો આટલા પ્રતીક્ષા-કષ્ટ બાદ પણ પ્રસન્ન-ચિત્ત જ હતા.
“તારા આ અનન્ય સેવાભાવથી હું ખરેખર જ ખૂબ પ્રસન્ન થયો છું. તો તું ઈચ્છે એ વરદાન આપું છું. બોલ, શું ઈચ્છે છે તું?” – હર્ષિત સ્વરે તેઓ બોલ્યા.
એક દરિદ્ર ભક્ત તો શું માંગવાનો? ધન-વૈભવ, ખેતીવાડીની સમૃદ્ધિ, કે અન્ય લૌકિક સુખ?
પણ ના..પુંડલિક તો કહે- “ભગવાન..! મને મારા સુખ માટે અન્ય કંઈપણ જોઈતું નથી..! મને ફક્ત આપ જ જોઈએ. આ ક્ષણે જેમ આપ ઉભા છો, એ જ અવસ્થામાં અન્ય ભક્તોના લાભાર્થે આપ અહીં જ રહી જાઓ અને આપના પાવન દર્શન તેમને સતત આપતા રહો.”
“તથાસ્તુ..!” -પ્રસન્નવદન પ્રભુ બોલ્યા.
બસ, ત્યારથી એમ જ કમર પર હાથ મૂકીને શ્રીકૃષ્ણ એક ઈંટ પર ઉભા છે અને ભક્તો તેમનાં આ સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે.
ઈંટને મરાઠીમાં ‘વીટ’ કહેવાય.
તો એ વીટ પર કમરે હાથ દઈને જે ઉભું છે એ કૃષ્ણ-સ્વરૂપ, પછી ‘વિઠ્ઠલ’ નામે ખ્યાતિ પામ્યું.
વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ-માર્ગના પ્રણેતા એવા શ્રી વલ્લભાચાર્યને જે સ્વરૂપમાં શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો એ સ્વરૂપ પછીથી ‘શ્રીનાથજી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ પુષ્ટિ-માર્ગનો પ્રસાર મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં થયો છે અને શ્રીનાથજી સ્વરૂપનું મુખ્ય મંદિર રાજસ્થાનના નાથદ્વારા ગામમાં સ્થિત છે.
બસ આવી જ રીતે, ભક્ત પુંડલિકને જે સ્વરૂપમાં શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો એ સ્વરૂપ પછીથી વિઠ્ઠલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ ભક્તિ-માર્ગ ‘વારકરી’ સંપ્રદાય તરીકે જાણીતો થયો અને તેનો પ્રસાર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થયો અને શ્રીવિઠ્ઠલ સ્વરૂપનું મુખ્ય મંદિર મહારાષ્ટ્રના પંઢરપુરમાં સ્થિત છે.
વિઠ્ઠલ, એ મહારાષ્ટ્ર રાજ્યના આરાધ્ય-દેવ ગણાય છે, એટલે પંઢરપુરના આ વિઠ્ઠલ મંદિરનું સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉચ્ચ મહત્વ છે.
એની રાજકીય મહત્તા એટલી છે, કે દર વર્ષે અષાઢી એકાદશીના પાવન દિવસે આ મંદિરમાં થતી મહાપૂજા કરવાનો લ્હાવો ફક્ત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને જ મળી શકે છે.
તે પરંપરા મુજબ જ, હજુ બસ પંદર દિવસ પહેલાંની દેવપોઢી અષાઢી એકાદશીના દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સપરિવાર પંઢરપુરના વિઠ્ઠલ મંદિરે મહાપૂજા કરવાનું સદભાગ્ય પામ્યા.
||વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ||
– સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ