ભણેલા ન હોય પણ હિંમત અને કોઠાસૂઝ હોય તો બીજાના જીવન બદલી શકાય છે, વાંચો એવીજ એક સ્ટોરી.

0
640

‘ચોખ્ખા’ જીવતરની વાત.

ત્રણ અક્ષરનું નામ ગંગાબા. આટલું નામ જ પૂરતું હતું અમારા ગામમાં. ગંગાબાના ચહેરા ઉપર ભારે કડપ દેખાય. અમે જ્યારે સહેજ સમજણા થયા અને અમારી ઉંમર દશ વરસે પહોંચી ત્યાં તો ગંગાબાની ઝપટે અમેય ચડી ગયા. અમારા ગામમાં નહાવાનો બોરિંગ અને એ બોરિંગ ગ્રામપંચાયત ચલાવે. આખું ગામ ત્યાં નાહવા ધોવા આવે.

એ બોરિંગની સામે જ પશુઓને પાણી પીવા એક હવાડો. ગામનું પશુધન વગડો ચરી ને આવે એટલે એ હવાડાં માં પાણી પીવે. અઢી ફૂટ ની ઊંડાઈ ના હવાડાં માં બાળકો નહાવા આવે. એ અવાડા માં બાળકો ભુસકા મારે. ગામ માં તળાવ ખરું. પણ તેની ઊંડાઈ સહેજ વધારે એટલે બાળકો ને તળાવે એકલા નાહવા જવા ન દેવાય તેવું માનતા માવતરો બાળકો ને તળાવ થી દુર રાખે. એટલે નાનકડો હવાડો બાળકો ને મન તળાવ થી જરાય ઉતરતો નહોતો.

અમારી ઉંમર દશ વરસ ની આસપાસ હશે. એક બપોરે ગામ ના છોકરાવ ભેગા થઈ હવાડાં ના પાણી માં ધીંગા-મસ્તી કરતા હતા. અને ક્યાંક થી કરડાકી ભરેલો અવાજ કાને ઝીલાયો… અલ્યાવ, ઉભા ‘રો.. તમારા બાપ ને બાવા લઈ જાય… તમારા વાહાં કાબરા કરવા પડશે. ત્યારે, તમને ભાન આવશે…

ધીંગા-મસ્તી માં મશગુલ અમારા કાને વખતસર એ અવાજ ન ઝીલાયો. પણ, એકાદ બે છોકરાવ ને એ અવાજ સંભળાયો હશે એટલે એ સહુ એ જોર થી ચીસ પાડી…. ભાગો … ગંગામાં આયા.!!!

ને એ પાણીદાર હવાડા માં થોડીવાર ધમાચકડી મચી ગઇ. હવાડાં ની દીવાલ ને કુદાવી બાળકો એ નોખી નોખી દિશા પકડી લીધી. અમારા માં થી એકેય ની હિંમત નહોતી કે પાછું વળી ને જોઈએ કે ગંગાબા કેટલા છેટા છે! ગંગાબા ની બીક માં અમારા લૂગડાં એ હવાડાં પાસે જ પડ્યા રહ્યા હતા. ગંગાબા એ લૂગડાં ભેગા કરી ગાંસડી વાળી માથે મૂકી ને ઘર તરફ ચાલતી પકડી… એજ રોફદાર ચાલ.

લૂગડાં વગર ઘરે જઈએ તો માવતર નો મા ર ખાવો પડે. એટલે થોડીવાર પછી ગંગાબા ના ફળીયા માં જઈ ને અમે સહુ બાળકો નીચું માથું કરીને ઉભા રહીએ છીએ. ઘરમાં થી ગંગાબા બહાર આવી અને અમારા ઉપર એક અછડતી નજર ફેરવી ઉભા રહી જાય છે.

ફળીયા માં ઘડીવાર સન્નાટો..

અલ્યાવ, તમારા ઘરમાં પાણી પીવાના માટલામાં નાહવા બેસો છો? તમાંરી માયું ને પૂછજો કે તમે પીવાના પાણી ના માટલામાં નાહવા બેસો એટલે એ ટગર- ટગર તાકી રહેશે. ગંગાબા ના અવાજ માં નરમાશ લગારે નહોતી એમાં નરી કરડાકી હતી. એ કરડાકી માં તીખાશ ભળી ગઈ હોય તેવું લાગતું હતું. અમારો ત્યાં ન્યાય તોળાયો.. કાન પકડી ને વીસ ઉઠ -બેસ ની સજા.. ઉઠ બેસ વચ્ચે સતત. ગંગાબા બોલ્યા જ કરતા હતા. હવાડો એ અબોલ પશુ માટે નું પીવાનું પાણી નું માટલું છે. એ ચોખ્ખુ ભલે આપડે ન રાખીયે. પણ, એને મેલું ના કરાય… ને ખબરદાર જો હવાડે દેખાયા છો તો… લૂગડાં નો મુદ્દામાલ અમારા હાથ માં આવ્યો પછી ગંગાબા નું સાંભળવા ઉભા રે એ બીજા…

ગામમાં પ્રવેશીએ એટલે ડાબી બાજુ ચડતા ઢાળ ઉપર ગંગાબા નું ખોરડું. એક ઢાળીયુ જાળીદાર ખોરડું અને ફળિયામાં મોટી પગતાસ… ગંગાબા નો ભરાવદાર ચહેરો અને તીખો પાણીદાર અવાજ. ગામના વૃધ્ધો કહે છે કે દાયકાઓ પહેલા ગામમાં ચોરી થયેલી અને બે મહિના વીતી ગયા તોય ચોર પકડાયા નહોતા. ગામ માં એ દિવસે જમાદાર આવ્યા હતા. ચોર કોણ હતા એ જમાદાર જાણતો હતો એવી ગામ માં ચણભણ ચાલતી હતી. ચોકમાં બેઠેલા જમાદાર ગામ મુખી ને દાબ આપવા મથામણ કરતો હતો.

ચોર ને હું ઓળખું એનો કોઈ પુરાવો ખરો ગામવાળા પાસે? જમાદાર ના ટાઢા અવાજ માં સહેજ કરડાકી ની છાંટ ઝીલાતી હતી. મુખી ચુપચાપ સાંભળતા હતા. ને ગામના પુરુષો અને મહિલા સહિત ઠીકઠીક પ્રમાણ માં ભેગા થયા હતા.

તમે ચોર ને નહીં પહોંચી વળો…. જમાદારે મુખી ને લાગલું જ સંભળાવ્યું. મુખી એ તો કોઈ જવાબ ન આપ્યો પણ, મહિલાઓ ના સમૂહમાં થી એક અવાજ સંભળાયો…

સાયેબ…. ગામ નહીં પહોંચી વળે કે તમે નહીં પહોંચી વળો? એ મહિલા લાજ ના ઘૂમટા આડે થી સતત બોલતી રહી. જમાદાર પાસે એ મહિલા ના સવાલો ના કોઈ જવાબ નહોતા. જમાદાર પણ બે ઘડી શેહ ખાઈ ગયો અને આ માથાકઢી બાઈ કોણ છે એવું મુખીને પૂછી બેઠો.

એનું નામ ગંગા છે. છ મહિના પહેલા પરણી ને આવી છે. ગંગાબા ભણ્યા નહોતા. પરંતુ, તેમની પાસે માત્ર હિંમત જ નહીં આગવી કોઠાસૂઝ હતી. એ વખતે સ્વચ્છતા અભિયાન એટલે શું એય કોઈ જાણતું નહોતું. પરંતુ, ગંગાબા ને ગામમાં ગંદકી કોઈ કાળે કબૂલ ન હોય એમ કોઈ વહુવારું જ્યાં ત્યાં કચરો ફેંકતા દેખાય તો ગંગાબા એની ધૂળ કાઢી નાખતા.

શેરી માં પાણી ઢોળવા કોઈ મહિલા નીકળે અને ગંગાબાનો પગરવ સંભળાય તોય પાણી ઢોળવાનું માંડી વાળી એ મહિલા ઘરમાં પાછી વળી જાય. ગંગાબા એ વખતે નિયમિત કુવા, તળાવ આરા ને હવાડાં જાતે સાફ સુફ કરી ને કાયમ ચોખ્ખા ચણાક રાખતા. વરસાદ ખેંચાય અને દુકાળ વરસ હોય ત્યારે ઘર દીઠ પાચીયું (પાંચ પૈસા) ઉઘરાવી ને તળાવ માં વિરડા ગળાવે.

કોઈ ના ઘેર કજીયો કંકાસ હોય તો ગંગાબા મારગ કાઢી સુલેહ પણ કરાવી દે. ગામલોકો એ દાયકાઓ સુધી ગ્રામપંચાયત માં ગંગાબા ને સભ્ય તરીકે બેસાડ્યા. ગંગાબા એ ગામ શેરીઓથી લઈ તળાવ આરા સુધી ચોખ્ખા ચણાક રાખ્યા ને રખાવ્યા. ગંગાબા કોઈ મેનેજમેન્ટ નું ભણ્યા નહોતા કે નહોતી તેમની પાસે આંજી નાખતી ભાષા. આજે તો દાયકાઓ પસાર થઈ ગયા છે. આજે ગંગાબા નથી રહ્યા કે નથી રહ્યું ગંગાબા નું ખોરડું. ભલે ગામમાં ગંગાબા ના નામનો કોઈ ચોક કે પૂતળું ન હોય. પણ, ગંગાબા હૃદય માં આજે ય ધબકે છે.

આલેખન : અંબુ પટેલ.

અતિત ની યાદ.

(સાભાર પ્રકાશ ઓઝા, અમર કથાઓ ગ્રુપ)