ભાર વિનાના ભણતર અને રિવિઝન શીટની આ સ્ટોરી વાંચીને તમે પણ મેડમ સાથે સહમત થશો.

0
290

લઘુકથા – “રિવિઝન-શીટ” :

“મેડમ, તમે ક્લાસ માં કીધું કે નહિ કે આ વખતે પરીક્ષા માં સવાલ પાઠ ની અંદર થી પણ પૂછાશે, મેં તો મારા બધાં જ ક્લાસ માં કીધું છે કે હવે તૈયારી માં લાગી જાઓ” મેઘના ફ્રી પીરીયડ માં સ્ટાફ-રૂમ માં આવી, તો નિર્મલા મેડમ ને ત્યાં બેઠેલાં ને જોઈ ને ખુશી ખુશી બોલી પડી.

“બસ આજે કહી દઈશ, મારાં પીરીયડ છે જ આજ બધે.” મોટી ઉંમર નાં અને વધુ અનુભવી હોવા છતાં નિર્મલા મેડમ ને પોતાના થી ઘણી નાની મેઘના પ્રત્યે માન હતું, જેનું કારણ મેઘના નું જ્ઞાન અને તેની ભણાવવાની રીત બન્ને હતાં. મેઘના બાળકો ને હમેશાં કંઇક અલગ કરાવવાનું વિચારતી, દરેક બાળક ને સમજતી હતી. પોતાનાં વિદ્યાર્થીઓ ને આગળ વધતા જોવાની લાગણી તેનામાં હતી અને એ માટે તે પોતે પણ ખૂબ જ મેહનત કરતી.

“સાચે નિર્મલા મેડમ, આજે તો મને મારા એક્ઝામ નાં દિવસો યાદ આવી ગયા. અમે જ્યારે સ્કૂલ માં હતાં ત્યારે તો પરીક્ષા નું માળખું શું હોય એ પણ ખબર ન પડતી. હું તો સર લખવતાં તો પણ ન લખતી. એમ વિચારીને કે વાંચવાનું તો બધું જ છે. આજે મને ખુશી થાય છે કે આજે મારાં વિદ્યાર્થીઓ પણ એમ જ સાચી રીતે પરીક્ષા આપશે.” મેઘના ની ખુશી તેની વાતો માં દેખાતી હતી અને નિર્મલા મેડમ નાં ચેહરા પર એ જ ખુશી જલકતી હતી. ત્યાં જ પ્રિન્સિપાલ સર આવીને ઉભા રહ્યાં. બન્ને એ ઉભા થઇ ને ગુડ મોર્નિંગ વિશ કર્યું.

“બધાં શિક્ષકો અત્યારે વર્ગ માં જ હશે. આવે એટલે કહી દેજો કે રિવિઝન-શીટ તૈયાર કરી અને આજે જ સ્ટુડન્ટ્સ ને મોકલી આપે અને….”

“…પણ સર, આ વખતે તો બધું જ પૂછવાનું હતું ને.” મેઘના ને પ્રિન્સિપાલ ની વાત થી થોડો આઘાત લાગ્યો.

“મેઘના મેડમ, જેવું તમે કહો એમ ન થઈ શકે બધું. કાલ ઉઠીને વાલીઓ આવશે તો મને જ પૂછશે કે કેમ ઓછાં માર્ક્સ આવ્યા, કેટલાંક ને જવાબ આપીશ હું? એના કરતાં જેમ ચાલે છે એમ ચલાવો “imp” સવાલો નો સેટ બનાવીને રિવિઝન-શીટ આપી દો. અને હા એમાંથી બહાર ના સવાલ હોવા જ ન જોઈએ. is that clear for you?” “Yes sir.” બન્ને એ વિલાં મોંએ જવાબ આપ્યો અને પ્રિન્સિપાલ ત્યાંથી રવાના થયા.

નિર્મલા મેડમ યથાવત્ પોતાનાં કામ માં લાગ્યા. મેઘના મનમાં ને મનમાં વિચારી રહી, “શું આ છે ભાર વિનાનું ભણતર?…. ના, આ તો ભણતર જ નથી.”

– લવયુસોમચ મારા કાનુડા (અમર કથાઓ ગ્રુપ)