ભક્તરાજ શ્રી સુરાખાચર જે એકાંતમાં સ્ત્રીનો યોગ થવા છતાં ડગ્યા નહિ, જાણો શ્રીજી મહારાજના સખાભક્ત વિષે.

0
405

ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે સ્વીકાર્યા હતા. સત્સંગમાં એવા અનેક પ્રસંગો નોંધાયા છે કે, જ્યારે આનંદકંદ સહજાનંદજી ઉદાસ થઈને બેઠા હોય ત્યારે આ ભક્તરાજે આવીને હાસ્યની સાથે આનંદ તરંગો ફેલાવ્યા હોય.

આ ભક્તરાજ શ્રી સુરાખાચર લોયા અને નાગડકા આ બે ગામના ગરાસદાર હતા. તેમના પત્નિનું નામ શાંતિબા હતું. પુત્રનું નામ નાથાખાચર અને પુત્રીનું નામ વલુ હતું. શરીરે પંજાબી, સ્વભાવે રમુજી, ધર્મે શૂરા, વૈરાગ્યે પૂરા અને ભક્તિથી ભરપૂર આ ભક્ત રાજથી સંપ્રદાયમાં કોણ અજાણ હોય શકે?

ભક્તરાજ સુરાખાચરના દરબારગઢમાં શ્રીહરિએ ૧૮-૧૮ વચનામૃત કહ્યા છે. શ્રીહરિએ એક અને અદ્વિતીય એવો ૧૨ મણ ઘી અને ૬૦ મણ રીંગણા સાથે શાકોત્સવ આ દરબાર ગઢમાં કર્યો છે. આ દરબાર ગઢમાં પરમહંસોની જગ્યા હતી તેનું સાક્ષી લોયાનું પ્રથમ વચનામૃત આપે છે. ચંદ્રગ્રહણની સભા, નટ રમાડ્યા, ધાન જમ્યા, રંગે રમ્યા, જેવી અનેક લીલાઓથી સુરાખાચરનો દરબારગઢ ભક્તિથી લીલોછમ રહેતો. એાજ સંપ્રદાયના પ્રત્યેક ગ્રન્થોમાં સુરાખાચરના સમર્પણના પ્રતાપે લોયાધામની લીલાઓ લખાણી છે. લખાય છે અને લખાતી રહેશે.

આ સુરાખાચરનું અંતર અલબેલાની પ્રાપ્તિના કે ફમાં હિલોળા લેતું. ઉદાસ શ્રીહરિ સાથે સુમશામ બેઠેલી સભામાં આવી, નિખાલસતાથી હાસ્યના ફૂલડા વેરતા ત્યારે સભાનો રંગવસંતની જેમ ખીલી ઉઠતો. સુરાખાચર બોલવાનું શરૂ કરે એટલે શ્રીહરિનો હાથરૂમાલ સાથે મુખારવિંદ પર પહોંચે અને શ્રોતાઓ પેટ પકડે એટલું હસાવતા છતાં ધર્મનિયમમાં અડગ અને જીતેન્દ્રિય હતા.

જસદણ કામ પ્રસંગે ગયેલા ત્યારે એકાંતમાં સ્ત્રીનો યોગ થવા છતાં ડગ્યા નહિ અને ત્યાંથી સીધાજ ગઢપુર આવ્યા ત્યારે મહારાજે ‘‘ઈન્દરીયા ગઢના વિજેતા’’ કહીને રાજી થઈને સોનાની મૂઠવાળી તર વાર ભેટ આપેલી. આ શૂરવીર ભક્તએ શ્રીહરિનો પત્ર મળતાં સમગ્ર ઝંખના છોડીને ફકીરી લીધેલી પણ આજ્ઞાએ કરીને પાછા લોયા આવેલાં.

લોયા આવીને ર૬ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરીને આજીવન અખંડ બ્રહ્મચર્ય પાળ્યું એટલે જ એમના દરબાર ગઢમાં સંતો પરમહંસો રહેતા એટલે જ એમના દરબાર ગઢમાં શ્રીહરિ સ્વયં શાકોત્સવ કરતા, એટલે જ લોયાના વચનામૃતમાં ‘‘સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા’’ એમ લખાયું છે.

– સાભાર કલ્પેશસિંહ ગોહિલ (દિવ્ય સત્સંગ ગ્રુપ)