ભરૂચનું શુકલતીર્થ પાપવિમોચન તરીકે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્‍થળ છે, ચાણક્ય સાથે છે તેનો સંબંધ.

0
465

શુક્લતીર્થ મહાત્મ્ય, નર્મદા મૈયા, ભરૂચ.

– જયંતિભાઈ આહીર.

ભરૂચથી 15 કિ.મી. નર્મદા કાંઠે રમણીય કુદરતી સૌંદર્યથી ભરપૂર શુક્લતીર્થ નામનું અતિ પવિત્ર યાત્રા સ્‍થળ આવેલું છે. એવું કહેવાય છે કે મગધ સામ્રાજ્યના મહા અમાત્ય ચાણક્ય આધી, વ્યાધી અને ઉપાધીથી ખૂબ પીડાઇ રહ્યા હતા, ત્યારે તેણે મહાદેવની આરાધના કરતા ભગવાન શ્રીમહાદેવ પ્રસન્ન થતા આકાશવાણી થઈ કે, “હે ચાણક્ય નર્મદાના ઉદગમ સ્થાન અમરકંટકથી તું કાળા વસ્ત્રો પરિધાન કરી કાળી ગાય સાથે કાળી નાવમાં પ્રસ્થાન કર અને જ્યાં આ ત્રણેય વસ્તુ સફેદ થઈ જશે તે સ્થાને તારો મોક્ષ થશે!”

અમરકંટકથી કાળી નાવમાં કાળી ગાય સાથે કાળા વસ્ત્રોમાં ચાણક્ય ભરૂચ નજીક પહોંચતા નર્મદા કિનારે પૂજા કરવા બેસતા જમીનમાંથી અચાનક શિવલીંગ પ્રગટ થયું, અને એ સાથે ચાણક્યના વસ્ત્રો, ગાય અને નાવ સફેદ થઈ જતા તે પાપમુક્ત સાથે રોગમુક્ત થયા. એ પવિત્ર સ્થળ એટલે શુક્લતીર્થમાં આવેલું શ્રીશુક્લેશ્વર મહાદેવ મંદિર.

શુકલતીર્થ પાપવિમોચન તરીકે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્‍થળ હોય, દરેક હિંદુએ જીવનમાં એકવાર અહીંની યાત્રા સાથે અર્ધચંદ્રાકાર વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મહિમા હિંદુ શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે પુત્ર વિયોગના આઘાતમાં શેષ જીવન અહીં જપ-તપમાં વિતાવેલું. તો અણહિલ પાટણના રાજમાતા મીનળદેવીએ વિક્રમ સંવત ૧૦૧૧ માં શુકલતીર્થનો યાત્રાવેરો માફ કર્યો હતો.

પવિત્ર નર્મદા મૈયાના કિનારે આવેલા 333 શિવતીર્થો અને 28 વિષ્ણુતીર્થોમાં શુક્લતીર્થને સૌથી વધુ પાવનકારી માનવામાં આવેલ છે. શુક્લતીર્થ સાથે ભૃગુ ઋષિ, ધર્મરાજા યુધિષ્ઠિર, અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ચાણક્યની યાત્રાઓ સહિત અનેક ગાથાઓ સંકળાયેલી છે.

સ્કંદપુરાણ, શિવપુરાણ, રેવાપુરાણ, માર્કંડેય પુરાણ સહિત અનેક ધર્મગ્રંથોમાં શુક્લતીર્થનો મહિમા જોવા મળે છે. મહાભારત કાળથી નૈમિષ્યારણ્ય ગણાતા શુક્લતીર્થમાં કારતક સુદ 11થી પુનમ દરમિયાન ભરાતા મેળામાં દેવો સુક્ષ્મ સ્વરૂપે વિહાર કરતા હોવાનું મનાય છે.

શુક્લતીર્થમાં શ્રીશુક્લેશ્વર મહાદેવ ઉપરાંત ભગવાન શ્રીવિષ્ણુનું શ્રીૐકારનાથ વિષ્ણુ મંદિર આવેલું છે. ચતુર્ભુજ સ્વરૂપ પૂર્ણકદની શ્યામની જ્ગ્યાએ શ્વેત રંગની શેષનાગથી વીંટળાયેલી મૂર્તિ સફેદ આરસની હોવાનું દર્શનાર્થીને પ્રથમ નજરે લાગે છે, પરંતુ આ મૂર્તિ રેતીયા પથ્થરની સ્યંભૂ બનેલી હોવાનું કહેવાય છે.

ૐકારનાથ ભગવાન શ્રીવિષ્ણુની મૂર્તિ સવાર, બપોર અને સાંજના અનુક્રમે બાળ, યુવા અને પ્રૌઢ સ્વરૂપમાં પરિવર્તિત થતી હોવાનું જોવા મળે છે. મૂર્તિ માથે ડાબી-જમણી બાજુ પ્રજાપિતા બ્રહ્માજી અને મહાદેવજી બિરાજે છે. મૂર્તિના હાથમાં શંખ, ચક્ર ગદા અને પદ્મ છે. ભગવાન શ્રીવિષ્ણુની મૂર્તિની છાતીમાં ઉપર-નીચેના ભાગે શ્રીલાંછન અને ભૃગુલાંછન આવેલા છે. મૂર્તિની બાજુમાં રાધીકાજી, વેદવ્યાસજી, શુકદેવજી અને લક્ષ્મીજી રહેલા છે. મૂર્તિ નીચે જય – વિજય દ્વારપાળની મૂર્તિઓ આવેલી છે.

મંદિરમાં ગરુડજી, હનુમાનજી, લક્ષ્મીજી અને સૂર્યનારાયણની મૂર્તિઓના દર્શન કરી શકાય છે. શ્રી ૐકારનાથ મંદિર વિશે એવું કહેવાય છે કે, જેટલા તુલસી પત્ર અને પુષ્પો ભગવાન શ્રીવિષ્ણુની પૂજામાં અર્પણ કરાય તેટલા હજાર વર્ષો સુધી મનુષ્ય વિષ્ણુલોકમાં સ્થાન મેળવવાનો અધિકારી બને છે. ૐકાર શ્રીવિષ્ણુના નર્મદા સ્નાન સાથે પૂજા, સ્તુતિ અને સાષ્ટાંગ પ્રણામ કરતા સર્વ દેવોને નમસ્કાર કર્યાનું પુણ્ય મળે છે. તો અહીં પિતૃ શ્રાદ્ધ કરનારાના પિતૃ સો વર્ષ સુધી સંતુષ્ટ રહે છે.

ૐકારનાથ ભગવાન શ્રીવિષ્ણુ મંદિર, શુક્લતીર્થ પૌરાણિક મંદિરનું પુન: નિર્માણ ડાકોર મંદિરનું પુન: નિર્માણ કરાવનારા મરાઠા સરદાર તાંબેકરજીએ કરાવ્યું હતું. છેલ્લે 2004 માં મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. ૐકારનાથ મંદિરના સામા કાંઠે નર્મદા બેટ ઉપર જમાનાથી ઘેઘૂર અને ઘટાટોપ કબીરવડ ઉભેલો છે. જેને કવિ નર્મદે દૂરથી જોતા કહ્યું હતું કે, ‘‘ભૂરો ભાસ્‍યો ઝાંખો દૂરથી ધુમસે પા‘ડ સરખો ! નદી વચ્‍ચે ઊભો નિર્ભયપણે એકસરખો !‘

પૌત્ર પ્રચેતને રમાડવા માટે સપરિવાર સગા-સંબંધીઓ સાથે શ્રી નથુભાઈ અરજણભાઈ મારુ પરિવાર, ભરૂચના મહેમાન થતા આતિથ્યના લાભ સાથે 09 જાન્યુઆરી 2022, રવિવારના શુક્લતીર્થ યાત્રાનો સુઅવસર પ્રાપ્ત થયો.

– જયંતિભાઈ આહીર.